ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નન્ન સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નન્ન(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી આરંભ] : કોરંટગચ્છના જૈન સાધુ. સર્વદેવસૂરિના શિષ્ય. ‘શ્રાવકધર્મવિચાર/હિતશિક્ષા-ચોસઠી’ (ર.ઈ.૧૪૮૮), ‘દશશ્રાવક બત્રીસી/સઝાય’ (ર.ઈ.૧૪૯૭), ૬ કડીની ‘અર્બુદચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૯૮; મુ.), ૪૬ કડીની ‘ગજસુકુમાર-રાજર્ષિ-સઝાય/સંબંધ/ચરિત્ર/ગીત-ચોઢાળિયાં’ (ર.ઈ.૧૫૦૨;મુ.), ૧૪ કડીની ‘જીવપ્રતિબોધ-ગીત’, ૨૫ કડીની પંચતીથી-સ્તવન/ઋષભાદિપંચજિન-સ્તવન’ (મુ.), ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૪૮૭), ‘મિચ્છાદુક્કડ-સઝાય’ (ર.ઈ.૧૫૦૩), ‘અભક્ષઅનંતકાય-સઝાય’, ‘મહાવીરસત્તાવીશભવ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૪), ‘જીરાઉલા પાર્શ્વનાથ-છંદ’, ‘ઉત્તરષટ્ત્રિંશદધ્યયન વાચ્ય-ભાસ’, ‘ચોવીસ જિન-ગીત’ તથા અન્ય કેટલીક ભાસ, ગીત, નમસ્કાર વગેરે કૃતિઓ અને ધર્મદાસકૃત પ્રાકૃત ‘ઉપદેશમાલા’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૪૮૭; મુ.)ના કર્તા. આમાંની કેટલીક કૃતિઓમાં કર્તાના ગચ્છ કે ગુરુપરંપરા વિશે માહિતી મળતી નથી પણ પ્રાપ્ય સાધનો તેમને આ નન્નસૂરિની કૃતિઓ ગણે છે, જે કવિનું સમગ્ર સર્જન જોતાં સંભવિત જણાય છે. ‘ચોમાસી-દેવવંદન’ના ભાગ રૂપે કશી નામછાપ વિનાના ચોવીસ તીર્થંકરોનાં સ્તુતિ તથા ચૈત્યવંદન(મુ.) મળે છે, જેના કર્તા નંદસૂરિ હોવાનું જણાવવામાં આવે છે. આ ‘ચોમાસી-દેવવંદન’માં કોઈ વખતે ઉપર નિર્દિષ્ટ પંચતીર્થના સ્તવનો પણ સમાવિષ્ટ થયેલાં જોવા મળે છે, તેથી આ સ્તુતિઓ અને ચૈત્યવંદન આ નન્નસૂરિનાં હોવાનું સંભવિત જણાય છે. કૃતિ : ૧. (ધ) સ્ટડી ઑવ ધી ગુજરાતી લૅંગ્વેજ ઈન ધ સિક્સટિન્થ સૅન્ચ્યુરી, ત્રિકમલાલ એન. દવે, ઈ.૧૯૩૫;  ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નન્નસૂરિકૃત અર્બુદ ચૈત્ય પ્રવાડી, સં. તંત્રી; ૪. સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭થી જાન્યુ. ૧૯૭૮-‘કવિ નન્નસૂરિકૃત ગજસુકુમાલ ચઉઢાલિયા’, વસંતરાય બ. દવે. સંદર્ભ : ૧. કેટલૉગગુરા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]