ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિવદાસ-૧ [ઈ.૧૪૪૭ કે ઈ.૧૫૧૭માં હયાત] : કવિના જીવન વિશે બીજી કોઈ માહિતી મળતી નથી, પરંતુ તે જૈનેતર છે એટલું એમની કૃતિઓ પરથી સમજાય છે. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૦૦ ઉપરાંત કડીની ‘કામાવતીની કથા’(ર.ઈ.૧૪૪૭ કે ૧૫૧૭/સં. ૧૫૦૩ કે ૧૫૭૩, ભાદરવા વદ ૮, રવિવાર; મુ.)ના કર્તા. મનુષ્યયોનિ અને પંખીયોનિના પહેલાં ૨ પૂર્વાવતારોમાં વિધિવશાત્ એકઠાં નહીં રહી શકેલાં કરણકુંવર અને કામાવતીની ૩ ભવની કથાને આલેખતી આ કૃતિ કૌતુકમય પ્રસંગો, કરણકુંવર-કામાવતીના આકર્ષક પાત્રચિત્રો, સંભોગ ને વિપ્રલંભનું મનભર નિરૂપણ ને આલંકારિક વર્ણનછટાને લીધે મધ્યકાલીન ગુજરાતીની ધ્યાનાર્હ પ્રેમકથા બની રહે છે. નરવાહન અને પદ્માવતીના ૨ પૂર્વભવો સાથે કુલ ૩ ભવની પ્રેમકથાને પહેલા ૨ ખંડમાં અને બાકીના ૨ ખંડમાં તેમના પુત્રો હંસ અને વચ્છની કથાને આલેખતી ૪ ખંડમાં વિભક્ત ને મુખ્યત્વે દુહા-ચોપાઈમાં નિબદ્ધ ૧૩૬૨ કડીની ‘હંસવાળી’(મુ.) નામક ધ્યાનાર્હ કૃતિ તથા વિજનગરના રાજકુમાર રૂપસેનનાં પરાક્રમો અને તેના કણયાપુરની રાજકુંવરી સાથેના પ્રેમ અને પરિણયની કથા કહેતી દુહા-ચોપાઈબદ્ધ ૧૨૫ કડીની ‘રૂપસેન-ચતુષ્પદિકા’(મુ.) એ ૨ કૃતિઓ પણ શિવદાસને નામે મળે છે. એમના કર્તા આ શિવદાસ હોવાની સંભાવના છે, જો કે એ માટે કોઈ નિશ્ચિત આધાર નથી. કૃતિ : ૧. કામાવતી (કવિ શિવદાસ), સં. મગનલાલ દ. જોષી અને નાથાલાલ ગૌ. ધ્યાની, ઈ.૧૯૦૩ (+સં.); ૨. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાકૃત કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬ (+સં.); ૪. લોકવાર્તાકાર શિવદાસકૃત કામાવતી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૭૨ (+સં.); ૫. શિવદાસકૃત રૂપસેન ચતુષ્પદિકા, સં. કનુભાઈ વ્ર. શેઠ, ઈ.૧૯૬૮ (+સં.); ૬. હંસવાળી-;  ૭. નકાદોહન;  ૮. સાહિત્ય, ઈ.૧૯૧૯થી ઈ.૧૯૨૧ના અંકો, સં. હરગોવિંદદાસ કાંટાવાળા-‘હંસા ચારખંડી’(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૬. ફત્રૈમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૭૭ અને જુલાઈ-સપ્ટે. ૧૯૭૮-‘શિવદાસકૃત કામાવતીની રચ્યાસાલ’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગભાવિ. [પ્ર.શા.]