ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિમલ-૩
કીર્તિવિમલ-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ઋદ્ધિવિમલના શિષ્ય. ‘ચોવીસી’ (મુ.) તથા ઈ.૧૭૪૫થી ઈ.૧૭૪૯ સુધીનાં રચનાવર્ષો દર્શાવતાં છૂટાં જિનસ્તવનો-સઝાયો (મુ.) વગેરેના કર્તા. ‘ચોવીસી’નાં કેટલાંક સ્તવનોમાં તથા અન્ય બધાં સ્તવન-સઝાયમાં ‘ઋદ્ધિ’, ‘કીર્તિ’ સાથે ‘અમૃત’ શબ્દ પણ ગૂંથાતો હોઈ કીર્તિવિમલશિષ્ય કોઈ અમૃતવિમલ કર્તા હોય એવી પણ સંભાવના થઈ શકે છે. વસ્તુત: છૂટાં સ્તવનનાદિ પરત્વે ‘પ્રાચીન સ્તવનાદિ રત્ન સંગ્રહ’ નામ ‘અમૃત’ નોંધે જ છે. જોકે ‘અમૃત’ શબ્દને સામાન્ય અર્થના વાચક તરીકે લેવો વધારે યોગ્ય લાગે છે. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૧. [ર.સો.]