ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિરાંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિરાંત [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮ અધિક ભાદરવા સુદ ૮, મંગળવાર] : જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણ (જિ. ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ગોહેલ રજપૂત. કોઈ પાટીદાર પણ કહે છે. પિતા ઉમેદસિંહ. માતા હેતાબા. જન્મ ૧૭૪૭માં મનાય છે, પણ એને માટે કોઈ આધાર જણાતો નથી. બાલ્યકાળથી ભક્તિના સંસ્કારો ધરાવતા નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત હતા અને દર પૂનમે હાથમાં તુલસી લઈ ડાકોર જતાં એમ કહેવાય છે ને એમનાં ૨ પદોમાં વલ્લભકુળનો નિર્દેશ હોવાથી તે એક વખતે વૈષ્ણવધર્મી હશે એમ પણ મનાયું છે, પરંતુ રણછોડભક્તિનાં એમનાં કોઈ પદો પ્રાપ્ત નથી તે ઉપરાંત શુદ્ધ વૈષ્ણવ ભક્તિમાર્ગ પણ એમની કૃતિઓમાં ખાસ નજરે પડતી નથી. ડાકોર જતાં નિરાંતને ભક્તિના આ ક્રિયાકાંડોની નિરર્થકતા સમજાવનાર કોઈ મિયાંસાહેબ/અમનસાહેબ નામે મુસ્લિમ હતા એમ કહેવાય છે, પરંતુ સંપ્રદાયની માન્યતા અનુસાર એમણે પ્રથમ ઉપદેશ કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસેથી લીધો હતો અને પછીથી સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામીએ એમને સગુણભક્તિમાંથી નિર્ગુણ તરફ વાળ્યા. ભજનકીર્તન દ્વારા ઉપદેશ આપતાં નિરાંત મહારાજને ભિન્ન ભિન્ન કોમોમાંથી અનુયાયીવૃંદ મળ્યું હતું. મંદિરો ઊભાં કરવાની ને સંપ્રદાય સ્થાપવાની એમણે અનિચ્છા બતાવી પરંતુ એમના પ્રમુખ ૧૬ શિષ્યોને જ્ઞાનગાદી સ્થાપી ઉપદેશ આપવાની અનુજ્ઞા આપી. ઊંચ-નીચ, નાતજાત વગેરેના ભેદ વગર આજે આ સંપ્રદાય ઉત્તર ગુજરાતના માલેસણથી છેક દક્ષિણમાં મહાડ (મહારાષ્ટ્ર) સુધી પ્રચલિત છે. નિરાંતનું અવસાન ઈ.૧૮૫૨ (સં. ૧૯૦૮, ભાદરવા સુદ ૮)માં થયું હોવાનું સંપ્રદાયમાં નોંધાયું છે પણ એનો આધાર સ્પષ્ટ નથી. ઈ.૧૮૪૩ પછી થોડાં વરસોમાં એ અવસાન પામ્યા હોવાનું જણાય છે. નામની ઉપાસનાનો અને નિવૃત્તિમાર્ગનો ઉપદેશ કરનાર નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતની છે પણ એમાં યોગ અને ભક્તિનાં તત્ત્વો મિશ્ર થયેલાં છે. એમનું કાવ્યસર્જન(મુ.) મોટે ભાગે પદ  રૂપે છે. ધોળ, કાફી, ઝૂલણા આદિ નામભેદો ધરાવતાં ને ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ મળતાં ૨૦૦ ઉપરાંત પદો અદ્વૈતબોધ, નામમહિમા, ગુરુમહિમા ઉપરાંત ભક્તિનું પણ નિરૂપણ કરે છે અને એની સરળ અર્થવાહિતાથી લોકગમ્ય બને છે. કદાચ વર્ણનાત્મક રીતિને કારણે ‘કથા’ને નામે ઓળખાયેલાં ૨૯ પદોનો સમુચ્ચય મળે છે, જેમાં ધનવિરાગ, સ્ત્રીવિરાગ, ગુરુશ્રદ્ધા, માયાત્યાગ, ષડ્રિપુ, ચિત્તશુદ્ધિ, બ્રહ્મદર્શન, પુરુષપ્રકૃતિ, દેહોત્પત્તિ, દેહાવસાન આદિ વિષયોની સમજ શિષ્યને આપવામાં આવેલી છે. વેદાંતવિષયક જિજ્ઞાસા પ્રગટ કરતા ૩ પત્રો-હરિદાસ(હરિભક્ત)ને (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, આસો સુદ ૧૫ શુક્રવાર), રવિરામ (રવિસાહેબ)ને (ર.ઈ ૧૮૦૦/સં. ૧૮૫૬, આસો વદ ૧, શનિવાર) તથા મંછારામ (જે પછીથી એમના શિષ્ય બનેલા)ને (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭ પોષ વદ ૧૨, સોમવાર) સંબોધાયેલા-પણ પદો જ ગણાય. નિરાંતનાં ૨ તિથિકાવ્યો ને ‘સાતવાર’ જ્ઞાનમૂલક છે ને ‘સાતવાર’માં વારનાં નામ શ્લેષથી ગૂંથાયાં છે. વિરહભાવને વર્ણવતા ‘બારમાસ’ પણ અંતે જ્ઞાનમાં જ પરિણમે છે. આ ઉપરાંત સવૈયા તથા હિંદીમાં કુંડળિયા, સાખી, કવિત, રેખતા આદિ પ્રકારની લઘુ રચનાઓ આ કવિએ કરી છે. કવિની બે દીર્ઘ કૃતિઓ મળે છે. ‘યોગસાંખ્યદર્શનનો સલોકો’ ૧૦૦-૧૦૦ કડીમાં યોગદર્શન અને સાંખ્યદર્શનની શાસ્ત્રીય સમજૂતી આપે છે. અને ‘અવતારખંડન’ ૧૦-૧૦ કડીના ૧૦ ખંડોમાં વરાહ, મત્સ્ય, કચ્છ, મોહિનીરૂપ, નૃસિંહ, બલરામ, કૃષ્ણ, રામ, પરશુરામ, વામન એ અવતારોની સમીક્ષા-ચિકિત્સા કરી એનો મર્મ પ્રગટ કરે છે, જેમ કે વરાહાવતાર વિશે કવિ કહે છે કે સર્વમાં ઈશ્વર છે એ વાત સાચી છે, પણ એથી કંઈ ભૂંડને પૂજાય નહીં. કૃતિ : ૧. નિરાંતકાવ્ય. સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯ (+સં.);  ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, ભગત કેવળરામ કાલુરામ,-; ૩. પ્રાકામાળા : ૧૦ (સં.) : ૪. પ્રાકાસુધા : ૨; ૫. બૃકાદોહન : ૫. સંદર્ભ : ૧. આગુસંતો; ૨. અસંપરાપરા; ૩. કવિચરિત : ૩; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામધ્ય; ૭. ગુસારસ્વતો;  ૮. ગૂહાયાદી; ૯. ડિકેટલૉગભાવિ. [દે.દ.]