ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમાનંદ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમાનંદ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર શિરોમણિ. વાર, તિથિ, માસ, વરસના મેળની દૃષ્ટિએ નિશ્ચિતપણે પ્રેમાનંદની વહેલામાં વહેલી કૃતિ ‘મદાલસા-આખ્યાન’ ઈ.૧૬૭૨ની છે અને છેલ્લામાં છેલ્લી ‘રણયજ્ઞ’ ઈ.૧૬૯૦ની છે. ‘સ્વર્ગનિસરણી’ની રચનાસાલ નથી મળતી, પરંતુ કૃતિને અંતે કવિએ કરેલા ઉલ્લેખ પરથી એ કવિની સૌથી પહેલી રચના છે. એટલે ‘મદાલસા-આખ્યાન’ પૂર્વે કવિએ કેટલુંક સર્જન કર્યું હોય એ સંભવિત છે. સંભવત: કવિના અવસાનને કારણે અધૂરો રહેલો ‘દશમસ્કંધ’ રચનાની પ્રૌઢિ જોતાં ‘રણયજ્ઞ’ પછી રચાયો લાગે છે. આ પ્રમાણોને આધારે કવિનો જીનકાળ ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ હોવાનું કહી શકાય. કવિની કૃતિઓને અંતે મળતી વીગતોને આધારે કવિના જીવન વિશે આટલી માહિતી તારવી શકાય છે : પિતાનું નામ કૃષ્ણરામ. અવટંક ભટ્ટ. જ્ઞાતિએ મેવાડા ચોવીસા (ચતુર્વિંશી) બ્રાહ્મણ. વતન વડોદરા. ઉદરનિમિત્તે આખ્યાનોની રચના અને આખ્યાનો રજૂ કરવા માટે સુરત, નંદરબાર કે નંદાવતી અને બુરહનપુર સુધી પ્રવાસ. નંદરબારના દેસાઈ શંકરદાસ કવિની રચનાના ખાસ કદરદાન હોવાની સંભાવના છે. કવિ કૃષ્ણ અને રામ બંનેના ભક્ત હોવાની શક્યતા છે, અને જીવનનાં પાછળનાં વર્ષોમાં ઉદરનિમિત્તે કાવ્યરચના કરવાને બદલે સ્વેચ્છાસર્જન, ઇષ્ટદેવોવિષયક ગાન તરફ વળ્યા હોય. ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’ અને ‘પ્રાચીન કાવ્યમાળા’માં હરગોવિંદદાસ કાંટાવાળાએ કવિના જીવન વિશે વહેતી કરેલી અવનવી વાતો-૧. ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યાં સુધી પાઘડી ન પહેરવાનો કવિએ કરેલો સંકલ્પ; ૨. સંસ્કૃત-ફારસી આદિ ભાષાઓની કવિતાથી સરસાઈ કરે તેવી રચના કરવા પર કે ૧૦૦ શિષ્ય-શિષ્યાઓના મંડળની કવિએ કરેલી સ્થાપના; ૩. કવિએ આખ્યાનો ઉપરાંત નાટકોની કરેલી રચના તથા ૪. કવિને અને તેમના પુત્ર વલ્લભને કવિ શામળ સાથે થયેલો ઝઘડો-બધી જ આજે નિરધાર સાબિત થઈ ચૂકી છે. નર્મદે જાતતપાસ પરથી કવિના જીવન વિશે મેળવેલી હકીકતો પણ શ્રદ્ધેય લાગતી નથી. અસંદિગ્ધ રીતે કવિની જ ગણાતી હોય એવી કૃતિઓમાં ‘પાંડવોની ભાંજગડ’ સિવાયની કવિની બધી કૃતિઓ મુદ્રિત રૂપે ઉપલબ્ધ છે. નરસિંહમાં પદમાળા રૂપે શરૂ થયેલો આખ્યાનકાવ્યપ્રકાર ભાલણ, નાકર આદિના હાથે વિકસી સ્થિર થતો ગયો અને પ્રેમાનંદમાં પરાકાષ્ટાએ પહોંચ્યો. પ્રેમાનંદને પ્રજામાં લોકપ્રિય થયેલી સમૃદ્ધ આખ્યાનપરંપરાનો પૂરેપૂરો લાભ મળ્યો. અગાઉની રચનાઓમાંથી ઉક્તિઓ, અલંકારો, ધ્રુવપંક્તિઓ, દૃષ્ટાંત, પ્રસંગ, આખું કડવું થોડા ફેરફારથી તેઓ અપનાવે છે. માણભટ્ટો દ્વારા રજૂ થતી કથાઓ અંગે આવા અપહરણનો છોછ હોય એમ લાગતું નથી. નવા રચનાકારને હાથે એવા ઉછીના અંશોનું શું થાય છે એ કલાદૃષ્ટિએ તો મહત્ત્વનું છે. પ્રેમાનંદ આખ્યાનપરંપરાના વારસામાંથી જે કથાબીજો કે નાની વીગતો પણ સ્વીકારે છે તે એમના પ્રતિભા સંસ્પર્શે જીવંત થઈ જાય છે. એમનાં આખ્યાનોનું વસ્તુ રામાયણ, મહાભારત, ભાગવત કે બે સૈકા પૂર્વે થઈ ગયેલા નરસિંહ મહેતાના જીવનમાંથી લીધેલું છે, ઉત્પાદિત નથી. મૂળ સંસ્કૃત કથાનકોનો પણ એમને પરિચય છે. વર્ણનોની સમૃદ્ધિ અને એમની સરળ ભાષામાં પણ ઝળક્યા કરતી સંસ્કૃતની શ્રી એ પંડિત છે - મોટા કવિને હોવાની