ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રાક્કથન

પ્રાક્કથન

ગુજરાતી ભાષાસાહિત્ય વિશે મુંબઈના દૈનિકમાં પ્રગટ થતી પોતાની કૉલમમાં જાણીતા સાહિત્યકાર શ્રી ચંદુલાલ સેલારકાએ લખ્યું કે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં મહાનિબંધો થયા છે, પણ એ મહાનિબંધોની અદ્યતન સૂચિ મળતી નથી અને તેને પરિણામે ક્યારેક એક જ વિષય પર બે-ત્રણ મહાનિબંધો લખાય છે. એમનો આ લેખ વાંચીને બ્રિટનમાં વસતા ઉદ્યોગપતિ અને ગુજરાતી ભાષાના ચાહક શ્રી રતિભાઈ ચંદરયાને થયું કે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષા-સાહિત્યમાં થયેલા મહાનિબંધોની સૂચિ તૈયાર કરવી જોઈએ અને તે કાર્ય શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટને કરવાનું સૂચન કર્યું. આથી ઈ.સ. ૨૦૦૨ સુધીની ગુજરાતી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરનારા શોધનિબંધોની સંદર્ભસૂચિ તૈયાર કરવાનું કાર્ય ભાષાસાહિત્યભવનના અધ્યાપક અને લેખક ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટે સ્વીકાર્યું અને અત્યંત પરિશ્રમ લઈને તથા જુદી જુદી યુનિવર્સિટીના અધ્યાપકોનો સાથ લઈને આ સંદર્ભસૂચિ તૈયાર કરી. એનું પ્રકાશન કરવાની જવાબદારી નવભારત સાહિત્ય મંદિરે સ્વીકારી તે પણ આનંદની ઘટના છે. આ સૂચિ વિદ્યાર્થીઓને માર્ગદર્શક બનશે, એટલું જ નહીં, પણ સાહિત્યના કયા કયા વિષયો ઉપર ખેડાણ કરવાનું બાકી છે એનું દિશાસૂચન પણ કરશે. આમ આ કાર્ય કરવાનું સૂચન કરનાર શ્રી ચંદુલાલ સેલારકા, એને માટે આર્થિક જોગવાઈ કરનાર શ્રી રતિભાઈ ચંદરયા અને એ અંગે જહેમત ઉઠાવનાર પ્રસાદ બ્રહ્મભટ્ટ એ ત્રણેના આભારી છીએ.

પચીસમી ઑગસ્ટ, ૨૦૦૪

કુમારપાળ દેસાઈ