ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અલખબુલાખી
અલખબુલાખી [જ. ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ભાદવા સુદ ૧૩, સોમવાર - અવ. ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, અસાડ સુદ ૫, સોમવાર] : જ્ઞાનમાર્ગી કવિ. પૂર્વાશ્રમમાં બુલાખીરામ. સાઠોદરા નાગર. જન્મ અમવાદામાં. પિતા સન્મુખરામ. કિશોરવયમાં ફારસીનો અભ્યાસ. ઈ.૧૮૧૮માં મોડાસામાં સરકારી નોકરી. સંપન્નતાને કારણ ેતે વિલાસી ને અનીતિમાન બનેલા એથી નોકરી છોડવી પડેલી. સિદ્ધપુરની યાત્રાએ ગયેલા ત્યાં ગુલાબભારથી લકડશા નામના યોગીનો સંપર્ક થતાં અધ્યાત્મ તરફ વળ્યા. ગુલાબભારથીને ગુરુ કરી, અલખબુલાખી નામ ધારણ કરી અમદાવાદ, વડોદરા આદિ સ્થળે જ્ઞાનવૈરાગ્યનો બોધ કર્યો. એમને ઘણા શિષ્યો હતા. મૃત્યુનો અણસાર આ જ્ઞાની સાધુને પહેલેથી આવી ગયેલો. ‘ગુરુજ્ઞાનગ્રંથ’માં ઉપર મુજબની જીવનવિષયક માહિતી નોંધાયેલી મળે છે. પણ એમાં બધી વીગતો શુદ્ધ ઐતિહાસિક હોવાનું પ્રતીત થતું નથી. એમાંના ૧ પદમાં એમની મૃત્યુતિથિની આગાહી પણ છે. ‘ગુરુજ્ઞાનગ્રંથ’(મુ.)માં અલખબુલાખીનાં વિભિન્ન પ્રકારનાં લખાણો મળે છે. અધયાત્મબોધ ને વૈરાગ્યબોધનાં ૧૨૭ ગુજરાતી તથા ૩૦ હિન્દુસ્તાની પદો એમાં છે. જાણીતા રાગઢાળોને સ્વીકારીને એમાં કવિએ પરંપરાગત જ્ઞાનવૈરાગ્યની કવિતા આપી છે. ‘રહેણીની કલમો’ શીર્ષકથી મૂકેલાં ગદ્યલખાણોમાં ભક્તે પાળવાના આચારધર્મો વર્ણવેલા છે તો આત્મબોધ તેમ જ શિષ્યમંડળના બોેધ માટે લખેલાં હોય એવાં, (ઈ.૧૮૩૭/સં. ૧૮૯૩, શ્રાવણ સુદ ૧૩થી ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, પોષ સુદ ૧૧ સુધીની તિથિઓ દર્શાવતાં) ડાયરીની પદ્ધતિએ આલેખેલાં ૧૩ ગદ્યલખાણોમાં કવિએ પોતાને માટે ત્રીજા પુરુષ એકવચનનો પ્રયોગ કર્યો છે એ નોંધપાત્ર છે. આ બન્ને પ્રકારનાં ગદ્યલખાણોમાં કવિની અધ્યાત્મની જાણકારી યોગની પરિભાષાને પ્રયોજતી શૈલીમાં સારી ઊપસી છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યની લાક્ષણિકતાઓ પણ આ લખાણોમાં વ્યક્ત થાય છે. કૃતિ : ૧. ગુરુજ્ઞાનગ્રંથ, પ્ર. જીવણલાલ ઝ. મહેતા, ઈ.૧૮૭૪ (બીજી આ.) (+સં.); ૨. કાદોહન : ૨(+સં.), ૩ સંદર્ભ : ૧ કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર, ૩. ગુસારસ્વતો; ૪. ગૂહાયાદી {{Right|[ર.સો.]