ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષભદાસ-૧
ઋષભદાસ-૧ [ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : રાસકવિ. જૈન શ્રાવક. ખંભાતના વીશા પોરવાડ (પ્રાગ્વંશીય) વણિક. અવટંકે સંઘવી, પિતા સાંગણ, સરૂપાદે. હીરાવિજયસૂરિની પરંપરાના વિજયસેન-વિજયાણંદના અનુયાયી. ‘ઋષભદેવ-રાસ’ (ર.ઈ.૧૬૦૬) અને ‘રોહણિયા-રાસ’ (ર.ઈ.૧૬૩૨)ના રચનાકાળને આધારે તેમનો કવનકાળ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણી શકાય અને જીવનકાળને થોડોક ૧૬મી સદીમાં પણ લઈ જઈ શકાય. કવિએ પોતાની કૃતિઓમાં આપેલી માહિતી અનુસાર કવિના દાદા (મહીરાજ) અને પિતાએ સંઘ કાઢ્યા હતા અને એ રીતે સંઘવી કહેવાયા હતા. સંઘ કાઢવાની કવિની ઇચ્છા પૂરી થઈ જણાતી નથી, પરંતુ તેમણે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરી હતી અને તેઓ ધાર્મિક આચારવિચારોનું પાલન કરી એક સાચા શ્રાવકનું જીવન ગાળતા હતા. કવિની સ્થિતિ સુખી અને સંપન્ન જણાય છે. તેઓ સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાસાહિત્યના જ્ઞાતા અને શાસ્ત્રાભ્યાસી હતા તેમ જ હોશિયાર વિદ્યાર્થીઓને તેમણે ભણાવ્યા પણ હતા. ઈ.૧૬૨૯માં રચાયેલા ‘હીરવિજયસૂરિ-રાસ’માં કવિએ પોતે ૩૪ રાસ, ૫૮ સ્તવન અને તે ઉપરાંત ઘણાં ગીત, સ્તુતિ, નમસ્કાર રચ્યાં છે એમ કહ્યું છે. તે પછી રચાયેલા ૨ રાસ મળ્યા છે અને બીજી કૃતિઓ પણ હોવાનો સંભવ છે. પરંતુ આ બધું જ સાહિત્ય અત્યારે પ્રાપ્ય નથી. તેમની ૩૨ જેટલી રાસકૃતિઓ નોંધાયેલી છે જેમાંથી ૮ જેટલા રાસોની તો હસ્તપ્રતો પણ પ્રાપ્ય નથી અને માત્ર ઋષભ/રિખભ, ઋષભદાસ/રિખભદાસના નામથી મળતી કૃતિઓને આ જ ઋષભદાસની ગણવી કે કેમ તેનો કોયડો છે. તેમ છતાં આ કવિનું વિપુલ સાહિત્યસર્જન અવશ્ય નોંધપાત્ર બને છે. કવિ પોતાની ઘણી કૃતિઓના મંગલાચરણમાં સરસ્વતીને ભાવપૂર્વક વંદના કરે છે અને મોટા ભાગની કૃતિઓ ગુરુવારે પૂરી કરે છે તે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. પોતાની કૃતિઓમાં કવિ પોતાના પૂર્વકવિઓનું પણ આદરપૂર્વક સ્મરણ કરે છે, તેમનો ઋણસ્વીકાર કરે છે અને પોતાની અલ્પતા દર્શાવે છે. ઋષભદાસની કૃતિઓમાં વિપુલ પ્રમાણમાં મળતાં સુભાષિતો પણ કવિએ પૂર્વપરંપરાનો મોકળાશથી લાભ લીધો છે એમ દર્શાવી આપે છે. કવિની કૃતિઓમાં કથાતત્ત્વ ઘણું વિપુલ છે. દૃષ્ટાંતકથા, ઉપકથા નિમિત્તે ઘણી કથા-સામગ્રી કવિ પોતાની કૃતિઓમાં વણી લે છે,પરંતુ કથારસ જમાવવાનું કૌશલ કવિ ખાસ બતાવી શકતા નથી. તેમનું લક્ષ કથા નિમિત્તે બોધ આપવા તરફ વિશેષ રહે છે. તેમનો બોધ સાંપ્રદાયિક આચાર-વિચારોને અનુલક્ષતો હોય એ સ્વાભાવિક છે પરંતુ તે ઉપરાંત સમગ્ર જીવનવ્યવહાર અંગેની ડહાપણભરેલી શિખામણ પણ તેમાં સારા પ્રમાણમાં ગૂંથાયેલ છે તે ધ્યાન ખેંચે તેવી બાબત છે. જેમ કે, “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત ઋષભદાસ જેટલી જૂની છે. કવિ ક્વચિત્ વિનોદરસનું નિરૂપણ કરવાની તક લે છે, જીભ અને દાંત વચ્ચેના જેવા સંવાદો ગૂંથવાની પદ્ધતિ અપનાવે છે, ઉપમાદિ અલંકારોનો વિનિયોગ કરે છે ને સ્થળો, વ્યક્તિઓ વગેરેનાં પ્રાસાદિક વર્ણનો આપે છે, તેમ જ કૃતિનાં રચનાસ્થળ, કાળ વગેરેને સમસ્યાથી નિર્દેશે છે - એ બધી રીતે કવિનું રસિક પાંડિત્ય પ્રગટ થતું જોઈ શકાય છે. ઋષભદાસની કૃતિઓમાં રાજસ્થાની