ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ્ર ગણિ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવચંદ્ર(ગણિ)-૩ [જ. ઈ.૧૬૯૦ - અવ. ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, ભાદરવા વદ ૩૦] : ખરતરગચ્છના જૈનસાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનધર્મશિષ્ય પાઠક દીપચંદ્રના શિષ્ય. આરંભકાળની ૩ કૃતિઓમાં ગુરુ તરીકે રાજહંસનો ઉલ્લેખ છે તે તેમના વિદ્યાગુરુ હોય અથવા તો દીપચંદ્રનું બીજું નામ હોય એવો તર્ક થયો છે. જન્મ બીકાનેર નજીક ચંગ ગામમાં. ઓસવાલ વંશ, લુણિયા ગોત્ર. પિતા તુલસીદાસ, માતા ધનીબાઈ.જન્મનામ દેવચંદ્ર. દીક્ષા ઈ.૧૭૦૦માં. દીક્ષાનામ રાજવિમલ હોવાનું નોંધાયું છે પણ કવિએ પોતે એ નામ કશે ઉપયોગમાં લીધું નથી. જૈન દર્શનના ઊંડા અભ્યાસી આ કવિએ શ્વેતાંબરીય ઉપરાંત દિગંબરી શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે તેમ જૈનેતર દાર્શનિક ગ્રંથો પણ જોયેલા છે. ઉપાધ્યાય યશોવિજય, આનંદઘન વગેરે અન્યગચ્છીય વિદ્વાનો અને કવિઓના પણ તે સાદર આધારો લે છે. કવિએ ઉપયોગમાં લીધેલા અને ઉલ્લેખેલા શાસ્ત્રાદિ ગ્રંથોની વિસ્તૃત યાદી તેમનો વિશાળ અભ્યાસ દર્શાવે છે. કવિના તત્ત્વનિરૂપણમાં ખંડનાત્મક અંશ જોવા મળતો નથી એ ખાસ નોંધપાત્ર છે. આ ઉદારદૃષ્ટિ તત્ત્વવિચારક પાસે તપગચ્છના અનેક જૈન સાધુઓએ અભ્યાસ કરેલો અને એમની ‘નવપદ-પૂજા’ તપગચ્છીય યશોવિજય અને જ્ઞાનવિમલની ‘નવપદ-પૂજા’ સાથે સંકલિત થઈને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. અવસાન અમદાવાદમાં. અધ્યાત્મરસિક પંડિત તરીકે ઓળખાયેલા દેવચંદ્રગણિની કૃતિઓ બહુધા તત્ત્વવિચારાત્મક અને અધ્યાત્મજ્ઞાનવિષયક છે ને સ્તવનાદિ પ્રકારની કૃતિઓમાં પણ એ વિચારતત્ત્વની ગૂંથણી કરે છે. એમાં ફિલસૂફીની કઠિનતા છે અને પ્રાસાદિકતા ખાસ આણી શકાઈ નથી. કવિની તત્ત્વવિચારાત્મક પદ્યકૃતિઓમાં, શુભચંદ્રાચાર્યના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘જ્ઞાનાર્ણવ’ને આધારે ધ્યાનનું શુદ્ધ સ્વરૂપ, તેનાં પ્રકારો-ઉપકરણો-રીતિઓ તથા ધ્યાતાનાં લક્ષણોનું વિસ્તૃત વિવેચન કરતી ૬ ખંડ અને ૫૮ ઢાળની ‘ધ્યાનદીપિકા-ચતુષ્પદી’ (ર. દી. ૧૭૧૦/સં. ૧૭૬૬, મહા/વૈશાખ વદ ૧૩, રવિવાર; મુ.) જૈન સંપ્રદાયમાં ભગવદ્ગીતા સમી ગણાવાયેલી ૪૯ કડીની ‘અધ્યાત્મગીતા/આત્મ-ગીતા’ (મુ.) અને ૨૧ કડીની ‘લઘુ ધ્યાનદીપિકા’ (*મુ.)