ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોવિજ્ય ઉપાધ્યાય-૩-જશવિજ્ય
યશોવિજ્ય(ઉપાધ્યાય)-૩/જશવિજ્ય [ઈ.૧૭મી સદી ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં નયવિજ્યના શિષ્ય. માતા સૌભાગ્યદેવી. પિતા નારાયણ. જ્ઞાતિએ વણિક. ઉત્તર ગુજરાતમાં પાટણ પાસેના કનોડું/કમોડુંના વતની. પૂર્વાશ્રમનું નામ જસવંત. ઈ.૧૬૩૨માં નયવિજ્ય પાસે પાટણમાં દીક્ષા. ઈ.૧૬૪૩માં અમદવાદ ખાતે અષ્ટાવધાનનો પ્રયોગ કરી તેજસ્વી મેઘાનો પરિચય કરાવ્યો. એ પછી કાશી જઈ ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક આદિનો ૩ વરસ અભ્યાસ કર્યો ને ત્યાંના વિદ્વાનો પાસેથી ‘ન્યાયવિશારદ’નું બિરુદ મેળવ્યું. ત્યાંથી વળતાં આગ્રામાં ચારેક વર્ષ રહી તર્કશાસ્ત્રનું અધ્યયન કર્યું તે તાર્કિક શિરોમણિનું પદ પામ્યા. ઈ.૧૬૬૨માં અમદાવાદમાં વિજ્યપ્રભસૂરિએ વાચક/ઉપાધ્યાયનું પદ આપ્યું. ઈ.૧૬૮૭માં ડભોઈમાં ચોમાસું અને અનશન. સંભવત: એ જ વર્ષે અવસાન. કાંતિવિજ્યકૃત ‘સુજસવેલી-ભાસ’માં મળતી ઉપરની વીગતોમાં યશોવિજ્યે ‘લઘુવય’માં લીધેલી દીક્ષાનું વર્ષ ઈ.૧૬૩૨ નોંધાયેલું છે. તેથી એમનો જન્મ ઈ.૧૭મી સદીના બીજા-ત્રીજા દાયકામાં થયો હોવાનું અનુમાની શકાય. બીજી બાજુ નયવિજ્યે તૈયાર કરેલા ઐતિહાસિક વસ્ત્રપટમાં ઈ.૧૬૦૭માં યશોવિજ્યને ગણિપદ મળ્યાનો ઉલ્લેખ છે. એ હિસાબે એમનો દીક્ષાસમય એનાથી ઓછામાં ઓછો પાંચેક વર્ષ પૂર્વનો ને જન્મસમય ઈ.૧૬મી સદી છેલ્લા ૨ દાયકાનો અનુમાનવાનો થાય. ડભોઈના ગુરુમંદિરમાં એમની પાદુકાઓ આગળ ઈ.૧૬૮૯ (સં. ૧૭૪૫, માગશર સુદ ૧૧)નો નિર્દેશ એ એમની મૃત્યુતિથિ નહીં પણ પાદુકાસ્થાપનતિથિ હોવાનું સ્પષ્ટ થતાં હવે એમનું અવસાનવર્ષ ‘સુજસવેલીભાસ’માંના અનશનકાળના આધારે ઈ.૧૬૮૭ને સ્વીકારી શકાય. યશોવિજય જૈન પરંપરાના પ્રતિભાશાળી વિદ્વાન હતા. યોગશાસ્ત્રના અભ્યાસી લેખે બીજા હરિભદ્રસૂરિ રૂપે તથા શ્રુતજ્ઞાનમાં બીજા હેમચંદ્રાચાર્ય રૂપે એમની ગણના થયેલી છે. જૈન શાસ્ત્રો ઉપરાંત વૈદિક અને બૌદ્ધશાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરનાર તથા સંપ્રદાયમાં બદ્ધ ન રહેતાં નિર્ભયતાથી મત પ્રદર્શન કરનાર યશોવિજ્યે જૈનેતરોમાં પણ ઊંચી કોટિના સમન્વયકાર ને મૌલિક શાસ્ત્રકાર તરીકે નામના મેળવેલી. આ વિદ્વાન કવિએ સંસ્કૃત, પ્રાકૃત, હિંદી ને ગુજરાતી અનેક ગદ્ય રચનાઓ કરેલી છે. તેમના સમગ્ર સાહિત્યનું વિષયવૈવિધ્ય ઘણું છે. જ્ઞાનમીમાંસા, ન્યાય, તર્કશાસ્ત્ર, પરમતસમીક્ષા, અધ્યાત્મવિચાર, ભક્તિ-ચરિત્ર-ગાન, ધર્મોપદેશ તેમજ તત્કાલીન ધર્માનુયાયીઓ અને મુનિઓના અંધશ્રદ્ધા, દંભ, પાખંડ વગેરે પરના આકરા પ્રહારો-એમ અનેકવિધ રૂપે એમનું સાહિત્યસર્જન થયું છે. આમ યશોવિજ્ય વિચારક ઉપરાંત સક્રિય ધર્મપ્રબોધક પણ બની રહે છે. યશોવિજ્યની ગુજરાતી કૃતિઓ રાસ, ચોવીસી, લઘુ અને દીર્ઘસ્તવન-સઝાય, પદ અને સ્તબક જેવાં સ્વરૂપોનું વૈવિધ્ય દાખવે છે. એમાં કવિની ઉત્તરવયે રચાયેલ ‘જંબૂસ્વામી-રાસ’(ર.ઈ.૧૬૮૩; મુ.)સાહિત્યદૃષ્ટિએ એમની સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે. ૫ અધિકાર અને ૩૭ ઢાળમાં જંબૂકુમારની જાણીતી કથા રજૂ કરતી આ કૃતિ દીક્ષાના પક્ષે-વિપક્ષે થતી દલીલો રૂપે ગૂંથાયેલી દૃષ્ટાંતકથાઓ, વર્ણનકલા, અલંકારપ્રૌઢિ, ઊર્મિરસિત કલ્પનાશીલતા, ઝડઝમક્યુકત પદાવલિ ને દેશી વૈવિધ્યથી મનોરમ બનેલી છે. વિનયવિજ્યે ઈ.૧૬૮૨માં આરંભેલો ને તેમના અવસાનથી અધૂરો રહેલો ‘શ્રીપાળ રાજાનો રાસ’(મુ.) યશોવિજ્યે રચીને પૂરો કર્યો છે તે કથાત્મક પ્રકારની એમની બીજી રચના ગણાય. કવિના શાસ્ત્રજ્ઞાનના આલેખનની દૃષ્ટિએ મૂલ્યવાન ગણાયેલો ૧૭ ઢાળ અને ૨૮૪ કડીનો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ/દ્રવ્યગુણઅનુયોગવિચાર’ (ર.ઈ.૧૬૫૫/સં.૧૭૧૧, અસાડ-; મુ.)માં દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણો ને સ્વરૂપોનું વર્ણન અનેક સમુચિત દૃષ્ટાંતોથી થયેલું છે. ૧૭ ઢાળ અને ૨૮૬ કડીના ‘સમુદ્રવહાણ-સંવાદ/વિવાદ-રાસ’ (ર.ઈ.૧૬૬૧; મુ.)માં ગર્વિષ્ઠ સમુદ્ર સાથેના વહાણના વાદવિવાદની રૂપકાત્મક કથા દ્વારા ગર્વત્યાગનો બોધ થયેલો છે ને દૃષ્ટાંતાદિક અલંકારો તથા લૌકિક ઉક્તિઓના વિનિયોગથી કૃતિ આસ્વાદ્ય બની છે. યશોવિજ્યે રચેલાં લાંબાં સ્તવનો બહુધા કશાક સિદ્ધાંતવિચારનું પ્રતિપાદન કરવા યોજાયેલાં છે. જેમકે, ૭ ઢાળનું ‘કુમતિમદગાલન/ઢૂંઢકમતખંડન/પ્રતિમાસ્થાપનવિચારગર્ભિત વીર સ્તુતિરૂપ દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન’ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો સુદ ૧૦; મુ.) તથા ૬ ઢાળ અને ૭૮ કડીનું ‘કુમતિખંડન/દશમતાધિકારે વર્ધમાન જિનેશ્વર-સ્તવન’ (ર.ઈ.