ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રાવણમંદોદરી-સંવાદ’-૧
‘રાવણમંદોદરી-સંવાદ’-૧ : કવિ શામળની ૨૦૪ કડીની (મુ.) રચના. એ ‘અંગદવિષ્ટિ’ના અનુસંધાન રૂપે કવિએ લખી હોવાનું અનુમાન સં. ૧૮૦૮ની રચ્યાસાલવાળી હસ્તપ્રતમાં ‘અંગદવિષ્ઠિ’ના અંત સાથે એની આરંભની ૨૦-૨૨ કડીઓ જોડી દેવામાં આવી છે તે પરથી બાંધવાનું મન થાય. બીજી રીતેય, એમાં પ્રયોજાયેલા ‘અંગદવિષ્ટિ’ના જેવા જ છંદોને એ સંવાદકૌશલની એવી જ અને બીજી વિશિષ્ટ ઝલકને કારણે એ ‘અંગદવિષ્ટિ’ના જોટાની રચના પ્રતીત થાય છે. રામ વાનરસેના સાથે લંકા પર ચડી આવ્યાની પૂર્વકથા કૃતિનો પૂરો અર્ધો ભાગ રોકે છે. ઉત્તરરાર્ધના અર્ધા ભાગમાં કૃતિને સાર્થનામ ઠરાવતો રાવણ અને મંદોદરી વચ્ચેનો સંવાદ એના બાકીના અર્ધા ભાગમાં પ્રજાના અઢારે વર્ણના પ્રતિનિધિઓની સીતા પાછાં સોંપવા સંબંધમાં રાવણને મળતી સલાહ આવે છે. આમ, આ કૃતિ પોતાની રીતે સ્વતંત્ર ઊભી રહી શકે છતાં એકબીજા સાથે અનુસંધિત થઈ શકે એવા ત્રણ ભાગ કે ખંડની સંમિશ્રિત ત્રિમૂર્તિ બની છે. એનો સૌથી રસિક ભાગ એનો છેવટનો ત્રીજો ભાગ છે. એનો પ્રધાન રસ વિનોદનો છે. એ વિનોદ શામળની વાર્તાઓમાં આવતી સમસ્યાઓના બુદ્ધિવર્ધક મનોરંજન કરતાં જુદા પ્રકારના લોકરંજક ચાતુર્યનો છે. વિપ્ર, વૈશ્ય, કણબી, સઈ, એમ બધા વ્યવસાયીઓના કુલ ૫૮ પ્રતિનિધિઓની રાવણને અપાતી સલાહમાં દરેકની દલીલ તથા દૃષ્ટાંત પોતપોતાના વ્યવસાયની લાક્ષણિકતામાંથી આવતાં બતાવી, તેમાં લોકાનુભવી નીપજ જેવી કહેવતો કે ઉક્તિઓનો ઉપયોગ કુશળતાથી કરી લઈ, શામળે પોતાની વિનોદરસિકતા સાથે લોકનિરીક્ષણ અને કહેવતોની પોતાની જાણકારીનો સારો પરિચય કરાવ્યો છે. “એક તો નામ શ્રીરામજી કેરું, બીજો અક્કલ થકી ઉખાણો” અને “જેને જેહ વણજ તે સૂઝે’(૧૭૬)’ એ કવિની પંક્તિઓ કવિએ શું સાધવા માગ્યું હતું અને સફળતાપૂર્વક સાધ્યું છે તે બતાવી આપે છે. “ભીખ તેને પછી ભૂખ શાની?” (વિપ્ર), “ક્યાં ગોલાને ઘેર ગાયો હતી ?” (ગોલો), “પાન ખાઈ મુખ કરીએ રાતું” (તંબોળી), “હડબડવું નહીં, હિંમત રાખવી, તેલ જો તેલની ધાર જો રે”(ઘાંચી), “નાચવા બેઠો ત્યાં ઘૂંઘટો શાનો”(ભવાયો), “શું ઘડો કે ઘેડ ઊતરશે, ચાક ઉપર હજી પિંડો છે”(કુંભાર)-આના જેવા આ કૃતિના અનેક પંક્તિખંડો આગળની વાતને ટેકો આપશે. કહેવતો અને અનુભવમૂલક લોકોકિતઓના વિનિયોગ અને પ્રદર્શનની માંડણ, શ્રીધર, અખાજી જેવા પુરોગામીઓની પ્રણાલી શામળે આમ પોતીકી વિશિષ્ટતા સાથે આમાં લંબાવી કહેવાય. કાવ્યની છેલ્લી લીટીઓ એમ સૂચવે છે કે રાવણે રાત્રિચર્યામાં પ્રજાજનોને સીતા-પ્રકરણમાં પોતાને વિશે આમ બોલતાં સાંભળ્યા છે. એમાં કેટલાક ઉદ્ગારો રાવણની ઇતરાજી વહોરી લે એવા હોઈ ભરસભામાં રાવણને તે કહેવાયા હોય એ બહુ સંભવિત ન લાગે.[અ.રા.]