ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલાખ્યાન’-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નલાખ્યાન’-૧ : (૧૫મી-૧૬મી સદી) ભાલણકૃત વલણ કે ઊથલા વગરનાં વિવિધ રાગવાળી દેશીઓનાં ૩૦/૩૩ કડવાંમાં રચાયેલું મધ્યકાલીન ગુજરાતી કવિતાનું નલવિષયક પહેલું આખ્યાન(મુ.). મહાભારતના આરણ્યકપર્વની ‘નલોપાખ્યાન’ની કથાને અનુસરવાનું વલણ કવિનું વિશેષ રહ્યું છે, પરંતુ જ્યાં કવિએ વીગતને બદલી હોય કે વર્ણનોને વધારે વિસ્તારી નવી અલંકારછટા દાખવી હોય ત્યાં બહુધા શ્રીહર્ષના ‘નૈષધીયચરિત્’ મહાકાવ્ય અને ત્રિવિક્રમના ‘નલચંપૂ’ની અસર ઝીલી છે. મૂળ કથાના પ્રસંગોને વિસ્તારી કૃતિને વધારે રસાવહ બનાવવાની શક્તિ પ્રેમાનંદ જેટલી કવિ દાખવતા નથી, તો પણ શૃંગાર અને કરુણ રસની કેટલીક જમાવટ કવિ કરી શક્યા છે. અલબત્ત વનવાસ ભોગવતા યુધિષ્ઠિરના દુ:ખને હળવું કરવા બૃહદસ્વ ઋષિ દ્વારા કહેવાયેલી મૂળ કથા પ્રધાનપણે જેમ કરુણા છે તેમ અહીં પણ કરુણ રસ જ કેટલાંક મર્મસ્પર્શી પદોને લીધે વધારે પ્રભાવક છે. પાત્રોના પૌરાણિક ઉદાત્ત ચરિત્રને જાળવી રાખીને પણ તેઓ પ્રેમાનંદની નિરૂપણ કળાથી જુદા પડે છે. આ કવિને નામે ૨૭/૨૮ કડવાંનું એક બીજું ‘નળાખ્યાન’ પણ મુદ્રિત રૂપે મળે છે, પરંતુ આ કૃતિની ઉપલબ્ધ ન થતી હસ્તપ્રત, સુરુચિને આઘાત પહોંચાડે એવા કેટલાક એમાં વ્યક્ત થયેલા વિચારો, કવિની અન્ય કૃતિઓથી જુદી પડી જતી કંઈક વિલક્ષણ શૈલી ઇત્યાદિ કારણોને લીધે આ રચના એમની નથી એ હવે નિશ્ચિત બન્યું છે.[શ્ર.ત્રિ.]