ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રાસલીલા’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘રાસલીલા’ : વૈકુંઠદાસની ચોપાઈના ચાલ અને દોઢનાં બનેલાં ૩૯ પદોની આ કૃતિ(મુ.)માં ભાગવતના ‘રાસપંચાધ્યાયી’ના પ્રસંગ પર આધારિત કૃષ્ણ-ગોપીની રાસલીલાનો પ્રસંગ આલેખાયો છે. કથન, વર્ણન ને સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં પ્રારંભથી અંત સુધી પ્રસંગકથન પર કવિની સતત નજર રહી છે. એટલે કૃષ્ણની વાંસળી સાંભળી ગોપીઓનું ઘરકામ ને સ્વજનોને છોડી શરદપૂનમની મધ્ય રાત્રિએ વનમાં ચાલી નીકળવું, ગોપીઓને ઘરે પાછા ફરવા માટે કૃષ્ણે વિનંતિ કરવી, ગોપીઓએ શોકાકુળ બની પ્રત્યુત્તર આપવો, કૃષ્ણનું ગોપીઓ સાથે રાસ રમવું, ગોપીઓના મનમાં અભિમાન જાગવાથી કૃષ્ણનું અંતર્ધાન થઈ જવું, ગોપીઓનું વિરહવ્યાકુળ બની કૃષ્ણને શોધવું ને વિલાપ કરવો, કૃષ્ણનું પુન: પ્રગટ થવું, પોતા પ્રત્યેનો સાચો સ્નેહ કોને કહેવાય તે ગોપીઓને સમજાવવું અને ગોપીઓ સાથે રાસ રમવું-એ બધી ઘટનાઓ કવિ આલેખે છે. પરંતુ પ્રસંગકથન કરતા કરતા કવિ વર્ણનની તક જવા દેતા નથી. વ્યાકુળ ગોપીઓ, ગોપીઓનો શણગાર, કૃષ્ણ-ગોપી-રાસનાં ઔચિત્યપુર:સર વર્ણનો કરી કવિએ કૃતિને રસાવહ બનાવી છે. પ્રાસ-અનુપ્રાસ, અલંકારો ને સંસ્કૃતમય ભાષાના શિષ્ટ પોતનો પણ કૃતિને આસ્વાદ્ય બનાવવામાં મહત્ત્વનો ફાળો છે. દોઢના પ્રથમ શબ્દને ચાલના અંતિમ શબ્દ સાથે સાંકળી કવિએ પદને સુબદ્ધ બનાવ્યું છે.[જ.ગા.]