ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નગર્ષિ-નગા ગણિ
નગર્ષિ/નગા(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં કુશલવર્ધનના શિષ્ય. એમની મોટા ભાગની કૃતિઓ ઈ.૧૫૮૩થી ઈ.૧૬૦૩ સુધીનાં રચનાવર્ષો બતાવે છે, પરંતુ ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’ પરના સ્તબકનું રચનાવર્ષ ઈ.૧૫૫૯ ખરું હોય તો કવિનો સમય એટલો આગળ ખસે. ‘(કુમરગિરિમંડન) શાંતિનાથવિનતિ’નું રચનાવર્ષ ઈ.૧૫૦૭ તો ઘણું શંકાસ્પદ જણાય છે. કવિએ બહુધા તીર્થ-તીર્થંકારોના સ્તોત્રસ્તવનાદિ રચ્યાં છે. તેમાંથી નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : તીર્થંકરોના ચરિત્રગાનને સમાવી લેતી ૩૯ કડીની ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા સુદ. ૬; મુ.), ૩૯ કડીની ‘જાલુરનગર-પંચજિનાલય-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૯૫/સં. ૧૬૫૧, ભાદરવા વદ ૩, ગુરુવાર; મુ.), ૭૧ કડીનું ‘ચતુર્વિંશતિજિન-સકલભવવર્ણન-સ્તવન’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર), ૫ ઢાળ અને ૫૩ કડીનું ‘આઠ કર્મપ્રકૃતિ-બોલવિચાર/બંધહેતુગર્ભીત (વડલીમંડન)-વીરજિન-સ્તવન’, ૩૯ કડીનું ‘અલ્પબહુત્વગર્ભિત મહાવીર-સ્તવન’ ૭૧ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૯૫), ૩૬ કડીનું (શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૦૩), ૪૯ કડીનું ‘(શત્રુંજ્યમંડન) ઋષભજિન-સ્તોત્ર’, ૪૫ કડીનું ‘(સાવલીમંડન) આદિનાથજિન-સ્તોત્ર’, ૨૯ કડીનું ‘(બિલાડામંડન) પાર્શ્વજિન-સ્તોત્ર’, ‘(કુમરગિરિમંડન) શાંતિનાથ-વિનતિ’ (ર.ઈ.૧૫૦૭), ૪૩ કડીનું ‘વીરજિનસ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૯), ૩૧ કડીનું ‘શાંતિનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૬) તથા ૩૫ કડીનું ‘મૌન-અગિયારશ-દોઢસોકલ્યાણક-સ્તવન’. આ ઉપરાંત કવિએ ‘રામસીતા-રાસ’ (ર.ઈ.૧૫૯૩), ૨૪૯ કડીની ‘સાધુવંદના-સઝાય’ (ર.ઈ.૧૫૮૩), હીરવિજ્ય સૂરિ-વિજ્યસેનસૂરિ વિશેની સઝાયો તથા હરિયાળીઓ રચેલી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પરનો ૪૧૨૫ ગ્રંથાગ્રનો સ્તબક (ર.ઈ.૧૫૫૯) તથા ૫૬૫ ગ્રંથાગ્રનો ‘સંગ્રહણી-ટબાર્થ’ (ર.ઈ.૧૫૯૭/સં. ૧૬૫૩, ફાગણ વદ ૧૩, મંગળ/શુક્રવાર) એ એમની ગદ્યરચનાઓ છે. ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ તથા ‘સાધુવંદના-સઝાય’ ‘કુશલવર્ધનશિષ્ય’ એટલી જ નામછાપ ધરાવે છે, પણ એના કર્તા નગાગણિ જ હોવાની શક્યતા છે. કવિએ સંસ્કૃતમાં ‘સ્થાનાંગસૂત્ર’ પર ‘સ્થાનાંગ-દીપિકા’ નામે વૃત્તિ (ર.ઈ.૧૬૦૧) અને ‘દંડકાવચૂરિ’ તથા પ્રાકૃતમાં ‘કલ્પાન્તર્વાચ્ય’ (ર.ઈ.૧૬૦૧) રચેલ છે. કૃતિ : ૧ જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. જૈનયુગ, વૈશાખ ૧૯૮૫-‘સિદ્ધપુરચૈત્ય પરિપાટી’; ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘નગર્ષિ(નગા)ગણિ રચિત જાલુરનગર પંચજિનાલય ચૈત્ય પરિપાટી’, સં. અંબાલાલ પ્રે. શાહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]