૧૬૭૬/૧૬૭૮;મુ.) મૂર્તિપૂજામાં ન માનનાર આદિ અન્ય ધાર્મિક મતોનો શાસ્ત્રીય ભૂમિકા સાથે પરિહાર કરે છે, જો કે બીજી કૃતિ એમાંના કેટલાક ભાષાપ્રયોગો ને એમાં ગૂંથાયેલી પછીના સમયની માહિતીને કારણે યશોવિજ્યની રચના હોવાનું શંકાસ્પદ લેખાયું છે. ૧૨૫ કડીનું ‘વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૬૭) નોંધાયેલ મળે છે. તે ઉપર્યુક્ત ૧૫૦ કડીના સ્તવનથી જુદી કૃતિ છે કે કંઈ ભૂલ થયેલી છે તે નક્કી થઈ શકે તેમ નથી. ૬ ઢાળ ને ૪૭ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૬/૧૬૭૮; મુ.) તેમજ ૪, ૧૧ અને ૧૭ ઢાળ તથા અનક્રમે ૪૨, ૧૨૫, ૩૫૦ કડીનાં ૩ ‘સીમંધરજિન-સ્તવનો’(મુ.) નિશ્ચય-નવ્યવહારાદિ વિષયક નૈયાયિક સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે ને તત્કાલીન લોકસમાજ તથા સાધુવર્ગમાં જોવા મળેલાં અંધશ્રદ્ધા, પાખંડ વગેરે પર પ્રહારો કરી જ્ઞાન અને ભક્તિના શુદ્ધ માર્ગને પ્રબોધે છે. ૧૨ ઢાળ અને ૬૨ કડીનું નામસ્મરણરૂપ ‘મૌન એકાદશીનું ગળણું/દોઢસો કલ્યાણકનું સ્તવન’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, આસો વદ ૩૦ મુ.) આ પ્રકારની અન્ય લાંબી સ્તવનરચના છે. યશોવિજ્યે ૩ ‘ચોવીસી’(મુ.) તથા ૧ ‘વીસી’ રચેલી છે તેમાંથી ૧ ચોવીસી દરેક તીર્થંકર વિશેની ૧૪ પ્રકારની વીગત નોંધે છે ત્યારે બાકીની ત્રણે કૃતિઓ આર્દ્રભક્તિભાવની અભિવ્યક્તિથી આ પ્રકારની રચનાઓમાં જુદી તરી આવે છે. આ ઉપરાંત કવિએ અનેક છૂટાં તીર્થંકર-સ્તવનો (ઘણાંખરાં મુ.) રચેલાં છે એ પણ ભક્તિભાવની સચોટ અભિવ્યક્તિથી નોંધપાત્ર બને છે. આ સ્તવનોમાંનાં કેટલાંક હિંદીમાં પણ છે. ધર્મ અને શાસ્ત્રની ચર્ચા તથા ભક્તિપ્રબોધ એ યશોવિજ્યની સઝાયોના વિષયો છે. પારિભાષિક નિરૂપણ પ્રમાણમાં ઓછું ને સમજૂતી ને સીધો ધર્મબોધ વિશેષ હોવાથી એ કૃતિઓ સુગમ બની છે. કવિની લાંબી સઝાયોમાં ૧૧ ઢાળ અને ૭૩ કડીની ‘અગિયાર અંગની સઝાય’ (ર.ઈ.૧૬૬૬; મુ.), ૧૯ ઢાળ અને ૧૯૮ કડીની ‘પ્રતિક્રમણ હેતુગર્ભિત-સઝાય’ (ર.ઈ.૧૬૬૬;મુ.), ૧૮ ઢાળ અને ૧૩૮ કડીની ‘અઢાર પાપસ્થાનકની સઝાય’(મુ.) તથા હરિભદ્રસૂરિની કૃતિઓને આધારે રચાયેલી ૧૨ ઢાળ અને ૬૮ કડીની ‘સમ્યકત્વના સડસઠબોલની સઝાય’(મુ.) તેમ જ ૩ ઢાળની ‘સંયમ શ્રેણિવિચાર-સઝાય/સ્તવન’(મુ.) મુખ્ય છે. આ ઉપરાંત, ૪ ઢાળ અને ૪૧ કડીની ‘સુગુરુની સઝાય’(મુ.), ૬ ઢાળ અને ૩૯ કડીની ‘પાંચ કુગુરુની સઝાય’(મુ.), ૨૮ કડીની ‘કુગુરુની સઝાય’(મુ.), ૨૯ કડીની ‘અમૃતવેલીની સઝાય/હિતશિક્ષા-સઝાય’(મુ.), ૪૧ કડીની ‘ચડતીપડતીની સઝાય’(મુ.) ને બીજી અનેક નાનીમોટી સઝાયો (ઘણીખરી મુ.) એમણે રચી છે. યશોવિજ્યે રચેલી અન્ય પ્રકારની પદ્યકૃતિઓમાં ૩૦ કડીની ‘જંબૂસ્વામી બ્રહ્મ-ગીતા’ (ર.ઈ.