ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીરાજ પંડિત-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહીરાજ(પંડિત)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ/શ્રાવક. ધર્મરત્નસૂરિની પરંપરામાં વિનયમંડનગણિ ઉપાધ્યાયના શિષ્ય. જૈન પરંપરાની નલકથાનું નિરૂપણ કરતા, હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર’ પર આધારિત, ઋષિવર્ધનના ‘નલરાયદવદંતી-ચરિત’નો સ્પષ્ટ પ્રભાવ દાખવતી, તેમ છતાં સ્વકીય કવિત્વશક્તિનો અત્રતત્ર પરિચય આપતી દુહા, ચોપાઈ અને અન્ય ઢાળોમાં બદ્ધ ૧૨૫૪ કડીની ‘નલદવદંતી-રાસ’(ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯; મુ.) તથા ૫૩૨ કડીની ‘અંજના સુંદરી-રાસ’ (ર.ઈ.૧૫૫૮) એ કૃતિઓના કર્તા. ‘નલદવદંતી-રાસ’ કવિએ પોતે જ ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, કારતક વદ ૨, સોમવારના રોજ લખ્યાનું આ રાસની પુષ્પિકામાંથી જાણવા મળે છે. આ રાસ પૂર્વે આ વિષય પર રચાયેલા ગુજરાતી રાસોમાં ગુણવત્તા ને રસવત્તાએ ચડિયાતો છે. કૃતિ : મહીરાજકૃત નલ-દવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪ (+સં.). સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૪. સાહિત્યસંસ્પર્શ, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, ઈ.૧૯૭૯;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧-‘મહીરાજકૃત નલદવદંતી-રાસ’, રમણલાલ ચી. શાહ;  ૬. મુપુગૂહસૂચી.[ભો.સાં.]