ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિષ્કુળાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિષ્કુળાનંદ [જ.ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, મહા સુદ ૫-અવ. ઈ.૧૮૪૭ કે ૧૮૪૮/સં. ૧૯૦૩ કે ૧૯૦૪, અસાડ વદ ૯] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. સહજાનંદના શિષ્ય. જામનગર જિલ્લાના શેખપાટ/સુખપુર/લતીપુરમાં જન્મ. જ્ઞાતિએ ગુર્જર સુતાર. પિતા રામભાઈ, માતા અમૃતબા. જન્મનામ લાલજી. અનિચ્છા છતાં પિતાના આગ્રહથી લગ્ન કરેળું. પિતા રામાનંદસ્વામીના શિષ્ય હોવાથી કવિ એમના સંપર્કમાં આવેલા. પછીથી ઈ.૧૮૦૪માં સહજાનંદસ્વામી સાથે કચ્છમાં ભોમિયા તરીકે જવાનું થતાં સાસરાના અધોઈ ગામે એમને સાધુવેશ પહેરાવી દઈ દીક્ષા આપવામાં આવી. કાષ્ઠ અને આરસની કલાકારીગરીમાં નિપુણ આ સાધુકવિ સંપ્રદાયમાં વૈરાગી કવિ તરીકે પ્રસિદ્ધ થયા. અવસાન ધોલેરામાં. નિષ્કુળાનંદનું સાહિત્યસર્જન વિપુલ છે ને સઘળું મુદ્રિત છે. એમણે ૩૦૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે. પરંતુ એમાં કેટલીક પદ-સમુચ્ચય રૂપ કૃતિઓનાં ને પદના પદ્યબંધનો વિનિયોગ કરતી કૃતિઓનાં પદોનો સમાવેશ થયો હોય એમ જણાય છે. જેમ કે ‘વૃત્તિવિવાહ/અખંડવરનો વિવાહ’ (મુ.) વૃત્તિના શ્રીહરિ સાથેના વિવાહને અનુલક્ષીને લગ્નગીતો રજૂ કરતી ૨૦ ધોળ/પદની કૃતિ છે. સંત-અસંત-લક્ષણ વર્ણવી સંતોના આચારધર્મનો બોધ કરતી ‘ચોસઠપદી’ (મુ.) તો એવો પદસમુચ્ચય છે, જેમાં પદો છૂટાં પણ જાણીતાં છે. નિષ્કુળાનંદનાં પદો (મુ.)માં સંભવત: જૈન અસર નીચે રચાયેલાં શિયળની વાડનાં પદો, પંચેન્દ્રિયભોગનાં ૮ પદો એવાં પદજૂથો મળે છે. અન્ય પદો સહજાનંદ રૂપને એમનો વિરહ, પ્રેમલક્ષણા ભક્તિ અને ભક્તિવૈરાગ્યબોધ એ ત્રિવિધ પ્રવાહોમાં વહે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદો એના મુગ્ધ શૃંગારભાવથી ને ભક્તિવૈરાગ્યબોધનાં પદો એની લોકભોગ્ય છટાથી જુદાં તરી આવે છે. કવિની દીર્ઘ કૃતિઓમાંથી કેટલીક સહજાનંદસ્વામીના ચરિત્રને આલેખે છે. પૂર્વછાયા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલી ૧૬૪ પ્રકરણની ‘ભક્તચિંતામણિ’ (ર.ઈ.