ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુમેરુ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાનુમેરુ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ કે ઈ.૧૭મી સદી પ્રારંભ સુધીમાં] : વડતપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરની પરંપરામાં ધનરત્નસૂરિના શિષ્ય. ધનરત્નસૂરિની ગ્રંથપ્રશસ્તિઓ સં. ૧૫૬૭ તથા સં. ૧૬૦૧ની મળે છે. આ પ્રશસ્તિઓમાં ભાનુમેરુને ‘ગણિ’ તરીકે પણ ઓળખાવ્યા છે. ધનરત્નસૂરિની ગ્રંથપ્રશસ્તિઓના સમય પરથી કવિ ભાનુમેરુગણિના સમય વિશે અનુમાન થઈ શકે કે તેઓ ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધ તથા ઈ.૧૭મી સદીના પ્રારંભ સુધીમાં થયા હશે. ૧૭ કડીની ‘ચંદનબાલા-સઝાય’(મુ.) અને ૩૩/૩૪ કડીની તથા ૧૩૨ દલના પદ્યબંધમાં ગોઠવાયેલી, દ્રુતવિલંબિત છંદમાં રચાયેલી, ત્રેવીસમા તીર્થકર પાર્શ્વનાથની સ્તુતિ કરતી ‘સ્તંભનપાર્શ્વનાથ સ્તુતિ/એકસોબત્રીસ દલકમલબદ્ધ સ્તંભન-પાર્શ્વનાથજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી; મુ.) એ સળંગ વૃત્તબદ્ધ રચનાના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. માર્ચ ૧૯૪૭-‘શ્રી ભાનુમેરુકૃત ‘ચંદનબાલા સઝાય’, સં. શ્રીમતી શોર્લોટે ક્રાઉઝે; ૨. જૈન સત્યપ્રકાશ નવે. ૧૯૪૮-‘શ્રી ભાનુમેરુકૃત ચંદનબાલા ગીત’ સં. મુનિમહારાજ રમણિકવિજયજી; ૩. ફાત્રૈમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૪૬-‘ભાનુમેરુકૃત સ્તંભન પાર્શ્વનાથ સ્તુતિ ૧૩૨ દલ પદ્યબંધ સ્તોત્ર’ સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧; ૨. પાંગુહસ્તલેખો;  ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]