૧૬૮૨; મુ.), ૧૩૧ કડીની ‘પંચપરમેષ્ઠી-ગીતા’(મુ.), ૮ ઢાળ અને ૧૦૧ કડીની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૬૬૫/સં.૧૭૨૧, આસો સુદ ૧૦; મુ.), ૧૨૮ કડીની ‘સમ્યકત્વના છ સ્થાનના સ્વરૂપની ચોપાઈ’ (મુ.), દુહાબદ્ધ ‘યતિધર્મ-બત્રીસી/સંયમ-બત્રીસી’(મુ.), ‘જિનસહસ્ત્રનામવર્ણન-છંદ’(મુ.) ને ૫ ગણધર વિશેની ૫ ભાસ(મુ.) મુખ્ય છે. દુહાબદ્ધ ‘સમતા-શતક’ (મુ.), ‘સમાધિ-શતક’(મુ.) તથા કવિત આદિ છંદોનો વિનિયોગ કરતી ‘દિકપટ ચોરાસીબોધ-ચર્ચા’(મુ.) એમની આ પ્રકારની હિંદી કૃતિઓ છે. ‘જસવિલાસ’ને નામે સંગૃહીત થયેલાં ૭૫ પદ(મુ.) તથા કવિનો ભક્તિ-આહ્લાદ વ્યક્ત કરતી આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી પણ હિંદીમાં છે. અને નેમરાજુલને વિષય કરતાં હોરીનાં ૬ પદ(મુ.) વ્રજની અસરવાળી ગુજરાતીમાં છે. આ સર્વ પદો ચેતનાનું સ્વરૂપ, આત્મદર્શન, સમતાનું મહત્ત્વ, જ્ઞાનદૃષ્ટિ અને મહોદૃષ્ટિ જેવા વિષયોને અનુલક્ષતાં અધ્યાત્મરંગી છે તેમ જ પ્રબોધક ને પ્રેમભક્તિવિષયક છે. આ પદોની અભિવ્યક્તિ પણ બાનીની અસરકારક છટાઓથી માર્મિક બનેલી છે. યશોવિજ્યે આ ઉપરાંત , ધમાલ, વસંત, હરિયાળી વગેરે પ્રકારની રચનાઓ પણ કરી છે. કવિની લાંબી સિદ્ધાંતાત્મક કૃતિઓમાં કેટલીક વાર પાંડિત્યભારવાળી દુર્ગમ શૈલી જોવા મળે છે, પરંતુ ભક્તિ ને ઉપદેશની લઘુ કૃતિઓમાં ઝડઝમકાદિ અલંકારચાતુરી, દૃષ્ટાંતોની તાઝગી, કલ્પનાશીલતા અને પ્રસાદમધુર બાનીનો વિનિયોગ થયેલો છે. દુહા, કવિત, ચોપાઈ આદિ છંદો ઉપરાંત અનેક સુગેય ઢાળોનો કવિએ કરેલો ઉપયોગ એમની સંગીતસૂઝ પ્રગટ કરે છે. યશોવિજ્યની ગુજરાતી ગદ્યકૃતિઓમાં એમની પોતાની ૨ કૃતિઓ ‘દ્રવ્યગુણપર્યાય-રાસ’ તથા ‘સમ્યકત્વના છ સ્થાનની ચોપાઈ’ પરના બાલાવબોધ મુદ્રિત મળે છે તેમ જ એમના પ્રાકૃત ‘અધ્યાત્મમતપરીક્ષા’ તથા ‘વીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન’ એ ગુજરાતી કૃતિ પરના બાલાવબોધ મુદ્રિત હોવાની માહિતી મળે છે. એમના સંસ્કૃત ‘જ્ઞાનસાર’ પરનો એમનો બાલાવબોધ અંશત: મુદ્રિત છે. આ ઉપરાંત એમણે ‘સીમંધરસ્વામીનું ૧૨૫ ગાથાનું સ્તવન’ અને ‘સંયમશ્રેણિવિચાર-સઝાય/સ્તવન’ એ પોતાની ગુજરાતી કૃતિઓ ઉપર તેમ જ પ્રાકૃત ‘પંચનિર્ગ્રંથીપ્રકરણ’ ઉપર બાલાવબોધો રચ્યા છે. આનંદધનના ૨૨ તીર્થંકર-સ્તવનો પર એમણે રચેલો કહેવાતો બાલાવબોધ પ્રાપ્ય નથી. યશોવિજ્યે પોતાના સંસ્કૃત ‘ધર્મપરીક્ષા’ના વાર્તિક તરીકે પ્રશ્નોત્તર રૂપે ગુજરાતીમાં ‘વિચારબિંદુ’ નામના ગ્રંથની રચના કરેલી છે. શાસ્ત્રચર્ચાના એમના બે પત્રો(મુ.) મળે છે. સંસ્કૃત