ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલરાય-દવદંતીચરિત-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નલરાય/દવદંતીચરિત-રાસ’ [ર.ઈ.૧૪૫૬] : દુહા, ચોપાઈ અને દેશીની ૩૨૧ કડીમાં નિબદ્ધ, અંચલગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય ઋષિવર્ધનસૂરિની આ કૃતિ(મુ.) ગુજરાતીમાં કવિ ચંપના આ વિષયના સૌ પ્રથમ રાસ પછી આવતી હોઈ અને અનુગામી મહીરાજ અને મેઘરાજના રાસો પર એની અસર પડેલી હોઈ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિ બને છે. પ્રમાણમાં નાનકડી આ કૃતિમાં પણ આરંભમાં નળદમયંતીના ૨ પૂર્વભવોની કથા થોડા વિસ્તારથી વર્ણવાઈ છે, અને અંતે ૧ ઉત્તરભવનો ટૂંકમાં ઉલ્લેખ થયો છે. આ ઉપરાંત, અહીં ઉલ્લેખાયેલા દેવલોકના ૩ ભવોની કથા સાથે નળદમયંતીના કુલ ૭ ભવોની કથા આપણને મળે છે. કથાવસ્તુ માટે કવિએ હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’નો આધાર લીધો છે. તેમાં ભીમ રાજાએ મોકલેલો બ્રાહ્મણ નળદમયંતીની કથાનું નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે ‘નલ-વિલાસ-નાટક’ આધારિત ઘટના આપણને માત્ર ઋષિવર્ધનના આ ગુજરાતી રાસમાં જ મળે છે. બીજી બાજુથી નળના દૂત તરીકે કામ કરતા હંસના વૃત્તાંતનો સદંતર અભાવ પણ ધ્યાન ખેંચે છે. નળરાજાની બહેન નવરંગ ચૂંદડી ઓઢી લૂણ ઉતારે છે, સુખમાં જીવન પસાર કરતાં નળદમયંતીને પિતા નિષધદેવ દેવલોકમાંથી આવી કેટલીક સચોટ શિખામણ આપે છે વગેરે કેટલીક નાની વીગતો આ કાવ્યમાં નવી મળે છે. તેમાં સમયનું પ્રતિબિંબ ઝીલવાની કે જીવનબોધ આપવાની કવિની વૃત્તિ દેખાય છે. છેલ્લા ભવમાં દમયંતી ગૃહસ્થજીવનમાં જ કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવે છે, એ વાત પણ ધ્યાનાર્હ છે. કદની દૃષ્ટિએ નાના આ રાસમાં કવિને પાત્ર, પ્રસંગ કે રસના નિરૂપણમાં ઝડપ રાખવી પડી છે તેમ છતાં દમયંતીનું રૂપસૌંદર્ય, નળનો જન્મમહોત્સવ, નળ અને દધિપર્ણે પરસ્પર વિદ્યાઓનો કરેલો વિનિયમ અને નળની કસોટીઓ વગેરેના વર્ણનમાં કવિ કેટલોક કાવ્યગુણ લાવી શક્યા છે. એકંદર કવિનું વક્તવ્ય સચોટ અને લાઘવયુક્ત રહ્યું છે એ પણ લાભ છે. [શ્ર.ત્રિ.]