પરંપરા મુજબ કારતક વદ અમાસને દિવાળી-દિન તરીકે ઓળખાવાયેલ છે અને વર્ષ પણ કારતક વદ અમાસ પછી બદલાતું હોય એવું સમજાય છે. ઋષભદાસની રાસાત્મક કૃતિઓમાંથી ૪ કૃતિઓ મુદ્રિત મળે છે. ૨ ખંડ અને આશરે ૪૫૦૦ કડીનો, મુખ્યત્વે દુહા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલો ‘કુમારપાલ-રાસ’ ← (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર) કુમારપાલ ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને અજયપાલના જીવનવૃત્તાંતને વણી લઈ ઘણી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે તેમ જ ધર્મબોધક પ્રસંગનિરૂપણો, અલંકારાદિકની મદદથી થયેલાં વર્ણનો, તત્કાલીન સમાજજીવનની માહિતી અને સંખ્યાબંધ સુભાષિતોથી મહાકાવ્ય જેવો વિસ્તાર સાધે છે. કવિની લાક્ષણિક વર્ણનશક્તિ તથા બોધવૃત્તિને પ્રગટ કરતો ૮૪ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ભરતબાહુબલિ-રાસ’ ← (ર. ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, પોષ સુદ ૧૦, ગુરુવાર) પણ ભરતેશ્વર અને બાહુબલિના પૂર્વભવોના વૃત્તાંતથી તેમ જ ઉપકથાઓના વિનિયોગથી વિસ્તાર સાધતી કૃતિ છે. લગભગ જીવનવ્યાપી કહેવાય એવા ધર્મબોધ અને વ્યવહારબોધને રજૂ કરતો દુહા, સોરઠા અને દેશી ઢાળોની આશરે ૨૦૦ કડીનો ‘હિતશિક્ષારાસ’ ← (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, મહા સુદ ૫, ગુરુવાર) કવિની સુભાષિતવાણી અને દૃષ્ટાંતકથાઓથી રસાત્મક બને છે. દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ આશરે ૩૫૦૦ કડીનો ‘હીરવિજયસૂરિ-રાસ’ ← (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, આસો - ૧૦, ગુરુવાર) અકબારબાદશાહપ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિના જીવનવૃત્તાંતને નિમિત્તે ઘણી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની માહિતી આપે છે અને અકબરચરિત્રનું આલેખન, કેટલાંક વર્ણનો, પ્રસંગનિરૂપણો તથા કાવ્યચાતુરીઓને કારણે રસપ્રદ બને છે. અન્ય રાસકૃતિઓ આ પ્રમાણે છે : ૧૧૮ ઢાળનો ‘ઋષભદેવનો રાસ’ (ર.ઈ.૧૬૦૬), શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન કરતો ૮૧ ઢાળનો ‘વ્રતવિચાર-રાસ’ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, કારતક વદ ૩૦), ૪૨૪/૪૨૬ કડીનો ‘સુમિત્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, પોષ સુદ ૨, ગુરુવાર), ૭૨૮/૭૩૨ કડીનો ‘સ્થૂલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, કારતક વદ ૩૦, શુક્રવાર); ૫૫૭ કડીનો ‘અજાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૨, ગુરુવાર), ૨૦ ઢાળ અને ૨૯૬ કડીનો ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર), ૫૦૨ કડીનો ‘જીવવિચાર-રાસ’ (ર. ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૫), ૮૧૧ કડીનો ‘નવતત્ત્વ-રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, કારતક વદ ૩૦, રવિવાર), ૫૮૨ કડીનો ‘ક્ષેત્રપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, માધવ માસ સુદ ૨, ગુરુવાર), ૮૭૯ કડીનો ‘સમકિતસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, જેઠ સુદ ૨, ગુરુવાર), ૭૧૨ કડીનો ‘ઉપદેશમાલા-રાસ’ (ર.ઈ.