ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયચંદ્ર-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયચંદ્ર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્ર-સમયસુંદરની પરંપરામાં જ્ઞાનતિલકના શિષ્ય. કર્મફળના સિદ્ધાંતનું ઉત્તમકુમારના ચરિત્ર દ્વારા માહાત્મ્ય કરતી ૩ અધિકારમાં વિભાજિત ૪૨ ઢાળ અને ને ૮૪૮ કડીની ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ/ચોપાઈ/મહારાજકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૯૬/સં.૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર; મુ.) એમાંનાં અદ્ભુત અને વીરરસના નિરૂપણથી અને ઝડઝમકયુક્ત વર્ણનોથી કવિની રોચક રાસકૃતિ બની છે. એમની ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૬/સં.૧૭૫૨, ફાગણ સુદ ૫; મુ.) પણ એમાં ધ્રુવાઓ તરીકે પ્રયોજાયેલા પ્રેમભાવ સૂચક શબ્દો ને ઉદ્ગારોથી પ્રેમલક્ષણાભક્તિની અસર બતાવતી હોવાને લીધે વિશિષ્ટ બની છે. ‘વીસી’ (ર.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, આસો સુદ ૧૦; મુ.), દેશીબદ્ધ ‘અગિયાર અંગની સઝાયો’ (ર.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, ભાદરવા વદ ૧૦; મુ.), ૪ ઢાળ અને ૩૬ કડીની ‘જિનપ્રતિમાસ્વરૂપ-નિરૂપણસઝાય’(મુ.), ૨૧ કડીનું ‘શત્રુંજયયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૬૯૯ પછી; મુ.) અને ૫ ઢાળ અને ૩૧ કડીની ‘કુગુરુની સઝાય; (મુ.) એમની અન્ય કૃતિઓ છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ ‘ધ્યાનામૃત-રાસ’ અને ‘મયણરેહા-ચોપાઈ’ને પણ આ કવિની કૃતિઓ માની છે. પરંતુ તેમાં ‘મયણરેહા-ચોપાઈ’ અનોપચંદશિષ્ય વિનયચંદ્રની છે. કવિની ભાષા પર રાજસ્થાની હિંદીનો પ્રભાવ વરતાય છે. ૧૩ કડીની ‘સ્થૂલિભદ્ર-બારમાસા’(મુ.), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતી-સઝાય’(મુ.), ૯ કડીની ‘દુર્ગતિનિવારણ-સઝાય’(મુ.), ૧૩ કડીની ‘નેમિનાથરાજિમતી-બારમાસા’(મુ.) એ એમની હિન્દીમાં રચાયેલી કૃતિઓ છે. કૃતિ : ૧. વિનયચંદ્ર કૃતિ કુસુમાંજલિ, સં. ભવરલાલ નાહટા, સં. ૨૦૧૮.  ૨. ઐરાસંગ્રહ : ૩ (+સં.); ૩. પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગભાવિ : ૧૯(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]