ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મી-સાહેબ લખીરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મી(સાહેબ)/લખીરામ [અવ.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, કારતક સુદ ૮, શુક્રવાર] : રવિભાણ સંપ્રદાયના સૌરાષ્ટ્રના હરિજન સંતકવિ. તેઓ ત્રિકમસાહેબ (અવ.ઈ.૧૮૦૨)ના શિષ્ય હતા અને તેમના અવસાન પછી કચ્છની ચિત્રોડાની ગાદીના વારસદાર બન્યા હતા. પહેલાં તેઓ ભૈરવના ઉપાસક હતા અને તેની સાધનાના ચમત્કારથી ત્રિકમસાહેબને પજવવાનો પણ પ્રયાસ કરેલો. ભાવનગર પાસે આવેલા ઈંગોરાળા ગામમાં ૧ મેઘવાળ સંત લખીરામ(લક્ષ્મીસાહેબ) થયા હોવાનું નોંધાયું છે. આ લખીરામ અને લક્ષ્મીરામ અને લક્ષ્મીસાહેબ એક હોવાની સંભાવના છે, કારણ કે ગુરુમહિમા ને અધ્યાત્મબોધનું ‘પ્યાલા’ તરીકે જાણીતું ૧ પદ લખીરામ અને લક્ષ્મીસાહેબ બંનેને નામે થોડા પાઠાંતર સાથે મુદ્રિત રૂપે મળે છે. લખીરામ પોતાનું વતન છોડી ચિત્રોડા ત્રિકમસાહેબ પાસે જઈ પાછળથી વસ્યા હોય એમ બની શકે. ‘પ્યાલા તો લખીરામ’ના એ રીતે જાણીતી થયેલી આ કવિની ભજનરચનાઓ (૪ મુ.)માં અધ્યાત્મની મસ્તી અને સદ્ગુરુનો મહિમા વ્યક્ત થયાં છે. લક્ષ્મીસાહેબને નામે ગુરુમહિમાનાં ને અધ્યાત્મપ્રેમનાં બીજાં ૪ ભજન (મુ.) મળે છે. કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧ અને ૨; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૩. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.); ૪. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [કી.જો.]