જોઈએ એટલી જાણકારી ધરાવનારા છે - તેની ચાડી ખાય છે. પણ પ્રેમાનંદની રચનાઓ સૌથી જુદી તરી આવે છે તે તો એ રસૈકલક્ષી છે તેને કારણે. એમનું રસૈકલક્ષી કવિકર્મ પ્રતીત થાય છે કથાકથનકૌશલ, મનુષ્યસ્વભાવનિરૂપણ અને બાની દ્વારા. કવિનાં પ્રારંભકાળનાં આખ્યાનોનો બંધ કંઈક શિથિલ ને પ્રસ્તારી છે, તો પણ કવિની કથાગૂંથણી ને નિરૂપણની શક્તિ એમાં અછતી રહેતી નથી. ૫૧ કડવાંના ‘અભિમન્યુ-આખ્યાન’(ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, શ્રાવણ સુદ ૨)માં પ્રારંભનાં ૧૩ કડવામાં અભિમન્યુના અહિલોચન અસુર તરીકેની પૂર્વભવની કથા આલેખી કૃષ્ણના અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ થયો છે. પછી ૨૪ કડવાંમાં અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો ભાગ ગુજરાતી વ્યવહારોને આલેખતો, પાત્રોને ગુજરાતી માનસથી રંગતો કંઈક પ્રસ્તારવાળો છે. અંતિમ ૧૪ કડવામાં વીર, રૌદ્ર ને બીભત્સના મિશ્રણવાળું યુદ્ધવર્ણન છે. વેશધારી વૃદ્ધ શુક્રાચાર્યનું સ્વભાવોક્તિયુક્ત વર્ણન અને શુક્રાચાર્યવેશી કૃષ્ણ અને અહિલોચન વચ્ચેના સંવાદની નાટ્યાત્મકતા કૃતિના આસ્વાદ્ય અંશો છે. ૨૮ કડવાંના ભગવાનની ભક્તવત્સલતાનો મહિમા કરતા અદ્ભુત રસવાળા ‘ચંદ્રહાસાખ્યાન’(ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, જેઠ સુદ ૭, સોમવાર)માં ૧૧, ૭, ૧૦ એ રીતે થયેલું કડવાંનું વિભાજન નાયકના ત્રણ વાર થયેલા રક્ષણની ચમત્કૃતિઓવાળું હોઈ રસમય નીવડે છે. વિષયા સૂતેલા ચંદ્રહાસને જોઈ આગળ વધે છે એ પ્રસંગનિરૂપણમાં આજની સિનેમાની પદ્ધતિની યાદ અપાવે એ રીતે જાણે કે કેમેરાથી એક પછી એક ક્ષણનું દૃશ્ય કવિ ઝડપે છે. ત્યાં ગતિશીલ ચિત્રો શબ્દબદ્ધ કરવાની કવિની ફાવટ નજરે તરી આવે છે. વીર અને અદ્ભુત રસવાળા ૩૫ કડવાંના ‘મદાલસા-આખ્યાન’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, ચૈત્ર વદ ૫, રવિવાર)ના પ્રારંભનાં ૨૧ કડવામાં ઋતુધ્વજ તાલકેતુ દાનવની હત્યા કરી મદાલસા સાથે લગ્ન કરે છે તેની કથા અને બાકીનાં કડવાંમાં તાલકેતુનો ભાઈ પાતાલકેતુ કેવી યુક્તિથી મદાલસાને આત્મહત્યા કરવા માટે પ્રેરે છે અને પછી ઋતુધ્વજ મૃત્યુ પામેલી મદાલસાને ચંદ્ર અને ચૂડામણિ નાગની સહાયથી કેવી રીતે સજીવન કરે છે એની કથા છે. આ કૃતિ તથા ભગવાને વામનરૂપ લઈ બલિરાજાના બળને હર્યું એ પ્રસંગને આલેખતું ‘વામન-ચરિત્ર/કથા’ ઝાઝી રસાવહ ન બનતી કવિની મધ્યમકોટિની રચનાઓ છે. ઓખા-અનિરુદ્ધના પ્રેમ અને પરિણયની કથા આલેખતું પ્રેમશૌર્ય અંકિત ૨૯ કડવાંનું ‘ઓખાહરણ’(સંભવત: ર.ઈ.૧૬૬૭) કવિનું પ્રારંભકાળનું આખ્યાન એમાં મળતાં રચનાસમય પરથી કહી શકાય, પરંતુ એમાં થયેલું શૃંગાર અને વીરનું નિરૂપણ ઉત્કૃષ્ટ છે. કવિનાં આખ્યાનોમાં વખતોવખત આવતાં યુદ્ધવર્ણનોમાં આ આખ્યાનમાં થયેલું યુદ્ધવર્ણન ઉત્તમ છે. એમાં જોવા મળતી શૈલીની પ્રૌઢિ, એકાદ પંક્તિમાં સુરેખ ચિત્ર આંકી દેવાની કવિની શક્તિ આ કૃતિને છેક આરંભકાળની ન લેખવાના વલણને ટેકો આપે. પરંતુ આખી કાવ્યકૃતિ દૃઢબંધથી દીપતી હોય એ તો જોવા મળે છે કવિનાં ‘હૂંડી’, ‘મામેરું’, ‘સુદામા-ચરિત્ર’ અને ‘નળાખ્યાન’ એ ૪ આખ્યાનોમાં. સીધા લક્ષ્ય પ્રતિ આગળ વધવાનો કવિના કથાનિરૂપણનો ગુણ આ આખ્યાનોમાં પૂરેપૂરો ખીલી ઊઠ્યો છે. આ કૃતિઓમાં થોડી લીટીઓ પણ વધારાની નથી. એમાં નરસિંહના જીવનમાં બનેલા હૂંડીના પ્રસંગને વર્ણવતું ૭ કડવાંનું ‘હૂંડી’(ર.ઈ.