ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિસુંદર-૨
મુનિસુંદર-૨ [જ.ઈ.૧૩૮૦-અવ.ઈ.૧૪૪૭/સં.૧૫૦૩, કારતક સુદ ૧] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિની પરંપરામાં સોમસુંદરસૂરિના શિષ્ય. ઈ.૧૩૮૭માં દીક્ષા. ઈ.૧૪૨૨માં સોમસુંદરસૂરિ દ્વારા વાચકપદમાંથી સૂરિપદ. દાક્ષિણાત્ય રાજાએ ‘કાલિસરસ્વતી/શ્યામસરસ્વતી’ અને ખંભાતના નવાબ દફરખાને ‘વાદિગોકુલષંઢ’ બિરુદ આપી તેમને નવાજેલા. ‘યોગશાસ્ત્ર’ના ચતુર્થપ્રકાશ પરના બાલાવબોધ (ર.ઈ.૧૪૩૫)ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ઘણી રચનાઓ કરી છે : ‘અધ્યાત્મકલ્પદ્રુમ/શાંતરસ-ભાવના’; ન્યાય, વ્યાકરણ અને કાવ્યનો પરિચય આપતી ‘ત્રૈવિદ્ધગોષ્ઠી’; વિજ્ઞપ્તિગ્રંથ/ત્રિદશતરંગિણી’; તેના એક ભાગ રૂપે ઉપલબ્ધ થતી ‘ગુર્વાવલિ/તપગચ્છ પટ્ટાવલી’; પોતાની ટીકા સહિત ‘ઉપદેશરત્નાકર’; ‘જિનસ્તોત્ર-રત્નાકોષ’ વગેરે. તેમની પાસેથી પ્રાકૃતમાં ‘અંગુલીસત્તરી’, ‘પાક્ષિકસત્તરી’ અને ‘વનસ્પતિસત્તરી’ આદિ કૃતિઓ મળે છે. ‘અંગુલી-સત્તરી’ અને ‘જયાનંદ-ચરિત્ર’ને કેટલાક ૪૦મા પટ્ટધર મુનિચંદ્રસૂરિની ગણાવે છે. મુનિસુંદરને નામે મળતું ૨૨ કડીનું ‘નવસારી મંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર,(મુ.) કૃતિની અંતિમ પંક્તિઓને કારણે તેમના શિષ્યનું હોવા વધુ સંભવ છે. કૃતિ : ૧* અધ્યાત્મકલ્પદ્રુમ, પ્ર. જૈન ધર્મ પ્રચારક સભા,-; ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત નવસારીમંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર’, સં. અંબાલાલ પ્રે. શાહ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈન સાહિત્ય, મનસુખભાઈ કી. મહેતા, ઈ.૧૯૫૯ (બીજી આ.); ૩. જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]