ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બ્રેહેદેવ-બહદેવ-બ્રહ્મદેવ-વ્રહદેવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બ્રેહેદેવ/બહદેવ/બ્રહ્મદેવ/વ્રહદેવ [ઈ.૧૫૫૩માં હયાત] : પિતાનામ મહીદાસ. જ્ઞાતિએ વણિક હોવાનો નિર્દેશ મળે છે. સંભવત: વૈષ્ણવ અને સંસ્કૃતજ્ઞ એવા આ કવિએ ૪૦ કડવાં અને ૧૧ પદની ‘ભ્રમર-ગીતા’(ર.ઈ.૧૫૫૩/સં.૧૬૦૯, વૈશાખ સુદ ૧૧, સોમવાર; મુ.) તથા કૃષ્ણકીર્તનનાં પદો (કેટલાંક મુ.)ની રચના કરી છે. નરસિંહ મહેતાની ચાતુરીઓના બંધની અસરને ઝીલતી, ભાગવતના દશમસ્કંધના પ્રસંગને અનુસરતી ‘ભ્રમરગીતા’માં ગોપીઉદ્ધવ વચ્ચેના ભક્તિ-જ્ઞાન પ્રેરિત મર્માળા સંવાદ દ્વારા, રસાર્દ્ર અને વર્ણપ્રાસમાધુર્યવાળી વાણીમાં ગોપીઓના કૃષ્ણવિરહને કવિએ આલેખ્યો છે. રસ, ભાષા અને પદબંધની દૃષ્ટિએ ‘રઢિઆલુ રાસ સોહામણું’ એવી આ ‘ભ્રમર-ગીતા’ મધ્યકાલીન ગુજરાતી ભ્રમરગીતા સાહિત્યમાં કવિનું ગણનાપાત્ર પ્રદાન છે. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ એ બ્રહ્મદેવને નામે મળતી ‘પાંડવી-ગીતા’ (લે.ઈ.૧૮૪૯)ને બ્રેહેદેવની હોવાની સ્વીકાર્યું છે. કૃતિ : ૧. અગુપુસ્તક; ૨. નકાદોહન; ૩. નરસિંહ મહેતાના હારસમાનાં પદ તથા ભ્રમરગીતા, પ્ર. હારી લક્ષુમણ શેટે, ઈ.૧૮૬૬; ૪. પ્રાકામંજરી; ૫. બૃકાદોહન : ૧ (સાતમી આ.); ૬. ભ્રમર ગીતા (કવિ બ્રેહેદેવકૃત) : અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૪. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગ્રંથ, જુલાઈ ૧૯૬૫-ગ્રંથાવલોકન, રમણલાલ ચી. શાહ; ૫. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૫-ગ્રંથાવલોકન, યો. જ. ત્રિપાઠી;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ફૉહનામાવલિ; ૧૦. મુપુગૂહસૂચી.[ચ.શે.]