ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કાન્હડદે-પ્રબંધ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘કાન્હડદે-પ્રબંધ’ [૨.ઈ.૧૪૫૬/સં. ૧૫૧૨, માગશર સુદ ૧૫, સોમવાર] : ૪ ખંડ અને દુહા, ચોપાઈ તથા પવાડુની ૧૦૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરતી પદ્મનાભની આ કૃતિ (મુ.) પ્રસંગોપાત્ત ‘ભટાઉલી’ એવા શીર્ષકથી વાક્છટાયુક્ત ગદ્ય અને ગીતનો વિનિયોગ પણ કરે છે. હસ્તપ્રતોમાં ‘ચોપાઈ’, ‘રાસ’ એવા નામથી પણ ઓળખાયેલી આ કૃતિ વસ્તુત: ઐતિહાસિક પ્રબંધ જ છે, જેમાં ચરિત્રના અંશો તો છે જ પણ તે ઉપરાંત કાલ્પનિક જણાતું પિરોજાવૃત્તાંત પણ ગૂંથાયેલું છે. આ પ્રબંધ દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજી સાથેનો જાલોરના ચૌહાણ રાજા કાન્હડદેનો સંઘર્ષ વર્ણવે છે. ગુજરાતના વાઘેલા રાજા કર્ણદેવના મંત્રી માધવે પોતાના ઘોર અપમાનનો બદલો લેવા અલાઉદ્દીન ખલજીને પાટણ પર ચડાઈ કરવા પ્રેર્યો. એના સેનાપતિ ઉલુઘખાનને કાન્હડદેએ પોતાના રાજ્યમાંથી માર્ગ આપ્યો નહીં તેથી પાટણ જીતીને અને પુરાણ-પ્રસિદ્ધ સોમનાથના મંદિરને ભાંગીને પાછા વળતાં એણે જાલોર ઉપર ચડાઈ કરી, જેમાં કાન્હડદેએ એને શિકસ્ત આપી. આ હારથી ક્રોધે ભરાઈને અલાઉદ્દીનને નાહર મલિકની સરદારી નીચે એક વિશાળ સેના મોકલી. એને જાલોર જતાં વચ્ચે આવતા કાન્હડદેના ભત્રીજા સાંતલસિંહના સમિયાણાના ગઢને ઘેરો ઘાલ્યો. એ વખતે એક બાજુથી સાંતલે અને બીજી બાજુથી કાન્હડદેએ મુસ્લિમ લશ્કરને ભિડાવીને એના હાલહવાલ કરી નાખ્યા. આ નામોશીભરી ઘટનાથી રોષે ભરાઈને અલાઉદ્દીન જાતે મોટા લશ્કર સાથે ચડી આવ્યા. એણે સમિયાણાને ઘેરો ઘાલ્યો અને સાત વર્ષને અંતે, ગઢ ઉપરનું એક જ મોટું જળાશય ગાયના લોહીથી ભ્રષ્ટ કરવાની હીન યુક્તિથી સમિયાણા પડ્યું. આ પછી સુલતાને જાલોર ઉપર ચડાઈ કરી. ૮ વર્ષ સુધી રજપૂતોએ એનો વીરતાપૂર્વક સામનો કર્યો. પણ છેવટે સં. ૧૩૬૮- (ઈ.૧૩૧૨)માં વીકા સેજપાલ નામના એક દેશદ્રોહી રજપૂતની મદદથી છૂપે માર્ગે જાલોરગઢમાં પેસી જઈને મુસ્લિમ લશ્કરે રજપૂતોને હરાવ્યા અને કાન્હડદે તથા તેનો પુત્ર વીરમદે વીરગતિને પામ્યા. જાલોર પરની આ ચડાઈ વખતે અલાઉદ્દીનની પુત્રી પિરોજા પણ એની સાથે હતી. એ પિરોજાના વીરમદે પ્રત્યેના એકપક્ષી પ્રેમનું પણ કવિએ નિરૂપણ કર્યું