ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેવળપુરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેવળપુરી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. જન્મ ઉદેપુરમાં, કોઈ રાજવંશી ભાયાતને ત્યાં. એમનાં જન્મ ને અવસાનનાં વર્ષો ચોક્કસપણે નક્કી થતાં નથી પણ તેમનો જીવનકાળ આશરે ઈ.૧૭૫૯-ઈ.૧૮૪૯નો ગણવામાં આવે છે. આ કવિ ૨૫ની વયે ઇડરના ખોખાનાથના અખાડામાં કોઈ સેજપુરી/સેજાપુરીને ગુરુ કરી ગોસાંઈ થયેલા. ૪૦ની વયે ઉમરેઠમાં નિવાસ કરેલો ને આશરે ૯૦ વર્ષની વયે, ત્યાંના મૂળેશ્વર મહાદેવની જગામાં સમાધિ લીધી. આ કવિ અખાની શિષ્યપરંપરામાં ગણાવાયેલા હરિકૃષ્ણજીના શિષ્ય હોવાનું પણ નોંધાયું છે. એમણે અનેક સાધુ-સંન્યાસીઓના સંપર્કે વેદાન્ત અને યોગશાસ્ત્રની સારી જાણકારી મેળવેલી. સંગીતની ઉપાસના પણ કરેલી. વિશેષપણે વેદાન્તના તત્ત્વજ્ઞાનને તથા યોગમાર્ગને તેમ જ શક્તિપૂજાને વિષય કરતી આ કવિની મુદ્રિત સમગ્ર કવિતામાં આ મુજબની કૃતિઓ નોંધપાત્ર છે : ગુરુશિષ્યસંવાદના રૂપમાં યોજાયેલી તથા આત્મજ્ઞાનને લગતા સિદ્ધાંતોને દૃષ્ટાન્તોની મદદથી વિશદતાથી નિરૂપતી ૪ ખંડ ને ૩૯૧ કડીની ‘તત્ત્વસાર’; આત્માનુભવની મસ્તી દર્શાવતાં, કટાક્ષ અને અવળવાણીયુક્ત જ્ઞાનનાં પદો; વિષયવરાગ્યને સચોટતાપૂર્વક નિર્દેશતું ને આત્મનુભવનો મહિમા કરતું, ભાષાની ઝમક ને જુસ્સાવાળું, ૩૪ કુંડળિયામાં રચાયેલું ‘બત્રીસ અક્ષરનું અંગ’ તથા બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરતી નાની કૃતિઓ ‘બ્રહ્મધાતુ’ અને ‘બ્રહ્મવિચાર’. આ ઉપરાંત ૮૯ કડીની ‘ગુરુમહિમા’, ૧૯૪ કડીની ‘ધ્યાનતત્ત્વમુદ્રાસાર’ આદિ દીર્ઘ કૃતિઓ, ૬ કડીથી ૬૦ કડી સુધીના વ્યાપવાળાં, ‘નિંદકકો અંગ’, ‘કૃષ્ણલીલાકો અંગ’, ‘વિપ્રકો અંગ’, ‘જોગીનું અંગ’ જેવાં, વિવિધ વિષયો પરનાં કેટલાંક ‘અંગ’, ૮૦ કડીની ‘કક્કા-બત્રીસીની બારાક્ષરી’ આદિ ૩૦૪ પ્રકારના ‘કક્કા’, ‘વાર’, ‘તિથિ’, ‘બારમાસી’ અને ‘બારરાશિ’ તથા આરતી, કીર્તિન, ગરબા, ગરબી, થાળ, રવેણી વગેરે પ્રકારની રચનાઓ એમની મળે છે. કેવળપુરીની કવિતા, આમ, સામાન્ય વ્યવહારથી માંડીને બ્રહ્મજ્ઞાન સુધીના વિષયોનું તથા ઘણાં કાવ્યસ્વરૂપોનું વૈવિધ્ય દેખાડે છે. કુંડળિયા, ઝૂલણા, દોબોરા, પ્લવંગમ, સવૈયા, સોરઠા આદિ પ્રચલિત તેમ જ ચંદ્રાયણા, ચોબોલા, દુમિલા, મોતીદામ આદિ અલ્પપરિચિત કાવ્યબંધો-છંદો તથા દેશી ઢાળોને કવિએ પ્રયોજ્યા છે એ પણ નોંધપાત્ર છે. કિશોરવયમાં ચારણોના સંપર્કને લીધે અને કવિએ વિવિધ પ્રદેશોમાં યાત્રા કરી હોવાને લીધે એમની કવિતામાં ચારણી શૈલીનાં ઘણાં લક્ષણો અને ચારણી, મારવાડી, હિંદી વગેરેના શબ્દોની બહુલતા જોવા મળે છે. કેટલીક વાર એક જ પંક્તિમાં ૩-૪ આંતરપ્રાસ ગૂંથાયા હોય એવી રચનારીતિ પણ કવિએ અજમાવી છે. વિષયનિરૂપણ ને રચનાબંધનું આવું વૈવિધ્ય કેવળપુરીની કવિતાને વિલક્ષણ તેમ જ વિશિષ્ટ ઠેરવે છે. કૃતિ : કેવળપુરીકૃત કવિતા, પ્ર. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, ઈ.૧૯૨૧(+સં.). સંદર્ભ : ૧. અસંપરંપરા;  ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૬ - ‘કેવળપુરીનું કેવળજ્ઞાન’, કેશુભાઈ જી. પટેલ;  ૩. ગૂહાયાદી. [ર.સો.]