ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બ્રહ્મર્ષિ-વિનયદેવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બ્રહ્મર્ષિ/વિનયદેવ [જ. ઈ.૧૫૧૧/સં.૧૫૬૮, માગશર સુદ ૧૫, ગુરુવાર-અવ. ઈ.૧૫૯૦] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સુધર્મગચ્છના સ્થાપક. ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ’ પરની વૃત્તિમાં તે પોતાને ચાલુક્યવંશના રાજપૂત અને સાધુરત્ન પંડિતના શિષ્ય પાર્શ્વચંદ્ર-સૂરિના શિષ્ય તરીકે જણાવે છે. ઈ.સ. ૧૫૯૦માં મનજી ઋષિએ રચેલા ‘વિનયદેવસૂરિ-રાસ’ અનુસાર માલવાના આજણોઠ ગામે જન્મ. પિતા સોલંકી રાજા પદ્મરાય. માતા સીતાદે. મૂળનામ બ્રહ્મકુંવર. આંચલિક રંગમંડણઋષિના હસ્તે દીક્ષા. વિજ્યદેવ (બદરરાજ) દ્વારા સૂરિપદ સાથે ‘વિનયદેવ’ નામ મળ્યું. ઈ.૧૫૪૬/સં.૧૬૦૨, વૈશાખ સુદ ૩ ને સોમવારને દિવસે સુધર્મગચ્છ એ નામથી બુરહાનપુરમાં જુદી સમાચારી આદરી. અવસાન બુરહાનપુરમાં. ‘બ્રહ્મ’ કે ‘બ્રહ્મમુનિ’ના નામથી તેમની કૃતિઓ મળે છે. ૧૨૭ કડીની ‘નવતત્ત્વવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૩), ‘મહાનિશીથસૂત્ર’માં આવતા સુસઢના કથાનક પર આધારિત ૨૪૩ કડીની ‘સુસઢ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૭), ૩૦૯ કડીની ‘ચારપ્રત્યેકબુદ્ધ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૪૧; મુ.), દુહા-ચોપાઈબદ્ધ, જેમાં સૂત્રોમાંથી પ્રાકૃત કડીઓ અને કાવ્યસાહિત્યમાંથી સંસ્કૃત શ્લોકો ઉદ્ધૃત કરેલા છે તે સુમતિ અને નાગિલની આછી કથાને નિમિત્તે અનેક વિષયો પરત્વે વિસ્તાર બોધ આપતી, અનેક દૃષ્ટાંતોથી સભર ‘સુમતિ-નાગિલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, આસો સુદ ૭, ગુરુવાર; મુ.); ૪૪ ઢાલ ‘જિનનેમિનાથ-વિવાહલુ/નેમિનાથ-ધવલ’ (ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦, ચૈત્ર સુદ ૧૦), ૪૪ ઢાળની ‘સુપાર્શ્વજિન-વિવાહલો’ (ર.ઈ.૧૫૭૬), ૩૨૫ કડીની ‘ભરતબાહુબલી-રાસ’ (ર.ઈ.૧૫૭૮), ‘અજાપુત્ર-રાસ’, ૩૫૦ કડીની ‘અઢાર પાપસ્થાનક-સઝાય/અઢાર પાપસ્થાન પરિહાર ભાષા/રાસ’(મુ.), ૩૦ કડીની ‘અવંતિ સુકુમાલના ચોઢાલિયાં(મુ.)’, ‘અષ્ટકર્મવિચાર’, ૧૨૪ કડીની ‘અંતકાલઆરધાનાફલ’ ‘આગમસદ્હણા-છત્રીસી’ (મુ.), ‘ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયન-ગીત/ભાસ/સઝાય’ (મુ.), ૬ કડીની ‘કર્મપ્રકૃતિઅધ્યયન-સઝાય’, ‘૨૪ જિન-સ્તવન’, ‘જિનપ્રતિમાસ્થાપના-પ્રબંધ’, ૩૧ કડીનું ‘જિનરાજનામ-સ્તવન’, ‘દશદૃષ્ટાંત-કુલક’, ૮ કડીનું ‘પંચમહાવ્રત પરનું કાવ્ય’, ૧૦૬ કડીની ‘પંચમી