૧૬૭૭) રત્નસમાણી કૃતિ છે. આરંભમાં નિરૂપાયેલી નરસિંહ મહેતાની નિ:સ્વતા અને એમની ન-કાળજા વણજની ખુમારી અંતભાગમાં આલેખાયેલી દામોદર દોશીની જાજ્વલ્યમાન ઉપસ્થિતિ અને એમની ભક્ત પ્રત્યેની કહો કે તાબેદારી એકમેકનાં પૂરક બનીને કાવ્યને ઓપાવે છે. બીજું અને ચોથું કડવું પદ તરીકે મૂકીને સહજસૂઝથી કવિએ કૃતિમાં તે તે ક્ષણે અવકાશ સર્જ્યો છે, જેમાં નરસિંહ અને શ્રીકૃષ્ણ વચ્ચેના સંબંધની વિભુતા વિસ્તરી રહે છે. નરસિંહજીવનવિષયક બીજી કૃતિ ૧૬ કડવાંનું ‘મામેરું’(ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર) કવિની અનવદ્ય હૃદ્ય રચના છે. કૃતિનું મંડાણ છે કુંવરબાઈના માધ્યમ દ્વારા ઉપસતા લૌકિક મૂલ્ય ‘ઇજ્જત’ વિરુદ્ધ નરસિંહની હસ્તીમાંથી ફોરતા અધ્યાત્મમૂલ્ય ‘વિશ્વાસ’ એ બંનેના સંઘર્ષના પાયા ઉપર. શ્રદ્ધા, આસ્થા, માન્યતા, પ્રતીતિ એવા ભારેખમ શબ્દને બદલે ‘વિશ્વાસ’ (ઇશ્વરમાં યકીન) શબ્દ કવિએ આ કૃતિમાં નવેક વાર વાપર્યો છે. પ્રભુનિષ્ઠ વ્યક્તિની ઇજ્જતના લીરેલીરા, નાગરાણીઓ દ્વારા થતી ઠેકડીઓમાં, ઊડતા આલેખાયા છે. દુનિયાદારીમાં ડૂબેલાં રહેતાં લોકોની ઉપહસનીયતા, એમની આંતર કંગાલિયત પણ સચોટ સુરેખ વ્યક્ત થઈ છે. ૧૪ કડવાંનું ‘સુદામા-ચરિત્ર’(૨.ઈ.૧૬૮૨/સં.૧૭૩૮, શ્રાવણ સુદ ૩, મંગળવાર/શુક્રવાર) પણ કવિની કથનકલાની સુચારુ રચના છે. નરસિંહવિષયક બંને કૃતિઓમાં ભક્ત ભારે ગૌરવવંતો છે, જ્યારે સુદામો એકંદરે વામણો ઊતરે છે. આરંભનાં ૫, અંતે નિર્વહણનાં ૩ અને મધ્યનાં દ્વારકામાં સુદામો પ્રવેશ્યા ને ત્યાંથી નીકળ્યા તેનાં ૬ કડવાં કૃતિને સંઘેડાઉતાર ઘાટ આપે છે. વચલો દ્વારકાનો ખંડ ‘મિત્ર’ મોહન સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે અને એટલોક સમય સુદામાની વિશુદ્ધ વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ આપે છે. સુદામા અંગેની મુશ્કેલી કદાચ ભાગવતમાં જ છે. એ ક્રિયાશીલ પાત્ર નથી. એટલે એને પ્રતિક્રિયા જ પ્રકટ કરવાની રહે છે. કવિની નજર પ્રસંગઆલેખન પર વિશષ રહેતી હોવાને લીધે, ક્ષણેક્ષણે બદલાતા ચિત્રને ઝડપવા ઉપર કવિનું બધું ધ્યાન કેન્દ્રિત થયું હોવાને લીધે ક્યારેક તેઓ પાત્રને અન્યાય કરી બેસે છે. ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’ એવું સુદામા પાસે કવિ બોલાવે છે ત્યાં એ જોવા મળે છે. સુદામાની કફોડી સ્થિતિને ઉઠાવ આપવા જતાં કૃષ્ણ-સુદામાના સંબંધની સારીય મીઠાશ એમાંથી ઊડી જાય છે. ૬૪ કડવાંનું કરુણ, હાસ્ય ને શૃંગારનું કવિનું મહત્ત્વાકાંક્ષી ‘નળાખ્યાન’(ર.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨ પોષ સુદ ૨, ગુરુવાર) સપ્રમાણ કૃતિ છે. પહેલો ખંડ ૩૦ કડવાંનો, ‘મોસાળ પધારો રે’ ગીતથી શરૂ થતો ૨૦ કડવાંનો બીજો ખંડ અને ૧૪ કડવાંનો નિર્વહણનો ખંડ અનવદ્ય આકૃતિ રચે છે. પ્રારંભિક ખંડમાં નળ-દમયંતીના લગ્નની કથા આલેખી શૃંગારની જમાવટ કરી કવિ કામ કાઢી લે છે. શૃંગારની વિડંબનાના પ્રસંગો ઊભા થાય છે ત્યાં હાસ્ય નિષ્પન્ન કર્યું છે - સ્વયંવરમાં દેવોની અને બીજા ‘સ્વયંવર’ વખતે ઋતુપુર્ણની દમયંતીને વરવાની લોલુપતાના પ્રસંગોએ. દમયંતીના રૂપથી લુબ્ધ વિવાહલોલુપ દેવો અને કલિને કારણે, કલિની દુષ્ટતાને લીધે તો દેવદીધા ‘અમ્રત સ્રાવિયા કર’ના વરદાન દ્વારા પણ, દમયંતીના જીવનની ગાઢ કરુણતા નીપજે છે. તો બીજા રૂપલુબ્ધ ઋતુપર્ણ (જે પણ દેવોની જેમ પૂર્ણ હાસ્યાસ્પદ નીવડે છે) દ્વારા