ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાળિદાસ-૧


કાળિદાસ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર, વસાવડ(સૌરાષ્ટ્ર)ના વડનગરા નાગર. એમનું ૪૦ કડવાંનું ‘પ્રહ્લાદ-આખ્યાન’ (૨.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ચૈત્ર સુદ ૧૧; મુ.) કથાવસ્તુને વિસ્તારથી અને વાક્છટાપૂર્વક વર્ણવે છે, ભક્તિ અને વીરરસના આલેખનની તક લે છે અને કેટલાક ઊર્મિસભર અંશો પણ ધરાવે છે. ૨૧/૨૫ કડવાંનું ‘સીતાસ્વયંવર’ (૨.ઈ.૧૭૭૬/સં. ૧૮૩૨, આસો -; મુ.) પણ સામાજિક રીતરિવાજોના ચિત્રણથી તેમ જ સરસ્વતી તથા સીતાના અંગસૌંદર્ય જેવા વિષયોના વિસ્તૃત અલંકાર-મંડિત વર્ણનોથી પ્રસ્તારી બનેલી રચના છે. બંને કૃતિઓ ઢાલ ઉપરાંત વલણ, ઊથલો, પૂર્વછાયો નામક ખંડોનો ૧થી વધુ વાર વિનિયોગ કરતો લાક્ષણિક કડવાબંધ ધરાવે છે. અને વિવિધ રાગોના નિર્દેશવાળી સુગેય દેશીઓમાં રચાયેલી છે. આ કાળિદાસને નામે ૬૬ ચંદ્રાવળાનું, સંવાદપ્રચુર ને સરળ પ્રવાહી શૈલીનું ‘ધ્રુવાખ્યાન’ (મુ.), ‘ઈશ્વરવિવાહ’ તથા ‘ચંડિકાના ત્રિભંગી છંદ’ નોંધાયેલ છે. તેમાંથી ‘ધ્રુવાખ્યાન’ કોઈ પણ જાતની કવિનામછાપ ધરાવતું નથી, તેથી એનું કર્તૃત્વ સંદિગ્ધ ગણાય. અન્ય ૨ કૃતિઓનો માત્ર ઉલ્લેખ મળતો હોવાથી આ કાળિદાસની એ રચનાઓ હોવા વિશે ચોક્કસ પ્રમાણની અપેક્ષા રહે છે. કૃતિ : ૧. ધ્રુવાખ્યાન, પ્ર. મગનલાલ દેવચંદ, ઈ.૧૮૮૪; ૨. પ્રહ્લાદાખ્યાન, મુ. લલ્લુભાઈ અમીચંદ, ઈ.૧૮૬૦; ૩. સીતાસ્વયંવર, પ્ર. બાપુ સદાશિવ શેઠ હેગષ્ટે, ઈ.૧૮૫૯;  ૪. બૃકાદોહન: ૧;  ૫. પ્રાકાત્રૈમાસિક, અં. ૧ ઈ.૧૮૮૯ - ‘સીતાસ્વયંવર’, સં. હરગોવિંદદાસ કાંટાવાળા (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ:૨; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી.[ર.સો.]