ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/‘ગુજરીનું લોકગીત’
‘ગુજરીનું લોકગીત’ : ગુર્જરપ્રજાના ઇતિહાસનું એક ઉજ્જવળ પાનું રજૂ કરતા આ લોકગીત(મુ.)નાં ૨-૩ રૂપાંતર-પાઠાંતર મળે છે તેમાંથી મેઘાણી-સંપાદિત ૧૩૭ જેટલી પંક્તિઓમાં વિસ્તરતો પાઠ એની સવિશેષ કાવ્યમયતાથી ધ્યાન ખેંચે છે. એમાં નિરૂપાયેલો પ્રસંગ શુદ્ધ ઇતિહાસનો ન હોય તોયે પ્રજાભાવનાના પ્રગટીકરણ રૂપે એને અવશ્ય જોઈ શકાય. બાગમાં ઊતરેલા કાબૂલના બાદશાહને જોવા નીકળેલી ગુજરી, એની સાસુએ ભય બતાવેલો તે મુજબ, બાદશાહને ત્યાં ફસાય છે અને એનો કાગળ વાંચીને ચડી આવેલા ૯ લાખ ગુર્જરોના પરાક્રમથી મુક્ત થાય છે. બાદશાહને ત્યાં રહી આવેલી ગુજરીનો, અલબત્ત, સાસુનણંદ સ્વીકાર કરતાં નથી, જેથી ગુજરી પાવાગઢ ચાલી જાય છે ને અલોપ થઈ મહાકાળી રૂપે પ્રગટે છે. ગુજરીના અસ્વીકારની આ વાતમાં જે ધાર્મિક-કોમી સંકુચિતતા પ્રગટ થાય છે તે ઝવેરચંદ મેઘાણીને ગુર્જરપ્રજાના ગૌરવ સાથે બંધબેસતી લાગી નથી અને તેથી એ અંશને તેઓ પાછળથી ઉમેરાયેલો ગણે છે, પણ અસ્વીકારની વાત પરંપરાગત હિંદુસંસ્કારને અનુરૂપ છે એ સ્વીકારવું જોઈએ. આ લોકગીતમાંથી ગુજરીનું મનોહર ને માનપ્રેરક વ્યક્તિત્વ ખડું થાય છે. પાદશાહને જોવા જવાની ઉત્સુકતા અનુભવતી, સાસુની સલાહને અવગણી ચાલી નીકળતી, કયા વેશે જવું તેના વિકલ્પો વિચારી મહિયારીનો વેશ સજતી, બાદશાહે ધરેલી લાલચો સામે “તેરે હાથીમેં ક્યા દેખના મેરે આંગણ ભૂરી ભેંસ રે”, “તેરી મૂછોમેં ક્યા દેખના, મેરે બકરેકું એસા પૂછ રે” જેવા નિર્ભીક જવાબો આપતી ને ૯ લાખ ગુર્જરો પોતાને બચાવવા ચડી આવશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતી ગુજરીમાં મુગ્ધ, અલ્લડ, ચતુર, સ્વસંસ્કારપ્રેમી ખુમારીવાળી ગુર્જરયુવતીનું તાદૃશ ચિત્ર આપણને સાંપડે છે. ગુજરી સાથે વાર્તાલાપ કરતા ને અંતે ગુર્જરોનું પરાક્રમ જોઈ “ગુજરી હમારી બેન રે” એમ કહી એની સોંપણી કરી દેતા બાદશાહના રંગરાગી છતાં અભિજાત વ્યક્તિત્વની પણ અહીં આછી, આકર્ષક રેખાઓ દોરાયેલી છે. ગીતમાં બાદશાહ-ગુજરીનો સજીવતાભર્યો સંવાદ જ ૭૦ જેટલી પંક્તિ રોકે છે. ગુજરીનું ટૂંકું વેશવર્ણન કે “તરવારોની તાળી પડે ને બરછી ચાવે પાન રે” (= લોહીથી રંગાય) જેવી ચમત્કારક તળપદી કલ્પના ધરાવતું નાનકડું યુદ્ધવર્ણન ગીતમાં ઔચિત્યથી ગૂંથાય છે. ઉત્તરહિંદના અન્ય ભાગોમાં પણ મળતું આ ગીત ગુર્જરપ્રજાના પ્રાચીન વારસા સમાન હોવાથી કે પ્રસંગને અનુલક્ષીને અહીં હિંદી ભાષાનો વિનિયોગ થયો લાગે છે પણ તે ઉપરાંત ઉક્તિઓ ઘડીક હિંદીમાં, ઘડીક ગુજરાતીમાં સરી જાય છે એ સ્વાભાવિક સુન્દરતાભર્યું લાગે છે. ગીતનો લય એકસૂરીલો પણ ગતિભર્યો છે જે નિરૂપ્ય વિષયવસ્તુને ઉઠાવ આપવામાં ખૂબ ઉપકારક થાય છે. બધી પંક્તિને આરંભે આવતા ‘કે’ના લટકામાં ને આવર્તનથી ચાલતી કથનપદ્ધતિમાં લોકગીતની લાક્ષણિક છટા અનુભવાય છે. કૃતિ : ૧. ચંદર ઊગ્યે ચાલવું, સં. પુષ્કર ચંદરવાકર, સં. ૨૦૨૦ (+સં.); ૨. રઢિયાળી રાત:૨, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૩ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી [જ.કો.]