ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વચનામૃત’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘વચનામૃત’ [ર.ઈ.૧૮૨૦થી ઈ.૧૮૨૪] : સહજાનંદ સ્વામીએ ગઢડા અને અન્ય સ્થળોએ આપેલાં ૨૬૨ ઉપદેશવચનોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૌરવભર્યુ સ્થાન ધરાવતો ધર્મગ્રંથ(મુ.)સહજાનંદ સ્વામીએ આપેલાં ઉપદેશ-વચનોની નોંધ પરથી મુક્તાનંદ, ગોપાલાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ એ શિષ્યોએ આ વચનામૃતોને સંચિત કર્યાં છે તેથી સહજાનંદની પોતાની વાણી આ વચનામૃતોમાં જોવા મળે છે. ધર્મના વિચારોને આચારમાં મૂકી શકાય એવો વ્યવહારુ બોધ આ વચનામૃતોની લાક્ષણિકતા છે. ધર્મશાસ્ત્ર, ભક્તિ, વૈરાગ્ય, નીતિ, વેદાંત, અધ્યાત્મસાધના વગેરે વિશેના વિચારોને લોકગમ્ય વાણીમાં સમજાવવાનો એમાં પ્રયાસ છે, એ રીતે ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે આ ગ્રંથ ઉપયોગી સાધન બની રહે છે. ગદ્યમાં અનુભવાતો સૌરાષ્ટ્રી બોલીનો પાસ, વાક્યરચનામાં ‘જે’ સંયોજકનો ઉપયોગ, ‘અને’ વડે જોડાતાં વાક્યોની હારમાળા, વિશેષણાત્મક પદસમૂહો અને સંબંધદર્શક ‘તે’નો પ્રચુર ઉપયોગ વગેરે આ ગદ્યની કેટલીક તરી આવતી લાક્ષણિકતાઓ છે.[ચ.મ. , શ્ર.ત્રિ.]