ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વલ્લભાખ્યાન’


‘વલ્લભાખ્યાન’ : રામદાસપુત્ર ગોપાળદાસની ‘આખ્યાન’ નામક ૯ કડવાંની ‘નવાખ્યાન’ને નામે પણ ઓળખાયેલી આ કૃતિ(મુ.) પહેલા કડવામાં શુદ્ધાદ્વૈતસિદ્ધાંત અનુસાર પ્રભુના નિત્યસ્થાન અને જગતની ઉત્પત્તિનું વર્ણન કરે છે, બીજા કડવામાં શ્રી વલ્લભાચાર્યની પ્રશસ્તિપૂર્વક શ્રી વિઠ્ઠલનાથજીના જન્મનો હેતુ નિર્દેશે છે અને ત્રીજા કડવાથી વિઠ્ઠલનાથજીનું ચરિત્ર આલેખે છે. છેલ્લા કડવામાં શ્રી વલ્લભાચાર્યજીના પરિવારોનો નિર્દેશાત્મક પરિચય અપાયેલો છે. આ રીતે, આ આખ્યાન વસ્તુત: ‘વલ્લભાખ્યાન’ નહીં પણ ‘વિઠ્ઠલનાથાખ્યાન’ છે. વિઠ્ઠલનાથજીને પુરુષોત્તમના અવતારરૂપ ગણાવી કવિએ, એમના જીવનનું હકીકતનિષ્ઠ વર્ણન કરવાને બદલે એમની લીલાઓ ગાઈ છે અને એમનો ગુણાનુવાદ કર્યો છે. આ રીતે આ મુખ્યત્વે વર્ણનાત્મક અને ભાવાનુપ્રાણિત રચના છે. શબ્દાલંકાર તથા અર્થાલંકારનું સૌંદર્ય ધરાવતાં વર્ણનોમાં તેમ જ કાવ્યની શિષ્ટ પ્રૌઢ બાનીમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે. ઝૂલણા, ચોપાઈ, સવૈયાની દેશીઓને વિવિધતા સાથે પ્રયોજતા આ આખ્યાનને કવિએ જુદા જુદા રાગોમાં બાંધ્યું છે ને સાંપ્રદાયિકોમાં એ આખ્યાનનાં કડવાં નિશ્ચિત રાગતાલમાં, રાગ અનુસાર દિવસના જુદા જુદા ભાગમાં ગવાય છે. જેના પર વ્રજ તેમ જ સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખાઈ હોય તેવું આ એકમાત્ર જૈનેતર ગુજરાતી કાવ્ય છે ને ટીકાઓ લખનાર વૈષ્ણવ આચાર્યોએ ગોપાલદાસનું દાસત્વ ઇચ્છયું છે. આ બધું આ આખ્યાનનું સંપ્રદાયમાં કેટલું મહત્ત્વ છે તે બતાવે છે. વિઠ્ઠલનાથના પુત્ર ઘનશ્યામજીના પરિણીત જીવનનો નિર્દેશ કરતું આ કાવ્ય એમના લગ્ન (ઈ.૧૫૯૨) પછીના થોડા સમયમાં રચાયેલું હોવાનું માની શકાય. [જ.કો.]