તેમ જ પ્રાકૃતમાં યશોવિજ્યને નામે ૬૦ કે તેથી વધુ પણ કૃતિઓ નોંધાયેલી મળે છે, જેમાં થોડીક સ્તવનાદિ પ્રકારની પદ્યકૃતિઓ છે ને બાકીની ગદ્યકૃતિઓ છે. ગદ્યમાં બહુધા ન્યાય અને તે ઉપરાંત સાંખ્ય, અધ્યાત્મ, યોગ, ભાષા, અલંકાર આદિ વિષયો પરના ગ્રંથો મળે છે. આ ગ્રંથો સ્વતંત્ર કૃતિઓ રૂપે તેમ જ અન્ય ગ્રંથોની ટીકા રૂપે પણ રચાયા છે. આ બધું યશોવિજ્યને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અને ન્યાય આદિ વિષયોના મોટા વિદ્વાન તરીકે સ્થાપી આપે છે. કૃતિ : ૧. (યશોવિજ્યોપાધ્યાય વિરચિત) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ૧ તથા ૨, પ્ર. શા. બાવચંદ ગો, ઈ.૧૯૩૬ તથા ઈ.૧૯૩૭ (+સં.); ૨. (શ્રીનવપદ માહાત્મ્યગર્ભિત) ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૩. જંબૂસ્વામી રાસ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ઈ.૧૮૮૮; ૪. એજન, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૬૧ (+સં.); ૫. દ્રવ્ય ગુણ ને પર્યાયનો રાસ, પ્ર. શ્રી જૈન વિજ્ય પ્રેસ, સં. ૧૯૬૪; ૬. શ્રીપાળ રાજાનો રાસ, પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦; ૭. જૈન કથા રત્નકોશ : ૫, પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૮૯૧; ૮. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૯. પ્રકરણરત્નાકર : ૧. પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૮૭૬; ૧૧. પ્રકરણરત્નાકર : ૩, પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૮૭૮; ૧૨. સઝાય, પદ અને સ્તવનસંગ્રહ, પ્ર. શા. વીરચંદ દીપચંદ, ઈ.૧૯૦૧; ૧૩. જૈનયુગ, કારતક ૧૯૮૪-‘શ્રીમદ યશોવિજ્યજીકૃત ‘જ્ઞાનસાર’ સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. યશોદોહન, સં. યશોવિજ્યજી, ઈ.૧૯૬૬; ૨. (ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી) યશોવિજ્ય સ્મૃતિગ્રંથ, સં.યશોવિજ્યજી, ઈ.૧૯૫૭; ૩. જૈસાઇતિહાસ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯- ‘યશોવિજયજી અને એમનો ‘જંબૂસ્વામી રાસ’; ૫. જૈનયુગ, જાન્યુ. ૧૯૫૯-‘ઐતિહાસિક ચિત્રપટનો પરિચય ને મહોપાધ્યાય યશોવિજ્યજીની તાલમીમાંસા’, યશોવિજ્યજી; ૬. એજન; ફેબ્રુ. ૧૯૫૯-‘મહોપાધ્યાય શ્રી યશોવિજ્યની સ્વર્ગવાસની તિથિ કઈ ?’, યશોવિજ્યજી; ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. જૈહાપ્રોસ્ટા; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]