૧૬૨૪/સં. ૧૬૮૦, મહા સુદ ૧૦, ગુરુવાર), આશરે ૫૬૬ કડીનો ‘પૂજાવિધિ-રાસ’ (રઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ સુદ ૫, ગુરુવાર), ૨૨૩ કડીનો ‘જીવંત-સ્વામીનો રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ વદ ૧૧, ગુરુવાર), ૭ ખંડ અને ૧૮૩૯ કડીનો ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, આસો સુદ ૫, ગુરુવાર), ૨૮૪ કડીનો ‘કયવન્ના-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ખરતરગચ્છ અને તપગચ્છના વિખવાદને ટાળવા વિજયદાનસૂરિની ૭ આજ્ઞાઓમાં ૫ ઉમેરી હીરવિજયસૂરિએ ૧૨ આજ્ઞાઓ જાહેર કરી હતી તેને વર્ણવતો ૨૯૪ કડીનો ‘હીરવિજયસૂરિના બાર બોલનો રાસ’ (ર. ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૨, ગુરુવાર), ૨૯૫ કડીનો ‘મલ્લિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, પોષ સુદ ૧૩, રવિવાર), ૧૦૦૫ કડીનો ‘અભયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, કારતક વદ ૯, ગુરુવાર), ૨૪૫ કડીનો ‘રોહણિયામુનિ-રાસ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, પોષ સુદ ૭, ગુરુવાર), ૪૪૫ કડીનો ‘વીરસેનનો રાસ’. આ ઉપરાંત ૭૯૧ કડીનો ‘સમયસ્વરૂપ-રાસ’, ૭૮૫ કડીનો દેવગુરુસ્વરૂપ-રાસ’, ૨૧૯૨ કડીનો ‘કુમારપાલનો નાનો રસ’, આશરે ૧૬૦૦ કડીનો ‘શ્રાદ્ધવિધિ-રાસ’, ૯૭ કડીનો ‘આર્દ્રકુમાર-રાસ’, ૩૨૮ કડીનો ‘પુણ્યપ્રશંસા-રાસ’ પણ પરંપરામાં કવિ ઋષભદાસને નામે નોંધાયેલ છે પરંતુ આ રાસકૃતિઓની હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ નથી. ‘વીસસ્થાનકતપ-રાસ’ (ર. ઈ.૧૬૨૯) તથા ‘સિદ્ધશિક્ષા-રાસ’ નામક ૨ કૃતિ પણ આ કવિને નામે ઉલ્લેખાયેલી મળે છે, પરંતુ પ્રાપ્ત આધારોથી એનું સમર્થન થતું નથી. ‘સિદ્ધશિક્ષા’ તે કદાચ ‘હિતશિક્ષા’ હોય. અન્ય પ્રકારની લાંબી કૃતિઓમાં ‘નેમનાથનવરસ/નેમિનાથજીનું સ્તવન’ (ર.ઈ.૧૬૧૧./સં. ૧૬૬૭, પોષ સુદ ૨, ગુરુવાર; મુ.), ૫ ઢાળ અને ૭૦ કડીમાં નેમિનાથના જીવનના મુખ્ય પ્રસંગોને રસાળ રીતે વર્ણવે છે અને ૩૨ કડીનો ‘પાલનપુરનો છંદ’(મુ.) પાલનપુરના વણિકવંશોની તથા અન્ય ઇતિહાસપ્રસંગોની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. ૧૨ ઢાળ અને ૭૬ કડીનું ‘બારઆરાસ્તવન/ગૌતમપ્રશ્નોત્તર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, ભાદરવા સુદ ૨; મુ.), ૫ ઢાળ અને ૫૮ કડીનું ‘આલોયણાવિચારગર્ભિત-આદિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, શ્રાવણ સુદ ૨; મુ.), ૬૯/૭૧ કડીનો ‘આદીશ્વર-વિવાહલો/ઋષભદેવગુણ-વેલી’, ૫૪ કડીનું ‘કુમતિદલનપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૦૦ ગ્રંથાગ્રની ‘શીલ-સઝાય’ આ પ્રકારની અન્ય કૃતિઓ છે. કવિ ઋષભદાસની કેટલીક મુદ્રિત-અમુદ્રિત સ્તુતિઓ, સઝાયો વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે. કૃતિ : ૧. આકામહોદધિ:૩, ૫, ૮ (+સં.); ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંગ્રહ:૧; ૫. જૈકાપ્રકાશ:૧; ૬. જૈસસંગ્રહ(ન); ૭. સસન્મિત્ર (ઝ); ૮. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૪૧ - ‘પાલનપુરનો જૈન સંક્ષિપ્ત ઇતિહાસ’, મુનિ કાન્તિસાગર. સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. જૈનયુગ, કારતક ૧૯૮૨ - ‘સુમિત્રરાજર્ષિરાસ’ (અંશત: મુદ્રિત); ૪. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]