ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રાધાવિરહના બારમાસ’
‘રાધાવિરહના બારમાસ’ : દુહાની ૪ કડી અને માલિનીનો ૧ શ્લોક એ રીતે થયેલી દરેક મહિનાની બાંધણીવાળા રત્નેશ્વરના આ મહિના (મુ.) માગશરથી શરૂ થઈ કારતકમાં પૂરા થાય છે. કૃતિના કેન્દ્રમાં વિરહભાવ જ છે, પરંતુ એનો અંત કૃષ્ણમિલનના આનંદોલ્લાસથી આવે છે. કાવ્યની નાયિકા આમ તો રાધા છે, પણ એના વિરહભાવનું નિરૂપણ એવું વ્યાપક ભૂમિકાએ થયું છે કે એ પ્રિયતમના મિલનને ઝંખતી કોઈપણ વિરહિણી સ્ત્રીનો વિરહભાવ બની રહે છે. દરેક મહિનામાં વિરહિણી રાધા અને પ્રકૃતિનું જે ચિત્ર કવિએ આલેખ્યું છે તેના પર સંસ્કૃત કવિતાની ઘેરી અસર જોઈ શકાય છે. પ્રકૃતિ બહુધા ભાવની ઉદ્દીપક તરીકે આવે છે, પણ કવિના સ્વાનુભવમાંથી આવ્યાં હોય એવાં માર્મિક સ્વાભાવોક્તિપૂર્ણ ચિત્રો કાવ્યના ભાવને વિશેષ ઉઠાવ આપે છે. જેમ કે ગ્રીષ્મઋતુનું વર્ણન કરતાં કવિ કહે છે, “મારે આંગણે લીમડો, છાયા શીતલ ક્રોડ” કે ભાદરવાના વર્ણનમાં, “પાટ થકી રે જળ ઊતર્યાં, નદીએ ચીકણા ઘાટ.” “માધવ વિના કોણ મારશે, મન્મથની રે ફોજ” જેવી ઔચિત્યભંગ ચૂકતી કોઈક પંક્તિઓ કાવ્યમાં પ્રવેશી ગઈ છે, પરંતુ સમગ્રતયા ગુજરાતીની આ ધ્યાનપાત્ર બારમાસી છે. [શ્ર.ત્રિ.]