છે. બાદશાહની રજાથી પિરોજા જાલોર જઈને વીરમદેને પોતાના બંનેના આગળના જન્મોની યાદ આપે છે ત્યારે વીરમદે એનું મોઢું જોવા પણ તૈયાર થતો નથી. છેલ્લે પિરોજાની આજ્ઞા અનુસાર વીરમદેનું મસ્તક દિલ્હી લાવવામાં આવે છે ત્યારે એ મસ્તક પિરોજાથી અવળું ફરી જાય છે પણ પિરોજા એને વિધિપૂર્વક અગ્નિદાહ અપાવીને પોતે યમુનામાં જળસમાધિ લે છે. આ પ્રબંધની મુખ્ય હકીકતો ઇતિહાસ-પ્રમાણિત હોવાથી એનું દસ્તાવેજી મૂલ્ય ઘણું છે. કાવ્ય ઘટના બન્યા પછી ૧૪૪ વર્ષે રચાયું હોવા છતાં તે સમયની અનેક નાનીમોટી હકીકતો એ ગૂંથે છે, યુદ્ધોના અનેક મોરચાઓને ચોક્સાઈથી અને વાસ્તવિક વીગતોથી આલેખે છે તથા સમગ્ર હકીકતની સીલસીલાબંધ રજૂઆત કરે છે. સંભવ છે કે જાલોરના આ રાજ્યાશ્રિત કવિને કેટલીક દસ્તાવેજી સામગ્રીનો લાભ મળ્યો હોય. ઇતિહાસઘટનાઓ ઉપરાંત આ કૃતિમાં થયેલું સાંસ્કૃતિક-સામાજિક ચિત્રણ પણ ધ્યાન ખેંચે એવું છે. રજપૂતો, બ્રાહ્મણો, મુસ્લિમો વગેરેના વિશિષ્ટ આચારો, વિવિધ વ્યવસાયી વર્ગો, તત્કાલીન માન્યાતાઓ અને ઉત્સવો, નગર-લશ્કર-પડાવની વ્યવસ્થા તથા રજપૂતકુળો, અશ્વજાતિઓ ને ભોજનસામગ્રીની યાદીઓથી આ સમાજચિત્રણ ભર્યુંભર્યું છે, અને બધું જ ઉચિત પ્રસંગ-સંદર્ભમાં વણાઈને આવે છે. શબ્દઘોષથી, અત્યુક્તિથી, દિવ્ય શસ્ત્રાસ્ત્રોથી, ઢંગધડા વિનાની બાથંબાથીથી યુદ્ધવર્ણન કરવાની મધ્યકાલીન પરંપરાની સામે અહીં વિવિધ પ્રકારના વ્યૂહો અને તદનુરૂપ શસ્ત્રોથી લડાતાં યુદ્ધોનાં વાસ્તવિક ચિત્રણ આપણને મળે છે. અને એમાં ભયાનક, અદ્ભુત અને બીભત્સથી ઓછામાં ઓછો મિશ્રિત સાચો પરાક્રમરસ પ્રગટ થાય છે. કવિએ પિરોજાનું જે જાતનું વૃત્તાંત કલ્પ્યું છે તથા કાન્હડદેને વિષ્ણુના અવતાર અને અલાઉદ્દીનને શંકરના અવતાર લેખ્યા છે તે કવિના હિંદુત્વના અભિમાનના વિલક્ષણ આવિષ્કારો હોય તેવું સમજાય છે. રજપૂતી વીરતાના આથમતા યુગની ઇતિહાસકથાને વેગપૂર્વક વર્ણવતો આ પ્રબંધ સુરેખ વ્યક્તિચિત્રણો, ગીત વગેરેમાં અભિવ્યક્તિ પામેલાં કરુણાદિ રસોનાં થોડાંક હૃદયસ્પર્શી આલેખનો, કવિની દેશ-ધર્મ-પ્રીતિ ને આત્મશ્રદ્ધાના આવિષ્કાર, આછા પણ ઔચિત્યપૂર્ણ અલંકરણ તથા સાભિપ્રાય ને પ્રૌઢ વાણીછટાથી આહ્લાદક બન્યો છે અને અમૃતકલશના ‘હમ્મીરપ્રબંધ’  જેવી ઉત્તરકાલીન કૃતિઓ માટે અનુકરણીય નીવડ્યો છે. [કા.વ્યા.]