ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કવિજન-કવિયણ
કવિજન/કવિયણ : આ જાતની સંજ્ઞાથી કેટલીક મુદ્રિત-અમુદ્રિત જૈન કૃતિઓ મળે છે પણ ત્યાં કોઈ ચોક્કસ વ્યક્તિનો નિર્દેશ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જ્યાં ગુરુનામ મળે છે ત્યાં પણ એ ગુરુના કોઈ પણ અજ્ઞાતનામા શિષ્યની કૃતિ હોવાનું સંભવે છે. (જુઓ લક્ષ્મીસાગરસૂરિશિષ્ય, વિનયવિજ્યશિષ્ય તથા વિમલરંગશિષ્ય). ‘કવિયણ’ની નામછાપથી મળતી અન્ય કેટલીક કૃતિઓ સમયનો નિર્દેશ ધરાવતી હોઈ એમના કર્તાઓને એ રીતે જુદા તારવી શકાય છે. જેમ કે, ૧૯ કડીની ‘પાંચપાંડવ-સઝાય’(મુ.) તપગચ્છના હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)માં રચાયેલી છે, એટલે એના કર્તાને ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આપણે ગણવા જોઈએ; તો ૧૬ કડીની ‘અર્જુનમાળીની સઝાય’ (૨. ઈ.૧૬૯૧; મુ.) તથા ૪ ઢાળ અને ૪૨ કડીની ‘ઝાંઝરિયામુનિની સઝાય’ (૨.ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, અસાડ વદ ૨, સોમવાર; મુ.) ૧૭મી સદીના ઉત્તરાર્ધના કોઈ કર્તા કે કર્તાઓની કૃતિઓ ગણાય. ખરતરગચ્છના દેવચંદ્રજીના જીવનને વર્ણવતા અને એનો ગુણાનુવાદ કરતા, દુહા અને વિવિધ દેશીઓની ૧૧ ઢાળમાં રચાયેલા ‘દેવવિલાસ’ (૨.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, આસો સુદ ૮, રવિવાર; મુ.)ના ‘કવિયણ’ ઈ.૧૮મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા છે. પોતાના ગુરુની પ્રશંસા કરવી એ અયોગ્ય કહેવાય એવી સમજથી દેવચંદ્રજીના પ્રશિષ્ય રાયચંદે કરેલી વિનંતીથી આ ‘દેવ-વિલાસ’ રચાયો છે, તેથી એ ‘કવિયણ’ અન્ય કોઈ પરંપરાના હોવાનું સમજાય છે. સમયના નિર્દેશ વિનાની અન્ય કૃતિઓ કોઈ ચોક્કસ સમયના કવિયણની હોવાનું કહેવું મુશ્કેલ છે, તેમ છતાં ૨૮ કડીની ‘અવંતીસુકુમાલ-ભાસ’ (લે.ઈ.૧૫૮૯)ના કર્તા ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધથી મોડા, તો ૭ કડીનું ‘સુપાર્શ્વજિન-સ્તવન’ (લે. ઈ.૧૭૧૩)ના કર્તા ઈ.૧૮મી સદી પૂર્વાર્ધથી મોડા સંભવી ન શકે. કવિયણને નામે, આ સિવાયની, કેટલીક નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : પ્રત્યેક કડીમાં ૧-૧ વર્ણ(જાતિ)નાં લક્ષણો વર્ણવતી ૩૫ કડીની ‘વર્ણ-બત્રીસી’ (મુ.), ભૂલથી ‘અણાત્ર’ને નામે પણ નોંધાયેલી ૧૭૮ કડીની ઉપદેશપ્રધાન કૃતિ ‘કક્કા-બત્રીશીના ચંદ્રવાળા’ (લે. ઈ.૧૮૨૦; મુ.), ‘જિનરક્ષિત અને જિનપાલિતનું ચોઢાળિયું’ (મુ.), પર કડીની ‘અમરકુમાર-રાસ/સઝાય’ (મુ.), ૫૦ કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (મુ.), ૩૦ કડીની ‘ખંધકકુમાર-સઝાય’ (મુ.), ૧૩ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (લે.ઈ.૧૭૫૯; મુ.) ૩૧/૪૨ કડીની ‘સુકોશલમુનિ-સઝાય’, ૩૦ કડીની ‘માતૃકા-ફાગ’, ૯૦ કડીની ‘વૈરાગ્ય-રાસ’, ‘ચોવીસી’ અને ‘લુંકટમત-ગીત’. બીજી કેટલીક સ્તવન, સઝાય, ગીત, કવિત વગેરે પ્રકારની કૃતિઓ પણ આ નામછાપથી મળે છે. કૃતિ : ૧. દેવવિલાસનિર્વાણ રાસ, સં. બુદ્ધિસાગરસૂરિ, ઈ.૧૯૨૬; ૨. ઐજૈકાસંગ્રહ (+સં.); ૩. કક્કા બત્રીસીના ચંદ્રાવાળા તથા ચોવીસ તીર્થકરાદિના ચંદ્રાવળાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, -; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. જૈસસંગ્રહ(ન); (ન.); ૬. જૈસસંગ્રહ(શા.):૨; ૭. પ્રામબાસંગ્રહ: ૧; ૮. મોસસંગ્રહ; ૯. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૦ - ‘વર્ણબત્રીસી’, સં. મુનિરાજ જ્ઞાનવિજયજી (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. ફૉહનામાવલિ; ૪. મુપુગૂહસૂચી.[ર.સો.]