નો સમાવેશ થાય છે. કવિની ‘વર્તમાનજિન-ચોવીસી’ (મુ.), ‘અતીતજિન/ચોવીસી’ (૨૧ સ્તવન મુ.) અને ‘વિહરમાનજિન-વીસી’ (મુ.) જ્ઞાનમૂલક કૃતિઓ છે તેમાં કોઈક ધ્યાન ખેંચતા વિચારઅંશો પણ જોવા મળે છે. જેમ કે, ‘વર્તમાનજિન-ચોવીસી’ના પહેલા સ્તવનમાં રજૂ થયેલ લૌકિક પ્રેમ અને તીર્થંકર પ્રત્યેના પ્રેમની ભિન્નતા પ્રગટ કરતું સરલ માર્મિક ચિંતન. આ પ્રકારની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં, ગૌતમના મહાવીરવિરહના ભાવ જેવા અંશોને ઉઠાવ આપતી અને મહાવીરનું મહિમાગાન કરતી ૧૩ ઢાળની ‘વીરજિનનિર્વાણ-સ્તવન/દિવાળીનું સ્તવન’ (મુ.), આર્દ્ર આત્મપરિતાપનું આલેખન કરતી ‘રત્નાકર-પચીસી’ના અનુવાદ રૂપ ૩૪ કડીની ‘(સિદ્ધાચલગિરિમંડન) આદિજિનવિનતિરૂપ-સ્તવન/ઋષભદેવ-સ્તવન’ (મુ.), ૮ ઢાળની ‘સ્નાત્ર-પૂજા’ (મુ.) અને ૨૨ કડીની ‘નવપદ-પૂજા/સિદ્ધચક્ર-સ્તવન’ (મુ.)નો સમાવેશ થાય છે. આ સિવાય પણ કવિએ ૨૧ કડીનું ‘સીમંધરસ્વામીવિનતિરૂપ-સ્તવન’ (મુ.) ૨૧ કડીનું ‘સિદ્ધાચલચૈત્યપરિપાટી-સ્તવન’ (મુ.), ૨૦ કડીનું ‘(નવાનગર) આદિજિન-સ્તવન’ (મુ.) વગેરે કેટલાંક સ્તવનો (ઘણાંખરાં મુ.) રચેલાં છે. કવિએ આનંદઘનની ‘ચોવીસી’માં ખૂટતાં છેલ્લાં ૨ સ્તવનો રચેલાં છે એવી માહિતી મળે છે. કવિએ ઘણી સઝાયો (મોટા ભાગની મુ.) રચેલી છે તેમાંથી ૬ ઢાળની ‘સાધુની પંચભાવના’ (મુ.), ૧૦ ઢાળની ‘આઠ પ્રવચનમાળાની સઝાય’(મુ.), ૩ ઢાળની ‘પ્રભંજનાની સઝાય’ (મુ.), ૨૭ કડીની ‘ઢંઢણમુનિ-સઝાય’ (મુ.) નોંધપાત્ર છે. કવિને નામે કેટલાંક પદો (૫ મુ.) પણ નોંધાયેલાં છે. આ કવિને નામે નોંધાયેલ ‘સ્નાત્ર-પંચાશિકા’ (ર. ઈ.૧૭૪૮) ‘સ્નાત્ર-પૂજા’થી અલગ કોઈ અધિકૃત કૃતિ હોય એ શંકાસ્પદ જણાય છે. ૧૩ ઢાળની ‘સાધુવંદના’ કવિની નામછાપ સાથે મળે છે પરંતુ હસ્તપ્રતોમાં જ્ઞાનચંદ્રશિષ્ય શ્રીદેવની નામછાપ સાથે પણ મળે છે. સાંયોગિક પ્રમાણો જોતાં કૃતિ શ્રીદેવની હોવાની સંભાવના વધારે છે. કવિની ગદ્યકૃતિઓમાં સકળ જૈન સિદ્ધાંતોના દોહન રૂપ ૧૦૫૬ ગ્રંથાગ્રની ‘આગમસાર’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, ફાગણ સુદ ૩, મંગળવાર; મુ.) સૌથી વધારે મહત્ત્વની અને જાણીતી કૃતિ છે. પોતાની ‘ચોવીસી’ ઉપરનો ૨૬૦૦ ગ્રંથાગ્રનો વિસ્તૃત બાલાવબોધ (મુ.) તથા પોતાની ‘વીશી’માંના ‘બાહુજિન-સ્તવન’ પરનો ટબો (મુ.) મૂળ કૃતિઓમાંના જ્ઞાનવિચારને સ્ફુટ કરતી પ્રાસાદિક રચનાઓ તરીકે નોંધપાત્ર છે. કવિના અન્ય બાલાવબોધોમાં, મલ્લવાદીના ‘દ્વાદશસારનયચક્ર’ના સંક્ષેપ રૂપે નયના મુખ્ય ભેદોનો પરિચય આપતા, પોતે રચેલા સંસ્કૃત ‘નયચક્રસાર’નો બાલાવબોધ (મુ.), પોતે સંસ્કૃત ટીકા સાથે પ્રાકૃતમાં રચેલ ‘વિચારરત્ન-સાર’નો, અધ્યાત્મ જ્ઞાન અને જૈન તત્ત્વને લગતા ૩૨૨ પ્રશ્નોત્તરમાં વહેંચાયેલો ૧૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૭૪૦/સં. ૧૭૯૬, કારતક સુદ ૧; મુ.), દેવેન્દ્રસૂરિકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘કર્મગ્રંથ’ પરનો ટબાર્થ (મુ.), વજ્રસેનસૂરિશિષ્યની મૂળ પ્રકૃત કૃતિ ‘ગુરુગુણષટ્ત્રિંશત્’નો બાલાવબોધ (મુ.), ‘ચોવીસ દંડકવિચાર-બાલાવબોધ’ (ર. ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, કારતક સુદ ૧૧) તથા ‘સપ્તસ્મરણ-બાલાવબોધ’નો સમાવેશ થાય છે. ‘ગુણસ્થાનક આધિકાર’ (ભાષાની સ્પષ્ટતા નથી) તથા પ્રાકૃત ‘ગુણસ્થાન શતક’ અને તેના પરનો ગુજરાતી સ્તબક એ એક જ કૃતિના ઉલ્લેખો હોય એવું સમજાય છે. અન્ય લોકોએ ધર્મતત્ત્વજ્ઞાનની અનેક બાબતો વિશે પૂછેલા પ્રશ્નોના ઉત્તરની ‘છૂટક પ્રશ્નોત્તર’ (મુ.) એ નામથી થયેલી નોંધ તથા સુરતની ૨ શ્રાવિકાઓ પર લખાયેલા અને દ્રવ્યાનુયોગની ચર્ચા કરતા ૩ પત્રો (મુ.) કવિનું અન્ય ગદ્યસર્જન છે. કવિને નામે નોંધાયેલ અમૂર્તિપૂજકોના મંતવ્યના ઉત્તરરૂપ ‘પ્રતિમાપુષ્પપૂજાસિદ્ધિ’ એ ગદ્યકૃતિ કઈ ભાષામાં છે તેની માહિતી મળતી નથી, તો ‘દેશનાસાર’ એ ‘આગમસાર’ને સ્થાને થયેલી નામભૂલ હોવાનું સમજાય છે. દેવચંદ્રગણિએ હિન્દીમાં ‘દ્રવ્યપ્રકાશ’ (ર.ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ વદ ૧૩; મુ.), આધ્યાત્મવિષયક ૨ હોરી (મુ.) વગેરે પ્રકીર્ણ રચનાઓ કરેલી છે. ઉપર નિર્દિષ્ટ કૃતિઓ ઉપરાંત કવિએ પ્રાકૃતમાં ‘કર્મગ્રંથ’ની પૂર્તિ સમી ‘કર્મસંવેધભંગ-પ્રકરણ’ (મુ.) તથા યશોવિજ્યના ‘જ્ઞાનસાર-અષ્ટક’ પર સંસ્કૃતમાં ‘જ્ઞાનમંજરી’ નામે ટીકા (ર.ઈ.૧૭૪૦) રચેલ છે. આ બધી કૃતિઓ કવિની અન્યભાષાની સજ્જતા બતાવે છે. કૃતિ : ૧, અતીત જિન સ્તવન ચોવીસી, સં. બુદ્ધિસાગરગણિ, સં. ૨૦૧૮; ૨. દેવચંદ્રકૃત ચોવીસી, પ્ર. સુરચંદ સ્વરૂપચંદ, ઈ.૧૯૧૯; ૩. પંચ ભાવનાદિ સઝાય સાર્થ (શ્રીમદ્ દેવચંદ્ર સઝાયમાલા ભા. : ૨), સં. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૪. શ્રીમદ્ દેવચંદ્ર : ૧ અને ૨, સં. બુદ્ધિસાગરસૂરિ, ઈ.૧૯૨૯ (બીજી આ.) (+સં.); ૫. શ્રીમદ્ દેવચંદ્ર સજઝાયમાલા : ૧, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૬. શ્રીમદ્ દેવચંદ્ર સ્તવનાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૨;  ૭. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૬; ૮. પ્રકરણરત્નાકર ભા. ૧, પ્ર. શા. ભીમસિંહ માણક, ઈ.૧૮૭૬; ૯. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧;  ૧૦. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ - ‘મારી કેટલીક નોંધો’, મોહનલાલ દ. દેશાઈ (ર સ્તવન); ૧૧. * પરમાત્મદર્શન. સંદર્ભ : ૧. શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ (નિર્વાણરાસ), સં. બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ઈ.૧૯૨૬;  ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકેટેલૉગભાઈ : ૧૮(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]