એ કરુણતામાંથી બહાર નીકળવાની સંધિ રચાય છે. અને પરસ્પરની આસ્થા પર અવલંબતા દમયંતીભાવમાં રૂપનું કેટલું સ્થાન છે એ ‘નથી રૂપનું કામ રે ભૂપ મારા’ એ બાહુક આગળ દમયંતીએ ઉચ્ચારેલા પ્રતીતિવચનથી વ્યક્ત થાય છે. પરિણામે કૃતિમાં એકંદરે હાસ્ય કે શૃંગારની ઉપરવટ કરુણરસની પ્રધાનતા જામે છે. સામાન્ય રીતે જાતિચિત્રો બનતાં કવિનાં પાત્રોમાં અહીં દમયંતીનું પાત્ર વૈયક્તિક રેખાઓવાળું બન્યું છે. દમયંતીના ગૌરવયુક્ત વર્તન સામે નળને ક્યારેક હીણું વર્તન કરી બેસતો કવિએ બતાવ્યો છે ત્યાં પણ કથાપ્રસંગને રસિક રીતે ઉપસાવવા જતાં કવિ આમ કરી બેઠાં છે. અન્યથા પ્રસંગનિરૂપણ, રસપલટા, વર્ણન, શૈલીલહેકા કે લય એમ દરેક રીતે ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કૃતિમાં થાય છે. વીરરસનું આલેખન કવિએ એમનાં ઘણાં આખ્યાનોમાં કર્યું છે, પરંતુ કવિએ પોતાની શક્તિ રેડી છે તે તો શૃંગાર, કરુણ અને હાસ્યમાં. એમની આ ઉત્તમ રચનાઓમાં એ પૂરેપૂરી પ્રગટ થઈ છે. હાસ્યસૂઝ પ્રેમાનંદ જેટલી બહુ ઓછા ગુજરાતી કવિઓએ બતાવી છે. કવિની જનસ્વભાવની જાણકારી એવી ઊંડી છે, એમનું સંસારદર્શન એવું વસ્તુલક્ષી અને વ્યાપક છે કે પ્રસંગ અને પાત્રો અંગેની વિવિધ વીગતોના પરસ્પર સંબંધમાં રહેલી ઉપહસનીયતા એ પકડ્યા વગર રહેતા નથી. એટલે પરિસ્થિતિમાં હાસ્યની, વિનોદની, નર્મમર્મની શક્યતા હોય અને પ્રેમાનંદ એ ચૂકે એ કદી બને નહીં. ‘મામેરું’, ‘સુદામાચરિત્ર’ અને ‘નળાખ્યાન’માં કવિની હાસ્યશક્તિનો ઉત્તમ પરિચય થાય છે. કવિનાં ઉત્તરકાળનાં બે આખ્યાનો ‘રણયજ્ઞ’  અને ‘દશમસ્કંધ’ ધ્યાનપાત્ર છે. રામ-રાવણ વચ્ચેના યુદ્ધની કથાને આલેખતું ૨૬ કડવાંનું ‘રણયજ્ઞ’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, ચૈત્ર સુદ ૨, રવિવાર) રામ અને રાવણનાં સેનાપતિઓ અને સૈન્યની વીગતે માહિતી આપવાને લીધે કંઈક મંદ કથાવેગવાળું છે, તો પણ રામનાં બાણ રાવણનો પીછો પકડે છે એનું આલેખન કરતું ઊર્જિતના સ્પર્શવાળું ચિત્ર તથા મંદોદરી-રાવણ અને રાવણ-કુંભકર્ણ વચ્ચેના સંવાદોમાં યુદ્ધની પડછે આલેખાતું માનવસંવેદન એના આકર્ષક અંશો છે. કવિનો ૫૩મા અધ્યાયે અને ૧૬૫ કડવે અધૂરો રહેલો ‘દશમસ્કંધ’ભાગવતના દશમસ્કંધની મૂળ કથાને અનુસરવાના સંકલ્પ સાથે રચાયેલો હોવા છતાં કવિએ પોતાની અન્ય રચનાઓની જેમ અહીં પણ પ્રસંગનિરૂપણ, પાત્રાલેખન ને વર્ણનમાં ફેરફાર કર્યા છે. તેથી એ માનવભાવથી રસેલું, વચ્ચે વચ્ચે ઊર્મિકોથી ઓપતી ઓછેવત્તે અંશે રસપ્રદ એવાં કથાનકોની માલારૂપ બની રહે છે. ભાગવતનાં પાત્રો દિવ્યતાની છાલકથી ભીંજાયેલાં છે, પરંતુ અહીં એ વખતો-વખત પ્રાકૃત વર્તન કરતાં દેખાય છે. નારદ અને બ્રહ્માનું વર્તન એના નમૂના છે. ભાગવતની કથામાં રહેલા અદ્ભુતના તત્ત્વને અહીં કવિએ વધારે બહેલાવ્યું છે, એટલે કૃષ્ણનાં પરાક્રમો પાછળ વીરત્વને બદલે ચમત્કાર આગળ તરી આવે છે. તેમ છતાં ‘દશમસ્કંધ’નો મુખ્ય રસ તો વાત્સલ્ય અને વાત્સલ્યજનિત કરુણ જ છે. પ્રારંભનો દેવકીવિલાપ,કૃષ્ણ ધરામાં ઝંપલાવે છે ત્યારનો જસોદાવિલાપ અને વ્રજવાસીઓના પ્રેમભક્તિ પર આધારિત કરુણ એનાં ઉત્તમ નિદર્શનો છે. ઉત્તર વયે રચાયેલી આ કૃતિમાં કવિની પ્રૌઢ શૈલીથી સમગ્ર કથાપટને આગવો ઉઠાવ મળ્યો છે. સુધન્વા અને અર્જુન વચ્ચેના યુદ્ધની કથાને આલેખતું સાચા ભક્તની ભક્તિનો મહિમા કરતું વીર અને અદ્ભુત રસવાળું ૨૫ કડવાંનું ‘સુધન્વા-આખ્યાન’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, કારતક સુદ ૯, મંગળવાર/શુક્રવાર) તથા પહેલાં ૨૨ કડવાંમાં પ્રહ્લાદચરિત્ર, બીજાં ૨ કડવાંમાં ધર્મ-નારદ સંવાદ દ્વારા વર્ણાશ્રમધર્મ, વિપ્રધર્મ, સંન્યાસીના ધર્મ અને ગૃહસ્થાશ્રમધર્મ વર્ણવતું શિથિલ સંઘટનવાળું ૧૫ અધ્યાય ને ૨૮ કડવાનું ‘સપ્તમસ્કંધ/પ્રહ્લાદ-ચરિત્ર’ કવિનાં અન્ય આખ્યાન છે. મનુષ્યસ્વભાવનિરૂપણ કવિનાં આખ્યાનોને સજીવતા અર્પે છે. બાહ્ય જગતના ચિત્રણ કરતાં પણ માનવીના આંતરમનને વ્યક્ત કરવામાં પ્રેમાનંદ વધુ પાવરધા છે. સમાજનું વાસ્તવિક આલેખન એ કરે છે પણ એ બધામાં ગૂંથાયેલી માનવલાગણીને ઉઠાવ આપવાનું એમનું લક્ષ્ય હોય છે. ક્યારેક તો સમાજ કાવ્યરચનાના આયનામાં પોતાનું પ્રતિબિંબ નિહાળી શકે એવી પ્રેમાનંદની સૃષ્ટિ જાણે કે બની જતી ન હોય ! ‘મામેરું’માં સમાજવ્યવહારની - નણદી, સાસુ, વડસાસુ તો ઠીક સારાયે નાગરાણીસમૂહની નિર્મમ ઠેકડીની છોળો ઊડે છે અને અંતભાગમાં તે બધાની પામર લોલુપતાના-ગૃધિષ્ણુતાના પણ વાવટા ફરકતા નિરૂપાયા છે, પણ એ બધાની વચ્ચે હૃદયને શારી નાખે એવાં દાઢમાંથી બોલાયેલાં કટાક્ષવચન તો વેદ ભણનાર પુરોહિતના મુખમાં મુકાયાં છે : “જુઓ છાબમાં, મૂકી શોર, ઓ નીસરી કમખાની કોર.” આવાં અનેક દૃષ્ટાંત એમનાં આખ્યાનોમાં મળી આવશે. પ્રેમાનંદના આખ્યાનોમાં માનવલાગણી રસરૂપે અનુભવાય છે. એ એમનું સંબલ છે. માત્ર પ્રસંગને બહેલાવવા જતાં પાત્રો જ્યારે માનવીયતા ચૂકી જાય છે ત્યારે પાત્રને અન્યાય થઈ જાય છે. પ્રેમાનંદનું ગુજરાતીપણું ઊણપ કે મર્યાદારૂપે જોવાય છે તે બરોબર નથી. ગુજરાતીપણું પ્રેમાનંદમાં સોળે કળાએ ખીલેલું જોવા મળે છે તે બે બાબતમાં. ગુજરાતી સમાજને એ તારતાર ઓળખે છે. જવલ્લે જ કોઈ કવિની કૃતિઓ પ્રેમાનંદમાં પ્રતીત થાય છે એટલી આત્મીયતાપૂર્વક સમાજથી ઓતપ્રોત જોવા મળે છે. ‘મામેરું’ એમની એ શક્તિનું શિખર છે. પણ એમની કોઈ એવી કૃતિ નથી જેમાં એનો ગાઢ સંસ્પર્શ ન હોય. ગુજરાતીપણાનો એવો જ સઘન અનુભવ થાય છે એમની ભાષામાં. કોઈ કવિની કાવ્યબાની ભાષાના પર્યાયરૂપ બને અને લાંબા સમય સુધી રહે એવું ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. પ્રેમાનંદ અંગે એવું બન્યાનું કહેવામાં ભાગ્યે જ અતિશયોક્તિ થશે. પ્રેમાનંદની ભાષા સરળ છે, પણ પ્રૌઢ છે. સુગમ છે, પણ માર્મિક છે. તળપદી છે ત્યાં સુચારુ છે. ક્યાંક દુરૂહ છે ત્યાં રસઓધમાં તાણી જનારી છે. માણસના મુખમાં રમતી ગુજરાતીને લાગણીનાં ઊંડાણો સાથે તેઓ સહજ રીતે ને ઔચિત્યપૂર્વક યોજે છે. સંસ્કૃત શબ્દો દ્વારા રોજિંદી વસ્તુ પર અપરિચિતતાના અવગુંઠનનું આકર્ષણ ઉમેરે છે, જરૂર પડ્યે ફારસી શબ્દો છૂટથી પ્રયોજે છે, વખતોવખત “ત્રુટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી સુંદરી, સડ્યાં સરખાં છોકરાં તે ન મળ્યાં મુજને ફરી.” જેવા લયતત્ત્વથી અર્થપ્રભાવ ઊભો કરે છે, લાગણી સઘન બને ત્યારે કવિ કડવાને પદની ઊર્મિગીતની કોટિએ પહોંચાડે છે કે ટૂંકા સંવાદોથી કથામાં નાટ્યાત્મક અસર ઊભી કરે છે. એમ વિવિધ રીતે કવિએ ભાષાની શક્તિનો કસ કાઢ્યો છે. નરસિંહજીવનવિષયક હાસ્ય અને અદ્ભુત રસવાળું ૩૬ કડવાંનું ‘(શામળશાનો) વિવાહ’ તથા ૨૫ કડવાનું ‘શ્રાદ્ધ’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, ભાદરવા વદ ૩, મંગળવાર/શુક્રવાર) અને ૨૫ કડવાંનું ‘રુક્મિણીહરણ’ - એ આખ્યાનો આંતરપ્રમાણોને લક્ષમાં લઈએ તો