ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસવંતસાગર-યશસ્વતસાગર
જસવંતસાગર/યશસ્વતસાગર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરશિષ્ય કલ્યાણસાગરની પરંપરામાં જશસાગર/યશ:સાગરના શિષ્ય. એમની કૃતિઓ ઈ.૧૬૫૬/૧૬૬૫થી ઈ.૧૭૦૬નાં રચના વર્ષો દેખાડે છે એને આધારે કવિનો કવનકાળ ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૮મી સદી પૂર્વાર્ધનો ગણી શકાય. આ વિદ્વાન કવિએ ગુજરાતીમાં ૪૭ કડીની ‘કર્મસ્તવનરત્નપૂર્વાર્ધ’, ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.) અને ‘વિજયક્ષમાસૂરીશ્વર-બારમાસા’ એ કૃતિઓ રચેલી છે. તે ઉપરાંત સંસ્કૃતમાં એમની આ ‘વિચારષટ્ત્રિંશિકા’ પર અવચૂરિ(ર.ઈ.૧૬૫૬/૧૬૬૫) ‘ભાવસપ્તિકા’ (ર.ઈ.૧૬૮૪), ‘જૈનસપ્તપદાર્થી’ (ર.ઈ.૧૭૦૧), ‘પ્રમાણવાદાર્થ’ (ર.ઈ.૧૭૦૩), ‘જૈન તર્કભાષા’ (ર.ઈ.૧૭૦૩), ગણેશના ‘ગ્રહલાઘવ’ પર વાર્તિક (ર.ઈ.૧૭૦૪) અને ‘યશોરાજીરાજ્યપદ્ધતિ’ (ર.ઈ.૧૭૦૬) વગેરે કૃતિઓ મળે છે. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨, ૩ (૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]