ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનરાજ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનરાજ-૨ [ઈ.૧૫મી સદી] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના શિષ્ય. પોતાને પંડિત તરીકે ઓળખાવે છે, પરંતુ સંપ્રદાયમાં અધ્યારુજી તરીકે જાણીતા છે. જ્ઞાતિએ બ્રાહ્મણ. પાટણના હુકમરાય પંડ્યાના એ પુત્ર. એ પાટણના અધિકારી હતા અને એ નિમિત્તે પદ્મનાભ જે કુંભાર હતા તેના સંપર્કમાં આવેલા એમ કહેવાય છે. પદ્મનાભથી પ્રભાવિત થઈ પછીથી એમણે તેમની પાસે દીક્ષા લીધી. પદ્મનાભને એ વિષ્ણુના અવતાર લેખતા હતા. પરંતુ પદ્મનાભે તેમની સાથે મિત્ર તરીકે વ્યવહાર કર્યો હોય એવું જણાય છે. પદ્મનાભ જ્યાં રહેતા તે પદ્મવાડી બનાવવામાં પણ પદ્મનાભે તેમનો સાથ લીધેલો. પદ્મનાભનો જીવનકાળ ઈ.૧૪૦૨થી ઈ.૧૫૦૯ મનાય છે અને પદ્મવાડીની રચના ઈ.૧૪૧૪માં થયાનું નોંધાયું છે, જો કે આ હકીકતો શંકાથી પર છે એમ કહી શકાય નહીં. અધ્યારુજીનાં ૨૮ કીર્તનો (મુ.) સંપ્રદાયમાં જાણીતાં છે, જો કે કવિની નામછાપ બેએક કૃતિઓમાં જ મળે છે. કેટલીક કૃતિઓમાં, ‘અણછતો આત્મા/ભગત’ એવી છાપ વપરાયેલી છે અને થોડી કૃતિઓમાં ગુરુ પદ્મનાભનો ઉલ્લેખ મળે છે. પૃથ્વીના પરબ્રહ્મ સાથેના લગ્નને વર્ણવતી ૩૩ કડીની ‘સંત સોહાગો’માં તો ‘તુલસી’ નામ વણાયેલું મળે છે એટલે એનું કર્તૃત્વ અધ્યારુજીનું માનવું કે કેમ તે પ્રશ્ન છે. આ જ વિષયની અધ્યારુજીની અન્ય કૃતિ છે જ. રામકૃષ્ણ એ બંને અવતારોની સાથે નિર્ગુણ પરબ્રહ્મની ભક્તિને વણી લેતી રામકબીર-સંપ્રદાયની પરંપરાને અનુસરતાં ધનરાજનાં કીર્તનો ‘પંચાહ્ન પારાયણ’ના ૫ વિશ્રામ રૂપે વહેંચાયેલાં મળે છે. અધ્યાત્મ અને વૈરાગ્યનો બોધ કરતાં આ કીર્તનોમાંનાં કેટલાંક જન્મ, લગ્ન, મૃત્યુ, દીક્ષા વગેરે પ્રસંગોએ ગાવામાં આવે છે તે આ કીર્તનોનું સંપ્રદાયમાં કેટલું મહત્ત્વ છે તે સમજાવે છે. કવિનાં આ કીર્તનોમાં અધિસ્થાને મળતી ૫૩ કડીની ‘ગરુવા ગણપતિનો રાસ’ નામથી ઓળખાવાયેલી કૃતિમાં વસ્તુત: પરબ્રહ્મની સ્તુતિ છે અને રામાવતાર તથા કૃષ્ણાવતારનું વીગતે અને અન્ય અવતારનું ટૂંકું વર્ણન છે. અહીં કાવ્યના આરંભના શબ્દો ઉપરથી કૃતિ ઓળખાવાયેલી છે તેમ અન્યત્ર પણ કાવ્યમાં ધ્રુવા વગેરે તરીકે વપરાયેલા શબ્દોથી પણ કૃતિઓ ઓળખાવાયેલી છે. ૩૨ કડીની પરબ્રહ્મને સંબોધન રૂપે રચાયેલી ‘વિનતી’ જીવ પ્રકૃતિને છોડીને પરબ્રહ્મને કઈ રીતે પામી શકે તેનો બોધ આપે છે. ૩૦ કડીની ‘હેલી’માં પરબ્રહ્મના અકલ સ્વરૂપનું વર્ણન છે, તો ૩૬ કડીની ‘બ્રહ્મારુલી’માં પરબ્રહ્મની લીલાનું અને ૨૭ કડીની ‘સોરંગી’માં એના અવતારોનું વર્ણન છે. ૪ કડવાં રૂપે ૧ કૃતિ મળે છે તેમાં હરિ એટલે કે કૃષ્ણ રૂપે પરબ્રહ્મની સ્તુતિ છે, અને એમાં કૃષ્ણલીલા ગૂંથી લેવામાં આવી છે. ‘વડી કારજ’માં વિવિધ અવતારોનાં કાર્યો વર્ણવ્યાં છે, તો ‘લોઢી કારજ’માં સુખદુ:ખના ચરખામાં લોઢાતા જીવને શરણાગતિનો બોધ આપવામાં આવ્યો છે. ૫૩ કડીની ‘હર્ષ ભોવન’ પરબ્રહ્મનું સ્વરૂપવર્ણન કરી તેની ભક્તિના આનંદનો બોધ આપે છે. તો ૩૧ કડીની ‘શોકભવન’ જેનામાં હરિભક્તિ નથી તેને ભોગવવી પડતી નર્કની વેદનાનું વર્ણન કરે છે. ‘પૃથ્વી-ધોળ/પૃથ્વી-વિવાહ/વિઘનહરણ’માં પૃથ્વીના પ્રલયકાળે એને ઉદ્ધારનાર પરબ્રહ્મ રૂપ ગોવિંદ સાથેના લગ્નની કથા કહેવામાં આવી છે. અને વિવાહવિધિનું વીગતે વર્ણન કરવામાં આવ્યું છે. ‘પદ્મધોળ’માં પરબ્રહ્મના અવતાર તરીકે પદ્મનાભનું મહિમાગાન છે અને ‘વાડીનો રાસ’માં પણ વાડીને નિમિત્તે પદ્મનાભની પ્રશસ્તિ થયેલી છે. આ ઉપરાંત મુક્તિદશાનું વર્ણન કરતી ૩૫ કડીની ‘ઘોડલી’, આત્માપરમાત્માનું રહસ્ય સમજાવતી ૪૪ કડીની ‘વેદપુરાણ’, હરિભક્તિથી થયેલા ભક્તોના ઉદ્ધારને ઉલ્લેખતી ૩૭ કડીની ‘ચતુર્વદનનો રાસ’ તથા પરબ્રહ્મભક્તિ વગર અન્ય સાધનો નિરર્થક છે તેમ દર્શાવતી ૩૨ કડીની ‘અહર્નિશનો રાસ’ આ કવિની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે. કવિની કેટલીક દીર્ઘ કૃતિઓ ‘આદ’ નામક વિભાગોમાં વહેંચાયેલી મળે છે અને એમાં વલણ નામે ઘટક હોય છે તે રચનાબંધની દૃષ્ટિએ નોંધપાત્ર હકીકત છે. કવિની ‘પસાઉલો’, ‘ઉમાઉલો’, ‘ખાંડણાં’, ‘હિંદોલા’, ‘આરતી’, ‘વાણી’ એવાં નામ ધરાવતી કૃતિઓ પણ મળે છે. દુહા-સોરઠા અને ચોપાઈબંધમાં રચાયેલાં આ કીર્તનોમાં જૈન સ્તવનની પદ્ધતિ હોવાનું નોંધાયું છે. કૃતિ : ૧. ઉદાધર્મપંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.) (+સં.); ૨. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬ (+સં.);  ૩. જીવણવાણી, વ. ૧, અં. ૨, ૩, ૬, ૮, ૯, ૧૨ તથા વ. ૨, અં. ૧, ૪, ૬, ૭-‘કલ્યાણની કેડી’ અંતર્ગત ‘ગરુવા ગણપતિનો રાસ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨; ૩. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૪. જીવણવાણી, વ. ૧ અં. ૧-‘અધ્યારુજીની ‘વાણી’નો ભાવાર્થ’, યદુનાથ જગન્નાથ સ્વામી; ૫. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭- ‘ગુજરાતીનો સંત કવિ પંડિત ધનરાજ અધ્વર્યુ અને તેનાં પદ’, કાન્તિકુમાર ભટ્ટ. [ચ.શે.]