પ્રેમાનંદનાં માનવાં મુશ્કેલ પડે. ‘શ્રાદ્ધ’ એક કાવ્યરચના તરીકે બધી રીતે નરસિંહ મહેતાવિષયક ઉત્તમોત્તમ કૃતિ ‘મામેરું’ કે ‘હૂંડી’થી ઘણીઘણી દૂર છે. ‘વિવાહ’નું અણઘડપણું એક જ વીગતથી પ્રગટ થાય છે. ‘ય’ જોડીને કરેલા પ્રાસની સંખ્યા ૩૬ કડવાંમાં ૫૦ કરતાં વધારે વાર મળશે, જેમાંથી કોઈક જ અર્થદૃષ્ટિએ જરૂરી છે. ‘જૈ ય’ - ‘થૈ ય’ અને ‘હા ય ’ - ‘ના’ ય જેવા પ્રાસ રચનાકારને કાન જ નથી તેની ગવાહી પૂરે છે. કવિના ‘દશમસ્કંધ’નાં રુક્મિણી-વિવાહનાં ૨૦ કડવાં અને ‘રુક્મિણીહરણ’ની ઇબારત વચ્ચે ઘણો ફરક છે. આખ્યાનો સિવાય પ્રેમાનંદે કેટલીક લઘુ કાવ્યકૃતિઓ રચી છે. સંસારી સુખમાં મસ્ત મનુષ્યને ભોગવવી પડતી નરકની યાતનાઓ અને પુણ્યશાળી મનુષ્યનાં પુણ્યકર્મોને વર્ણવતી ૭૩ કડીની ‘સ્વર્ગની નિસરણી’, ૮૭ કડીનું રૂપકકાવ્ય ‘વિવેકવણઝારો’, ‘કૃષ્ણજન્મના પ્રસંગને વિસ્તારથી અને કૃષ્ણની ગોકળલીલાના પ્રસંગોને સંક્ષેપમાં વર્ણવતી ૧૬૩ કડીની ‘બાળલીલા’, ભાગવતના દાણલીલાના પ્રસંગને કૃષ્ણ-ગોપીના સંવાદ રૂપે આલેખતી ૧૬ પદની ‘દાણલીલા’, ઉદ્ધવ અને ગોપી-નંદ-જસોદા વચ્ચે થતા સંવાદ રૂપે રચેયાલી ૨૫ પદની ‘ભ્રમર-પચીશી’ તથા ચૈત્રથી ફાગણ સુધીના બારમાસમાં રાધાના વિરહને આલેખતી રચના ‘મહિના-રાધાવિરહના’ તથા ‘વિષ્ણુસહસ્રનામ’, ‘ફુવડ સ્ત્રીનો ફજેતો’ અને ‘પાંડવોની ભાંજગડ’ આ પ્રકારની છે. ‘રુક્મિણીનો શલોકો’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, વૈશાખ વદ ૧૨, ગુરુવાર) ગામડાંમાં ગવાતા સામાન્ય શલોકા જેટલો પણ પ્રવાહી કે રસાળ કે એના કોઈ પણ અંશમાં વાગ્વૈચિત્ર્ય ધરાવનારો નથી. એટલે એ પ્રેમાનંદની કૃતિ હોય એવી સંભાવના નહિવત્ છે. પ્રેમાનંદની ઉપર્યુક્ત રચનાઓ સિવાય બીજી ઘણી કૃતિઓ એમને નામે મળે છે, જેમાં કેટલીક મુદ્રિત સ્વરૂપે છે. આ રચનાઓમાં પ્રેમાનંદને નામે છપાયેલી ને એકંદરે મધ્યકાલીન રચનાઓ જેવી પણ જેમની હસ્તપ્રતો ઉપલબ્ધ નથી થઈ તેવી રચનાઓ ‘લક્ષ્મણાહરણ’, ‘દ્રૌપદીસ્વયંવર’, ‘વિરાટપર્વ’ અને ‘નાસિકેતાખ્યાન’ છે. આ કૃતિઓની હસ્તપ્રત ઉપલબ્ધ થશે ત્યારે આંતરબાહ્ય પ્રમાણોથી એમને વિશે છેવટનો નિર્ણય થઈ શકશે. આવી મધ્યકાલીન જણાતી કેટલીક રચનાઓની હસ્તપ્રતો હવે ઉપલબ્ધ થઈ છે ત્યારે એ કૃતિઓ પ્રેમાનંદને બદલે બીજા મધ્યકાલીન કવિઓની ઠરી ચૂકી છે. વલ્લભભટ્ટકૃત ‘સુભદ્રાહરણ’, તુલસીકૃત ‘પાંડવાશ્વમેઘ’, વૈકુંઠકૃત ‘ભીષ્મપર્વ’, વિષ્ણુદાસકૃત ‘સભાપર્વ’ અને ભવાનીશંકર (અથવા ભાઈશંકર)કૃત ‘બભ્રુવાહન-આખ્યાન’ આ પ્રકારની કૃતિઓ છે. મૂળ નરસિંહની લેખાતી ‘હારમાળા’માં પ્રેમાનંદઅંકિત થોડાંક પદ મળે છે, પણ તે એકાધિક હસ્તપ્રતોના ટેકા વગરનાં હોઈ આ સંજોગોમાં પ્રેમાનંદના જ છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. પ્રેમાનંદને નામે મુદ્રિત પણ જેમની હસ્તપ્રતો સંપાદકો બતાવી શક્યા નથી તેવી, અર્વાચીન સમયમાં લખાયેલી ને પ્રેમાનંદને નામે ચડાવાયેલી, શંકાસ્પદ કૃતિઓ ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’, પ્રાચીનકાવ્યમાળા’, ‘બૃહત્કાવ્યદોહન’ તથા અન્યત્ર પ્રકાશિત થઈ છે. માર્કંડેય પુરાણનો ‘મદાલસા-આખ્યાન’ સિવાયનો ભાગ, ઉપરાંત તેમાંનાં ‘હરિશ્ચંદ્રાખ્યાન’ અને ‘દેવીચરિત્ર’, ‘ઋષ્યશૃંગાખ્યાન’, ‘દ્રૌપદીહરણ’, ‘અષ્ટાવક્રાખ્યાન’, ‘માંધાતાખ્યાન’, ‘શામળશાનો મોટો વિવાહ’ અને ત્રણ નાટકો - ‘સત્યભામા-રોષદર્શિકાખ્યાન’, ‘પાંચાલીપ્રસન્નાખ્યાન’, ‘તપત્યાખ્યાન’ આ જાતની કૃતિઓ છે. પ્રહેલિકા, ઝડઝમક, ચિત્રપ્રબંધ, આદિ પ્રેમાનંદમાં ન મળતી નીરસ કથારમતોવાળી ક્યાંક ખુલ્લા શૃંગાર અને અપરસવાળી આ કૃતિઓ છે. ઉપરાંત અર્વાચીન શબ્દપ્રયોગો, કહેવતો, સંદર્ભો, વિચાર આદિને કારણે કોઈ અર્વાચીન લેખક (સંભવ છે કે મુખ્યત્વે છોટાલાલ નં. ભટ્ટ જેવા)ની આ રચનાઓ છે અને ૧૯મી સદીના અંતભાગના એક સાહિત્યિક તરકટ રૂપ છે એ હવે સર્વસ્વીકૃત છે. પ્રેમાનંદને નામે ગણાવાતી પણ જે ન તો પ્રકાશિત થઈ છે કે ન જેમની હસ્તપ્રત પણ લભ્ય છે તેવી, માત્ર નામથી ઉલ્લેખાતી, કૃતિઓ આટલી છે : ‘ડાંગવાખ્યાન’, ‘સંપૂર્ણભાગવત’, ‘મહાભારત’, ‘રેવાખ્યાન’, ‘અશ્વમેઘ’, ‘વલ્લભઝઘડો’, ‘નરકાસુર-આખ્યાન’, ‘કર્ણચરિત્ર’, ‘ભીષ્મચરિત્ર’, ‘લોપામુદ્રાખ્યાન’, ‘સુદર્શનાખ્યાન’, ‘રઘુવંશનું ભાષાંતર’, ‘ભીષ્મચંપુ’, ‘દુષ્ટભાર્યાનાટક’, ‘શુકજનકસંવાદ’, ‘ત્રિપુરવધાખ્યાન’, ‘નાનું પ્રહ્લાદાખ્યાન, ‘નાગરનિંદા’, ‘કપિલ-ગીતા’, ‘મિથ્યાઆરોપદર્શક નાટક’, ‘યમદેવાખ્યાન’, ‘હરિવંશ(અપૂર્ણ)’ વગેરે. એમાંથી કોઈની હસ્તપ્રત ઉપલબ્ધ થાય ત્યારે એના પ્રેમાનંદકર્તૃત્વને પ્રમાણોથી ચકાસવાનું રહે. પ્રેમાનંદનું ‘પદબંધ પ્રીતિવિહોણું’ નથી. એમનું કાવ્યલેખન એ ભરપૂર ઉલ્લાસથી ઉમળકાથી થયેલું સૃજનકાર્ય છે. તેઓ રસૈકલક્ષિતાને લીધે પ્રજાજીવનના મૂળમાં સંજીવની સીંચનાર કવિ છે. ગુજરાતનું હૃદય આર્દ્ર રાખવામાં પ્રેમાનંદનો ફાળો સારો એવો છે એમ કહી શકાય. કૃતિ : ૧. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ : ૧, ૨, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૭૮, ઈ.૧૯૭૯ (+સં.); ૨. પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન (ચંદ્રહાસ, સુધન્વા અને અભિમન્યુ), સં. કે. કા. શાસ્ત્રી અને ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૬૦  ૩. ઓખાહરણ, ગજેન્દ્ર લા. પંડ્યા (ત્રીજી આ.), ઈ.૧૯૬૪; ૪. એજન (સચિત્ર), સં. મણિલાલ પ્ર. વ્યાસ, ઈ.૧૯૪૭; ૫. કુંવરબાઈનું મામેરું (અધિકૃતવાચના), સં. ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૬૨; ૬. એજન, સં. કાંતિલાલ બા. વ્યાસ અને ચિમનલાલ ત્રિવેદી, ઈ.૧૯૭૩ (બીજી આ.); ૭. ચંદ્રહાસાખ્યાન, સં. અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર, ઈ.૧૯૮૦ (+સં.); ૮. દશમસ્કંધ : ૧-૨, સં. ઉમાશંકર જોશી અને હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૬, ઈ.૧૯૭૧ (+સં.); ૯. નળાખ્યાન, સં. અનંતરાય રાવળ, ઈ.૧૯૭૮(છઠ્ઠું પુ.મુ.) (+સં.); ૧૦ એજન, સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧; ૧૧. રણયજ્ઞ, સં. ભાનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૮; ૧૨. એજન, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૪૯ (બીજી આ.); ૧૩. સુદામાચરિત્ર, સં. મધુસૂદન પારેખ અને જયંત કોઠારી, ઈ.૧૯૬૭ (+સં.);  ૧૪. કુંવરબાઈનું મામેરું (પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧ (પુ.મુ.); ૧૫. સુદામાચરિત (કવિ પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧ (પુ.