ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાઉ-ભાઉભાઈ-ભાઈયાસુત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાઉ/ભાઉભાઈ/ભાઈયાસુત [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. સૂરતના ગોપીપરાના ઔદીચ્ય જ્ઞાતિના કશ્યપગોત્રી બ્રાહ્મણ. અવટંકે પાઠક. સુરજીના પુત્ર. અનંત ભટ્ટ અને નારાયણ ભટ્ટના શિષ્ય. આ કવિએ દુહા અને ચોપાઈ-બંધમાં લખેલા ૩૦ કડવાં અને ૧૭૬૫ કડીના ‘ઉદ્યોગ-પર્વ’ (ર.ઈ.૧૬૨૦) ઉપરાંત ઉદ્યોગપર્વ, અંતર્ગત પાંડવવિષ્ટિની કથા પર પણ ૩૦ કડવાંનું સ્વતંત્ર આખ્યાન ‘પાંડવવિષ્ટિ’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૭૭૬, ચૈત્ર વદ ૧; મુ.) રચ્યું છે. એમના ‘અશ્વમેધ-પર્વ/આખ્યાન’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૬૯, અધિક અસાડ સુદ ૩, રવિવાર)માં અશ્વમેઘપર્વનાં ૩ આખ્યાનોની કથા ૨૨ કડવાં અને ૮૪૦ કડીમાં આલેખાયેલી છે. ૩૫ કડવાં અને ૧૪૮૭ કડીના એમના ‘દ્રોણ-પર્વ’(મુ.)નાં છેલ્લાં ૪ કડવાં કર્ણપર્વનો સંક્ષિપ્ત સાર આપે છે. કવિએ ૯ મીઠાનું ‘વલ્લભ આખ્યાન’ તથા હરિવંશ-કથા’ (ર.ઈ.૧૬૨૯) પણ રચ્યાં છે. મૂળ કથાથી દૂર જઈને કૃતિમાં સ્વતંત્ર પ્રસંગો આલેખવામાં કવિની વિશેષતા જોઈ શકાય છે. કવિએ ભાઈયાસુતને નામે ‘ઉદ્યોગ-પર્વ’ અને ભાઉભાઈને નામે ‘વજ્રનાભનું આખ્યાન’ (ર.ઈ.૧૬૩૫) એ કૃતિઓ રચી છે. કૃતિ : ૧. મહાભારત (ગુજરાતી પદબંધ) : ૪. સં. કેશવરામ કા. શાસ્ત્રી; ઈ.૧૯૪૧;  ૨. પ્રાકાત્રૈમાસિક, અં : ૩, ઈ.૧૮૯૦. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકકૃતિઓ; ૭. મગુઆખ્યાન;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કદહસૂચિ; ૧૦. ગૂહાયાદી; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. ડિકૅટલૉગભાવિ; ૧૩. ફૉહનામાવલિ.[ર.સો.]