ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રેવાશંકર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રેવાશંકર-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વડનગરા નાગર બ્રાહ્મણ ગૃહસ્થ. જૂનાગઢના ગોસ્વામી ગોવર્ધનેશના શિષ્ય. ત્રિકમદાસ ભવાનીશંકર વ્યાસના સાતમા પુત્ર. નરસિંહ મહેતાના કાકા પર્વતથી વંશાનુક્રમે બારમા પુરુષ હોવાનું મનાય છે. તેમની હયાતીનો સમય ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ઈ.૧૭૮૪થી ઈ.૧૮૫૩ નોંધે છે અને ‘સચિત્ર સાક્ષારમાળા’ તેમનું અવસાન ઈ.૧૮૩૭ના અરસામાં થયું હોવાનું દર્શાવે છે. કવિ ફારસી, અરબી, વ્રજ, ગુજરાતી તેમ જ મરાઠીમાં પ્રવીણ હતા તથા કાવ્યપિંગળના પણ જાણકાર હતા. તેઓ રણછોડજી દીવાનના પ્રતિસ્પર્ધી હોવાનું પણ નોંધાયું છે. તેઓએ ‘કૃષ્ણલીલા’ (તેમાં અંતર્ગત ‘બાળલીલા’ની ૬૭ કડી મુ.), ચંદ્રાવળામાં રચાયેલી ‘શ્રીકૃષ્ણજન્મ-ચરિત્ર’ (તેમાં અંતર્ગત ‘નાગદમનલીલા’, ‘દ્વારકાવર્ણન/લીલા’ મુ.), ‘ડાકોરલીલા’, ચંદ્રાવળામાં રચાયેલું ‘ત્રિકમદાસનું ચરિત્ર’(મુ.), ‘દશમસ્કંધ’, ‘દશમસાર’, ‘વલ્લભકુળ’, તડાંના દુહા, જ્ઞાતિને લગતાં કાવ્યો, ‘રાસલીલા’, રણછોડજીનું કાવ્ય’(મુ.) તથા અન્ય પદોની રચના કરી છે કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર, સં. નટવરલાલ ઈ.દેસાઈ અને નયનસુખરાય વિ. મજમુદાર, ઈ.૧૯૩૦ (+સં.); ૩. બૃકાદોહન : ૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, છોટુભાઈ ર. નાયક, ઈ.૧૯૫૦; ૩. ગુમાસ્તંભો; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પુગુસાહિત્યકારો; ૭. પ્રાકકૃતિઓ; ૮. રસામાળા;  ૯. ગૂહાયાદી. [ચ.શે.]