મુ.); ૧૬. સુદામાચરિત (પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨;  ૧૭. પ્રાકાત્રૈમાસિક : ૧, ૪; ૧૮. પ્રાકામાળા : ૧, ૧૨, ૧૪, ૧૬થી ૨૦, ૨૬, ૩૦, ૩૩, ૩૪; ૧૯. પ્રાકાવિનોદ : ૧; ૨૦. પ્રાકાસુધા : ૧, ૨, ૪; ૨૧. બૃકાદોહન : ૧થી ૮;  ૨૨. સાહિત્ય, જાન્યુ. ૧૯૧૩થી નવે. ૧૯૧૪-‘મહાકવિ પ્રેમાનંદકૃત શામળશાનો મોટો વિવાહ’, સં. હ. દ્વા. કાંટાવાળા; ૨૩. એજન, મે ૧૯૧૫થી ડિસે. ૧૯૧૭-‘પ્રેમાનંદકૃત પાંડવાશ્વમેઘ’, સં. ભાનુસુખરામ નિ. મહેતા; ૨૪. એજન, જાન્યુ ૧૯૨૧થી ડિસે. ૧૯૨૨-‘વૈરાટપર્વ’, સં. ભાનુસુખરામ નિ. મહેતા; ૨૫. એજન, જાન્યુ. ૧૯૨૩થી મે ૧૯૨૩ - ‘પ્રેમાનંદકૃત ભીષ્મપર્વ’. સં. ભાનુસુખરામ નિ. મહેતા. સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ, વિષ્ણુપ્રસાદ જાની અને છોટાલાલ ન. ભટ્ટ, ઈ.૧૯૭૮; ૨. કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ, પ્રસન્ન ન. વકીલ, ઈ.૧૯૫૦; ૩. પ્રેમાનંદ : એક અધ્યયન (પૂર્વાર્ધ - ઉત્તરાર્ધ), કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૪ (બીજી આ.); ૪. મહાકવિ પ્રેમાનંદ ત્રિ-શતાબ્દી સ્મૃતિગ્રંથ, સં. મંજુલાલ ર. મજમુદાર અને અન્ય ઈ.૧૯૬૮; ૫. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૭;  ૬. આપણાં સાક્ષરરત્નો : ૨, ન્હાનાલાલ દ. કવિ, ઈ.૧૯૩૫ - ‘મહાકવિ પ્રેમાનંદ; ૭. ઉપક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૬૯ - ‘પ્રેમનંદ તત્કાલે અને આજે’; ૮. કવિચરિત : ૩; ૯. કાવ્યની શક્તિ, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૫૯ (બીજી આ.) - ‘પ્રેમાનંદનો હાસ્યરસ’, ‘મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન’; ૧૦. કુંવરબાઈનું મામેરું, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ.૧૯૮૨; ૧૧. ગુસાઇતિહાસ; ૧૨; ગુસાપઅહેવાલ : ૩ - પ્રેમાનંદનાં નાટકો, ન. ભો. દિવેટિયા; ૧૩. એજન : ૭ - ‘પ્રેમાનંદનાં નાટકોનું સૂક્ષ્મ પરીક્ષણ’, ગજેન્દ્ર લા. પંડ્યા; ૧૪. એજન : ૧૫ - ‘પ્રેમાનંદ : એકબે નવાં દૃષ્ટિબિંદુ’, પ્રસન્ન ન. વકીલ; ૧૬. ગુસામધ્ય; ૧૭. ગુસારૂપરેખા; ૧૮. ચિદ્ઘોષ, અમૃતલાલ યાજ્ઞિક, ઈ.૧૯૭૧ - ‘કવિ પ્રેમાનંદનાં નાટકો’; ૧૯. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩ - ‘પ્રેમાનંદ’, ૨૦. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧ - ‘પ્રેમાનંદની રસસમૃદ્ધિ’; ૨૧. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ.૧૯૭૫ની આવૃત્તિ ‘કવિચરિત્ર’; ૨૨. નવલગ્રંથાવલિ, નવલરામ પંડ્યા, ઈ.૧૯૬૬ (પુ. મુ.); ૨૩. પર્યેષણા, મનસુખલાલ ઝવેરી, ઈ.૧૯૫૩ - ‘પ્રેમાનંદ’, ‘ત્રણ ઓખાહરણો’; ૨૪. મનોમુકુર : ૩, ન. ભો. દિવેટિયા, ઈ.૧૯૩૭ - ‘પ્રેમાનંદની જયંતી પ્રસંગે વ્યાખ્યાન’; ૨૫. રૂપ અને રસ, ઉશનસ, ઈ.૧૯૬૫ - ‘પ્રેમાનંદની ઉપમાશક્તિ’; ૨૬. વિવિધ વ્યાખ્યાનો : ૨, બ. ક. ઠાકોર, ઈ.૧૯૪૭ - ‘પ્રેમાનંદની ઓસરતી લોકપ્રિયતા’; ૨૭. સાહિત્ય અને વિવેચન, કે. હ. ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવ’, ‘માર્કંડેય પુરાણનું કર્તૃત્વ’; ૨૮. સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘પ્રેમાનંદ જયંતી’; ૨૯. સુદામાચરિત્ર, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ.૧૯૭૫;  ૩૦. બુદ્ધિપ્રકાશ, જૂન-ડિસે. ૧૯૨૫ અને જાન્યુ.-ઑક્ટો. ૧૯૨૬ - ‘પ્રેમાનંદનાં નાટકોની સમાલોચના’, જયંતીલાલ મહેતા; ૩૧. સાહિત્ય, નવે. ૧૯૨૯ - ‘પ્રેમાનંદની રસસંક્રાંતિ’, ગજેન્દ્ર લા. પંડ્યા;  ૩૨. ગૂહાયાદી; ૩૩. ડિકૅટલૉગબીજે. સંદર્ભસૂચિ : પ્રેમાનંદની કાવ્યકૃતિઓ, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૭૯ - ‘પ્રેમાનંદ સંદર્ભસૂચિ’, પ્રકાશ વેગડ. [ઉ.જો.]