ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘આત્મજ્ઞાન વિશે’
‘આત્મજ્ઞાન વિશે’ : આ શીર્ષક નીચે મુકાયેલાં ધીરાનાં ૧૦ પદો(મુ.) સળંગ કૃતિ તરીકે કલ્પાયેલ હશે એવી ખાતરી થતી નથી. ૧૦માંથી ૮ પદો કાફીપ્રકારનાં છે અને ચુસ્તપણે જ્ઞાનમાર્ગને વળગે છે, જ્યારે અન્ય ૨ પદો પ્રેમલક્ષણાભક્તિની પરિભાષાનો વિનિયોગ કરીને ચાલે છે. “તરણા ઓથે ડુંગર”ની જેમ સંસારની ઓથે અદૃષ્ટ રહેતા પરમ તત્ત્વની અલૌકિકતા અને એનો અનુભવ દૃષ્ટાંતપરંપરા અને “ઊલટી સરિતા પડે ગગન પર, વિના વાદળ વરસાય”, “તેતરડે સિંચાણો પકડ્યો” એવા અવળવાણીના ઉદ્ગારો વડે બલિષ્ઠતાથી આલેખતાં પદો વધારે ધ્યાન ખેંચે છે. “વિદેહની વારતા” માંડતા કવિની આ અનુભવમસ્તી તેમ “ખબરદાર મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે” એમ રૂપકશૈલીએ વ્યક્ત થયેલી આત્મપ્રબોધની ચાનક પ્રભાવક બની છે. માયાની મોહકતા અને કાયાની નશ્વરતા વર્ણવતાં પદો અહીં છે, તેમ જ યોગમાર્ગી પદાવલિમાં પણ જ્ઞાનબોધ નિરૂપાયેલો છે. [ર.દ.]