પર્યુષણા સ્થાપના-ચોપાઈ’, ૯૨ કડીનો ‘પ્રથમાસ્ત્રવદ્વાર-કુલક’, ‘મિથ્યાત્વ-શલ્ય-પરિહાસ’(મુ.), ‘મૃગાપુત્રચરિત્ર-પ્રબંધ’, ૧૩ કડીની ‘રાજર્ષિ સુકોસલજીની સઝાય’ (મુ.), ૧૯ કડીની ‘રિષભદત્તને દેવાનંદજીની સઝાય’(મુ.), ગદ્યમાં ‘લોકનાલિકા-બાલાવબોધ’ (જેની ૧ પ્રત કવિલિખિત હસ્તપ્રત પરથી ઉતારેલી છે), ૨૯ કડીની ‘વાસુપૂજ્યસ્વામિધવલ’, ‘વૈરાગ્ય-સઝાય’, ૨૮ કડીની ‘શ્રોતા પરીક્ષાની સઝાય’(મુ.), ૨૧૬ કડીનો ‘શાંતિનાથ-વિવાહલો’, ૭ કડીની ‘સમુદ્રપાલ-સઝાય’, ૧૪ ઢાલ અને ૧૩૮ કડીની ‘સાધુવંદના’, ૧૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’, અનેક યાતનાઓ અને કસોટીઓમાંથી શુદ્ધ સ્વરૂપે પસાર થનાર સુદર્શનમુનિનું કથાનક નિરૂપતી ૮૩૯ કડીની ‘સુદર્શન શેઠ-ચરિત્ર/ચોપાઈ’, જૈન આચાર્યોના ટૂંકા ઉલ્લેખ રૂપે પરંપરાગત વૃત્તાંત આપતી ‘સુધર્મગચ્છ પરીક્ષા’(મુ.) અને ‘સૈદ્ધાન્તિકવિચાર’. આટલી રચનાઓ ઉપરાંત તેમનાં કેટલાંક સ્તવનો, સઝાયો, કુલકો અને પ્રાસંગિક કાવ્યો પણ મળે છે. તેમણે ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ’ પર ટીકા, ‘દશાશ્રુત-સ્કંધ’ પર ‘જિનહિતા’ નામની ટીકા અને ‘પખ્ખીસૂત્ર’ પર ટીકા રચી છે. કૃતિ : * સુધર્મગચ્છપરીક્ષા, પ્ર. શ્રાવક રવજી દેસર,-;  ૨. જૈન રાસસંગ્રહ : ૧, સં. મુનિશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦; ૩. દેવચંદ્રજીકૃત આઠ પ્રવચન માતાની સઝાય વગેરે અનેક પદ્યોનો સંગ્રહ, પ્ર. શા. ચતુર્ભુજ તેજપાળ, ઈ.૧૯૨૮; ૪. ષટદ્રવ્ય નયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩; પ. સઝાયસંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ. ૧૯૨૨; ૬. સ્તવનસઝાય સંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૭. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. મરાસસાહિત્ય;  ૭. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ-મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય જ્ઞાનભંડારમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ધવલ સંજ્ઞક સાહિત્ય’, વિજયયતીન્દ્રસૂરિ; ૮. એજન, ફેબ્રુ. ૧૯૪૯-‘કતિપય ધવલ ઔર વિવાહલોકી નઈ ઉપલબ્ધિ’, અગરચંદ નાહટા; ૯. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ-સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૧૦ આલિસ્ટઑઇ : ૨; ૧૧. કૅટલૉગગુરા; ૧૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૩. જૈહાપ્રોસ્ટા; ૧૪. ડિકૅટલૉગભાવિ; ૧૫ મુપુગૂહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]