૧૮૩૧/સં. ૧૮૮૭, આસો સુદ ૧૩, ગુરુવાર; મુ.) સહજાનંદની ૪૯ વર્ષ સુધીની જીવનલીલાને વિસ્તારથી વર્ણવતી મહત્ત્વની કૃતિ છે. ૫૫ ‘પ્રકાર’ નામક ખંડોમાં વહેંચાયેલી, દુહા-ચોપાઈબદ્ધ ‘પુરુષોત્તમપ્રકાશ’(મુ.) દર્શન, સ્પર્શ, વિચરણ, સદાવ્રતો, યજ્ઞો, ઉત્સવો, ગ્રંથોનું નિર્માણ વગેરે ધર્મપ્રવૃત્તિઓ દ્વારા સહજાનંદે પોતાના ઐશ્વર્યનો પ્રસાદ લોકોને આપ્યો તેનું વર્ણન કરે છે. ‘ચિંતામણિ’ નામક વિભાગો ધરાવતી ‘હરિસ્મૃતિ’(મુ.) સહજાનંદનાં અંગ, વેશ, જમણ, પ્રતાપ વગેરેનું વીગતે ચિત્ર આપે છે. પૌરાણિક કથાકથનનો આશ્રય લેતી ૪ કૃતિઓ છે. ૬૪ કડવાં ને ૧૬ પદની ‘ધીરજાખ્યાન’ (ર.ઈ.૧૮૪૩/સં. ૧૮૯૯, ચૈત્ર વદ ૧૦; મુ.) પ્રભુપંથે ચાલતાં જે કષ્ટો પડે છે તેને ધૈર્યપૂર્વક સહન કરનાર ધ્રુવ, પ્રહ્લાદાદિ ભક્તોની કથાઓ વર્ણવે છે, તો ૫૨ કડવાં ને ૧૪ પદની ‘વચનવિધિ’ (મુ.)માં રામાવતાર તથા કૃષ્ણાવતારમાં ભગવાનનાં વચન પાળ્યાં-ન પાળ્યાનાં પરિણામો દર્શાવતાં પૌરાણિક દૃષ્ટાંતો દ્વારા ઈશ્વરના વચન રૂપ આચાર્યધર્મનો ઉપદેશ કર્યો છે. ૪૪ કડવાં અને ૧૧ પદની ‘સ્નેહ-ગીતા’ (ર.ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, વૈશાખ સુદ ૪; મુ.) ભાગવતના ઉદ્ધવસંદેશના પ્રસંગને આલેખે છે, ને પ્રેમલક્ષણા ભક્તિની ઉત્કટ ઊર્મિના સવિસ્તાર નિરૂપણથી મનોરમ બનેલી છે. ૩૩ કડીની ‘અવતાર ચિંતામણિ’ (મુ.) શ્રીહરિના ૩૧ અવતાર અને એ અવતારોના કર્મનો સંક્ષેપમાં નિર્દેશ કરે છે. મુખ્યત્વે પૂર્વછાયા-ચોપાઈબંધનાં ૨૦ કડવાં ને ૧ ધોળમાં રચાયેલી ‘યમદંડ’(મુ.) ગરુડપુરાણ-આધારિત વર્ણનાત્મક કૃતિ છે. એમાં મુમુક્ષુમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી જન્મમરણાદિની યમયાતનાઓ તથા સાંસારિક આધિ, વ્યાધિ, ઉપાધિનું વર્ણન કરેલું છે. ૧૮૭ કડીની ‘મનગંજન’ (ર.ઈ.૧૮૧૫/સં. ૧૮૭૧, શ્રાવણ-૭; મુ.) રૂપકાશ્રિત કથાકૃતિ છે. એમાં દેહનગરના ૨ દીવાન નિજમન અને પરતકમન વચ્ચેનું યુદ્ધ વર્ણવાયેલું છે અને નિજમનની જીત દ્વારા ઇન્દ્રિયજયનો બોધ આપવામાં આવ્યો છે. કવિની અન્ય કૃતિઓ દૃષ્ટાંતાદિકના વિનિયોગપૂર્વક સીધો તત્ત્વબોધ રજૂ કરે છે. ૪૮ કડવાં અને ૧૨ પદની ‘સારસિદ્ધિ’(મુ.) પ્રગટ ભગવાનની મૂર્તિને સારમાં સાર ગણાવી એને રાજી રાખવાના અનેક ઉપાયોમાંથી વૈરાગ્ય, ભક્તિ અને સંતસેવાનું મહત્ત્વ સમજાવે છે. ૪૪ કડવાં અને ૧૧ પદની ‘હરિબળ-ગીતા’ (ર.ઈ.૧૮૪૨/સં. ૧૮૯૮, પુરુષોત્તમ માસ સુદ ૧૫; મુ.) અજિત અંતરશત્રુઓને જીતવા માટે હરિ એ જ બળ છે એવું પ્રતિપાદન કરી સ્વરૂપનિષ્ઠા પર ભાર મૂકે છે. ગુરુશિષ્યસંવાદરૂપની ૧૫ ‘પ્રસંગ’ નામક વિભાગો ધરાવતી દુહાસોરઠાબદ્ધ ‘હૃદયપ્રકાશ’ (ર.ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, અસાડ સુદ ૧૧; મુ.) હૃદયમાં આત્મા અને પરમાત્માનો પ્રકાશ પથરાય એ માટે ઇન્દ્રિયો ને અંત:કરણની શુદ્ધિ પર ભાર મૂકે છે. ૪૪ કડવાં અને ૧૨ પદની ‘ભક્તિનિધિ’ (ર. ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, ચૈત્ર સુદ ૯; મુ.) ભક્તિનાં વિવિધ પાસાંની તાત્ત્વિક ચર્ચા કરી નિષ્કામ ભક્તિનો મહિમા પ્રગટ કરે છે. ૧૮ ‘નિર્ણય’ નામક વિભાગો ધરાવતી દુહાચોપાઈબદ્ધ ‘કલ્યાણનિર્ણય’ (મુ.) કલ્યાણના જુદા જુદા પ્રકારો બતાવી અવતારી ઈશ્વર અને સાચા સંતની આજ્ઞામાં રહેવામાં કલ્યાણ છે એમ પ્રતિપાદિત કરે છે. ચારણી છંદોનો વિનિયોગ દર્શાવતી ૧૦૨ કડીની ‘અરજીવિનય’ (મુ.) પ્રાર્થનાનું મહત્ત્વ પ્રગટ કરે છે, તો ૧૦૧ કડીની ‘ગુણગ્રાહક’ (મુ.) ગુણ-અવગુણનો ભેદ કરીને નિર્ગુણબ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ આપે છે. કવિએ સહજાનંદની સંસ્કૃત ‘શિક્ષા પત્રી’ને દુહા-ચોપાઈની ૨૬૦ કડીમાં (મુ.) ગુજરાતીમાં ઉતારી છે. પદો ઉપરાંત હિંદીમાં એમણે સહજાનંદના જન્મથી અંતર્ધાનસમય સુધીના પ્રત્યેક વિચરણને વર્ણવતી ૮ વિશ્રામની દુહાચોપાઈબદ્ધ ‘હરિવિચરણ’ (મુ.), સહજાનંદના ચરણમાં રહેલા પ્રભુતાસૂચક અને મોક્ષમૂલક ચિહ્નો વર્ણવતી ૧૬ દુહાની ‘ચિહ્નચિંતામણિ’(મુ.), ભગવાન પ્રત્યેના સખીભાવથી થયેલું ૩૧ પુષ્પોનું ચિંતવન રજૂ કરતી ૩૧ કડીની ‘પુષ્પચિંતામણિ’ (મુ.) અને ભગવાનનું ભજન કયા શુભ-અશુભ સમયે કરવું જોઈએ તેનાં લગ્નફળ દર્શાવતી દુહાની ૧૭ કડીની ‘લગ્નશકુનાવલી’ (ઈ.૧૮૨૭; મુ.) એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. નિષ્કુળાનંદકાવ્ય, પ્ર. શેઠ લક્ષ્મણદાસ માવજી, ઈ.૧૯૧૨; ૨. નિષ્કુળાનંદકાવ્ય, પ્ર. સ્વામિનારાયણ ગુરુકુળ, ઈ.૧૯૭૮ (+સં.); ૩. નિષ્કુલાનંદકાવ્યમ્ સં. હરજીવનદાસ શાસ્ત્રી; ૪. નિષ્કુળાનંદ સ્વામીકૃત કાવ્યસંગ્રહ, પ્ર. વૈદ્ય ઘનશ્યામ બાપુભાઈ; ૫. પત્રી તથા કીર્તન, પ્ર. મનસુખરામ મૂળચંદ, ઈ.૧૮૮૦; ૬. પુરુષોત્તમપ્રકાશ, સં. શાસ્ત્રી નારાયણભક્ત, ઈ.૧૯૮૦; ૭. ભક્તચિંતામણિ, પ્ર. ઠક્કર દામોદરદાસ ગો. ઈ.૧૮૯૬; ૮. ભક્તચિંતામણિ, સં. શાસ્ત્રી દેવચરણદાસજી, સં. ૨૦૧૩ (+સં.); ૯. ભક્તચિંતામણિ, પ્ર. શ્રીપતિપ્રસાદજી, ઈ.૧૯૨૪; ૧૦. સારસિદ્ધિ પ્ર. દામોદર ગો. ઠક્કર, ઈ.૧૮૭૯; ૧૧. બૃકાદોહન : ૧, ૨, પ, ૬. સંદર્ભ : ૧. વૈરાગ્યમૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી, શાસ્ત્રી ભક્તિપ્રિયદાસ, ઈ.૧૯૭૮; ૨.  મસાપ્રવાહ; ૩.  ડિકેટલૉગબીજે. [ચ.મ.]