ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયપ્રભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયપ્રભ [ઈ.૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિના શિષ્ય. ઈ.૧૩૨૬માં દીક્ષા. એમણે ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદની ૬૩ કડીમાં રચેલો ‘ગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૩૫૬/સં.૧૪૧૨, કરતક સુદ ૧; મુ.) જૈન સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બનેલો છે. ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા કરતો આ રાસ તેની રચનાગત વિશિષ્ટતાથી અને આલંકરિક વર્ણનોમાં પ્રગટ થતા કવિના કવિત્વથી ધ્યાનપાત્ર બને છે. આ રાસ ઉદયવંત/મંગલપ્રભ/વિજ્યભદ્ર/વિનયવંત એવાં કર્તાનામોથી પણ મળે છે. પરંતુ વસ્તુત: તે આ કર્તાની રચના છે. એ સિવાયનું ૪૧ કડીનું ‘ચૈત્યપરિપાટી-સ્તવન’ એમણે રચ્યું છે. ૨૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ તથા ૧૩ કડીનું ‘વિમલાચલ-આદિનાથ-સ્તવન’ એ આ કવિની કૃતિઓ ‘બોધીબીજ’ એવાં અપરનામથી મળે છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો : (+સં.); ૨. પ્રાગુકાસંચય (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. જૈસાઇતિહાસ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘વિનયપ્રભરચિત ગૌતમસ્વામીનો રાસ’;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ : ૧૯(૨); ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]