ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણરામ મહારાજ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃષ્ણરામ(મહારાજ)-૨ [જ.ઈ.૧૭૬૮-અવ.ઈ.૧૮૪૦/સં. ૧૮૯૬, ભાદરવા સુદ ૬] : પદકવિ. અમદાવાદના વતની. જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા ભક્તિરામ. બાળપણમાં પિતાનું અવસાન થતાં કટેલોક સમય મોસાળ ત્રાજમાં ગાળી, પછીથી અમદાવાદ આવી સંસ્કૃત વ્યકરણ, જ્યોતિષ વગેરેનો અભ્યાસ. યુવાનીમાં આજીવિકા માટે પૂના રહ્યા ત્યારે ત્યાંના ગુજરાતી બ્રાહ્મણ સમાજને બાજીરાવ પાસેથી મદદ અપાવી હતી. એ પછી દક્ષિણ ભારતની યાત્રામાં રામદાસશિષ્ય મુકુંદરાજ પાસે દીક્ષા લઈ, અમદાવાદ આવી કીર્તનભક્તિનો અને એ દ્વારા ધર્મમય જીવનનો પ્રચાર કર્યો. તેમને દયારામ સાથે કવિતાની આપલેનો વ્યવહાર પણ ચાલ્યો હતો. રામદાસી સંપ્રદાયના આ કવિભક્તની ધાર્મિક માન્યતામાં રામ-કૃષ્ણભક્તિ ઉપરાંત શક્તિપૂજા, શિવપૂજા અને નિર્ગુણ બ્રહ્મવાદનું મિશ્રણ થયું છે, તેમ જ અલ્લા વિશે કાવ્ય રચવાનો પણ એમને સંકોચ નથી, જે એમની ઉદાર ધર્મદૃષ્ટિ સૂચવે છે. કેટલાક સંદર્ભોમાં ભૂલથી ‘કૃષ્ણરામ’ નામથી નોંધાયેલા આ કવિ પાસેથી ગુજરાતી ઉપરાંત મુસલમાની એટલે કે હિંદી, મરાઠી અને સંસ્કૃતમાં પણ થોડીક રચનાઓ મળે છે. કીર્તનો તરીકે ઓળખાવાયેલાં ૬૦૦ ઉપરાંત પદોમાં વિસ્તરતા કવિના કાવ્યસંચય(મુ.)માં ગરબા, ગઝલ, કવિત, લાવણી, અભંગ વગેરે વિવિધ રચનાબંધો તથા આખ્યાન, સલોકો, તિથિ, કક્કો, સમસ્યા, આરતી, શણગાર, થાળી વગેરે અનેક કાવ્યપ્રકારો પણ જોવા મળે છે. એમાં લાંબી રચનાઓ-જેમાંની કેટલીક તો ૨૫૦ કડીઓ સુધી પણ પહોંચે છે - નોંધપાત્ર સંખ્યામાં છે. પત્ર, સંવાદ વગેરે પ્રકારની રચનારીતિઓનો પણ કવિએ ઉપયોગ કર્યો છે. કવિનાં કીર્તિનો માત્ર ભક્તિવિષયક જ નથી, એમાં ધાર્મિક આચારબોધ ઘણી વ્યાપક રીતે નિરૂપાયેલો છે. કવિની કૃતિઓ ઈ.૧૮૧૧થી ઈ.૧૮૧૮ સુધીનાં રચનાવર્ષો દર્શાવે છે પણ મોટા ભાગની કૃતિઓ ઈ.૧૮૧૭-૧૮૧૮ (સં.૧૮૭૩-૧૮૭૪)માં અને તેમાં પણ ખાસ કરીને ફાગણ માસમાં રચાયેલી છે તે ખાસ નોંધપાત્ર છે. દેશીબંધનાં ૧૬ કીર્તનો અને ૨૫૮ કડીનો ‘રુક્મિણીવિવાહ/રુક્મિણીસ્વયંવર-આખ્યાન’ (૨.ઈ.૧૮૧૨/સં. ૧૮૬૮, મહા વદ ૩૦, બુધવાર); ૯૩ કડીનો ‘રામાયણનો સાર’ (૨.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૯, સોમવાર); ‘દશાવતાર-ચરિત્ર’નાં ૧૦ કીર્તનો; કૃષ્ણચરિત્ર-વર્ણન સાથે આત્મનિંદાનિરૂપણ કરતો વાક્છટાયુક્ત ૧૦૫ કડીનો ‘સલોકો’ (૨.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૩, સોમવાર); પ્રશ્ન રૂપે ભગવાનના જુદાજુદા અવતારોનાં કાર્યોને વર્ણવતું ૧૫૯ કડીનું કીર્તન (૨.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ વદ ૭, શનિવાર); ૯૬ કડીનું ‘કાયાવર્ણન’ (૨.ઈ.૧૮૧૫/સં.૧૮૭૩, ફાગણ વદ ૧૧); “તૃતીયા અવસ્થા તનુને થઈ” એ રીતે તિથિક્રમાંકને સંદર્ભમાં વણી લેતી ‘તિથિઓ’નાં ૧૬ કીર્તનો (બન્નેની ૨.ઈ.૧૮૧૩/સં.૧૮૬૯, મહા વદ ૩, મંગળવાર); ૮૫ કડીનું ‘શિક્ષાવચન’ (૨.ઈ.૧૮૧૧/સં.૧૮૬૭, માગશર સુદ ૧૫); નર અને નારીના ધર્મો વર્ણવતાં અનુક્રમે ૧૧૦ અને ૭૨ કડીનાં કીર્તનો (બન્નેની ર. ઈ.૧૮૧૮/સં. ૧૮૭૪, ફાગણ સુદ ૭, શનિવાર); ૧૦૨ કડીનું ‘ષટ્સર્ગસ્વરૂપાલોચન’ (૨.ઈ.૧૮૧૭/સં.૧૮૭૩, ફાગણ સુદ ૧, સોમવાર) તથા કીર્તનોનો ‘દેવહુતીકપિલ-સંવાદ’ (૨.ઈ.૧૮૧૬) - એ કવિની કેટલીક નોંધપાત્ર કૃતિઓ છે. કવિએ ૩ કક્કા અને કળિકાળના ૪ ગરબા રચ્યા છે તે કવિએ કાવ્યસર્જન કેટલી વિપુલતાથી કર્યું છે તેનો નિર્દેશ કરે છે. કવિની રચનાઓમાં સંસ્કૃત ભાષાની પ્રૌઢિ અવારનવાર નજરે પડે છે, તે ઉપરાંત ચિત્રબંધના પ્રકારની અને પ્રાસવૈચિત્ર્ય ધરાવતી કોઈક કૃતિ પણ મળી આવે છે, પણ કવિની કલ્પનાશીલતાનો પરિચય ખાસ થતો નથી. કૃતિ : ૧. મહાકાવ્ય:૧ અને ૨, પ્ર. રામદાસી હરિવલ્લભનારાયણ મહારાજ, અનુક્રમે ઈ.૧૯૧૫ અને ઈ.૧૯૧૬(+સં.);  ૨. બૃકાદોહન:૧,૫. [ચ.શે.]