ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મન:સંયમ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘મન:સંયમ’ [ર.ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, મહા સુદ ૧૧] : ‘તત્ત્વસારનિરૂપણ’ એવા અપરનામથી પણ ઓળખાવાયેલી રવિદાસકૃત આ રચના(મુ.) પૂર્વછાયા-ચોપાઈબંધના ૭ અધ્યાયમાં વહેંચાયેલી છે. કૃતિનો આરંભ રૂપકગ્રન્થિવાળી કથાથી થાય છે, અને પછી ત્રિવિધ દેશના રાજા (સંભવત: આત્મા) અને એને મહારણ્યમાં મળેલા સંન્યાસી સર્વાનંદ વચ્ચેના સંવાદ રૂપે એ વિસ્તરે છે. ધર્મ એટલે કે શ્રેષ્ઠ કર્મ તે નિષ્કર્મ થવું તે, જોગ તે સાક્ષીભાવે રહેવું તે, પરમસાધન તે ચિત્તની સ્થિરતા, દેવ તે અજન્મા અગુણ પૂર્ણબ્રહ્મ, તીર્થ તે બ્રહ્મજળનું દર્શન-એવાં મુખ્ય પ્રતિપાદનો પછી કૃતિમાં જીવનમુકતનાં લક્ષણો, ધ્યાનયોગની પ્રક્રિયા, વૈરાગ્ય-ભક્તિ-જ્ઞાન-આત્મા-સમાધિનાં સ્વરૂપ, સર્વ ભૂતનાં ઉત્પત્તિલયની ક્રિયા તથા સ્વપ્નાદિ અવસ્થાઓનું વિવરણ થયેલું છે. છેલ્લા અધ્યાયમાં ત્યાગના સંદર્ભે કૃષ્ણચરિત્ર વિશે ઉઠાવાયેલો પ્રશ્ન અને પરીક્ષિત-શુક વચ્ચેના સંવાદ રૂપે એનું થયેલું સમાધાન તેમ જ “ધ્યાન ધરાવા યોગ્ય તે કૃષ્ણ ઠાકુર ગોલોક મઝાર” એવી પ્રસ્તુત થયેલી સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે છે. ધ્યાનયોગની પરિણતિ ગોલોકમાં સ્થિત થવા રૂપે આવે છે એ રીતે અહીં ગોલોકનું વર્ણન પણ મળે છે. જ્ઞાન, ભક્તિ અને યોગમાર્ગનો વિલક્ષણ સમન્વય કરતું આ દર્શન પરંપરાગત અને ક્યારેક તાજગીભર્યા અર્થદ્યોતક દૃષ્ટાંતાદિકના વિનિયોગે રસાવહ પણ બન્યું છે. આત્માની અલિપ્તતા દર્શાવવા યોજાયેલું, કોઈને વૃક્ષની ડાળ પર તો કોઈને પંખીની જોડ પર રહેલા દેખાતા પણ વસ્તુત: એ બધાથી અળગા બીજના ચંદ્રનું ઉપમાન આનું એક સુંદર ઉદાહરણ છે.[જ.કો.]