ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિજય-૨ વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનવિજય-૨ (વાચક) [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. આ ધનવિજય તે હીરવિજયસૂરિ પાસે ઈ.૧૫૭૫માં દીક્ષિત અને ‘સૂરિસચિવ’ તરીકે ઓળખાવાયેલા ધનવિજય જ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. એ ધનવિજયે અકબરબાદશાહ પાસે પક્ષીઓને મુક્ત કરાવ્યાં હતાં અને મેડતાના જૈન વિહારો પરનો મુસ્લિમ શાસકોનો કર દૂર કરાવ્યો હતો. વાચક ધનવિજયે ‘કર્મગ્રંથ-બાલાવબોધ’ (ર. ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦, મહા સુદ વીરગણમિતિ) ‘લોકનાલિકા દ્વાત્રિંશિકા-સ્તબક’ (ર. ઈ.૧૬૬૩) તથા ૭ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય’ (મુ.)ની રચના કરી છે. એમણે સંસ્કૃતમાં ૧૦૮ કડીની ‘ધર્મોપદેશલેશઆભાણશતક’ (ર. ઈ.૧૬૪૩)ની રચના કરી છે અને કેટલાંક સંસ્કૃતગ્રંથોનું સંશોધન કર્યું છે, જેમાં ‘કલ્પસૂત્રદીપિકા’નું સંશોધન ઈ.૧૬૨૫માં કર્યું હોવાની માહિતી નોંધાયેલી છે. કૃતિ : ઐસામાલા : ૧. સંદર્ભ : જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪ હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]