ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજાનંદ
સહજાનંદ [જ.ઈ.૧૭૮૧/સં.૧૮૩૭, ચૈત્ર સુદ ૯-અવ. ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, જેઠ સુદ ૧૦, મંગળવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક. અયોધ્યા પાસેના છપૈયા ગામે જન્મ. જ્ઞાતિએ સામવેદી બ્રાહ્મણ. દેવશર્મા/હરિપ્રસાદ પાંડે ને ભક્તિદેવી/પ્રેમવતીના વચેટ પુત્ર. મૂળ નામ હરિકૃષ્ણ, પરંતુ બધાં એમને ઘનશ્યામ નામથી બોલાવતાં. બાળપણમાં પિતા પાસે ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. માતા-પિતાનું અવસાન થતાં ૧૨ વર્ષની ઉંમરે ગૃહત્યાગ અને ‘નીલકંઠવર્ણી’ નામ ધારણ કર્યું. ૭ વર્ષનાં ભારતભ્રમણ દરમ્યાન હિમાલયમાં આવેલા પુલહાશ્રમમાં તપશ્ચર્યા કરી, નેપાળના ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી અને અનેક તીર્થસ્થળોની યાત્રા કરી. ઈ.૧૮૦૦માં સૌરાષ્ટ્રના માંગરોળ પાસેના લોજ ગામે મુક્તાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને પછી મુક્તાનંદના ગુરુ રામાનંદ સ્વામીને પીપલાણામાં મળ્યા અને તેમની પાસે દીક્ષા લઈ સહજાનંદ બન્યા. ઈ.૧૮૦૧માં અનેક વરિષ્ઠ શિષ્યોને છોડી રામાનંદ સ્વામીએ ૨૦ વર્ષના સહજાનંદને પોતાના અનુગામી તરીકે જેતપુરની ગાદીના આચાર્ય બનાવ્યા. ત્યારથી સમગ્ર ગુજરાત સહજાનંદની ધાર્મિક અને સામાજિક પવૃત્તિનું કેન્દ્ર બન્યું. એમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત અને વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈતનો મુખ્ય આધાર લઈ અન્ય ધર્મોનાં અનુકરણીય તત્ત્વોનો સમન્વય કર્યો અને એ ધર્મોમાં રહેલાં અનિષ્ટ તત્ત્વોથી દૂર રહેવાનું પસંદ કર્યું. આ સમન્વયકારી ધર્મનો પ્રસાર ખાસ કરીને કોળી, કણબી, સઈ, સુથાર, કડિયા, કુંભાર જેવી જ્ઞાતિઓમાં વિશેષ થયો. ધર્મપ્રસારની સાથે એ જ્ઞાતિઓમાં પ્રવર્તતા સામાજિક કુરિવાજો દૂર કરવાનું કાર્ય પણ એમણે કર્યું એ દૃષ્ટિએ સમાજિક સુધારક તરીકે પણ એમની સેવા નોંધપાત્ર છે. ગઢડા, અમદાવાદ, વડતાલ વગેરે સ્થળોએ સંપ્રદાયના મંદિરો બંધાવી સમગ્ર ગુજરાતમાં એક સ્થાયી અનુયાયી વર્ગ ઊભો કર્યો અને સંપ્રદાયને સ્થિર રૂપ આપ્યું. ગઢડામાં અવસાન. ગઢડા અને અન્ય સ્થળોએ સહજાનંદ સ્વામીએ ઈ.૧૮૨૦-૨૪ દરમ્યાન આપેલાં ૨૬૨ ઉપદેશવચનોને ઉતારી એમના શિષ્યોએ જેમાં સંચિત કર્યા છે તે ‘વચનામૃત’(મુ.) ધર્મના ગૂઢ વિચારો લોકગમ્ય વાણીમાં મૂકવાના પ્રયાસ તરીકે અને ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધ ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે મહત્ત્વનો ધર્મગ્રંથ છે. સંપ્રદાયના પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને ઉદ્દશીને પત્ર રૂપે ગદ્યમાં લખાયેલા ‘વેદરહસ્ય/વેદરસ’(મુ.)માં પરમતત્ત્વ સાથે એકાત્મભાવ અનુભવવા માટે પરમહંસોએ નિર્લોભી, નિષ્કામી નિસ્પૃહી, નિ:સ્વાદી ને નિર્માની એ પંચવર્તમાન કેવી રીતે જીવનમાં કેળવવા એની સવિસ્તર સમજૂતી આપી છે. એ સિવાય રામાનંદ, પરમહંસમંડળ તથા અન્ય સત્સંગીઓને સંબોધીને ધર્મના તત્ત્વને સમજાવતા અને આચારના નિયમો સમજાવતા, ગુજરાતી, હિન્દીમિશ્ર ગુજરાતી અને હિન્દીમાં લખાયેલા ૫૪ પત્રોનો ‘શ્રીજીની પ્રસાદીના પત્રો’(મુ.) તથા ‘દેશવિભાગનો લેખ’ (ઈ.૧૮૨૭/સં.૧૮૮૩, માગશર, સુદ ૧૫; મુ.) એમના અન્ય ગદ્યગ્રંથો છે. કૃતિ : ૧. દેશવિભાગનો લેખ, પ્ર. ધર્મસ્વરૂપદાસજી, ઈ.૧૯૩૭; ૨. (શ્રીજીની પ્રસાદીના) પત્રો, સં. માધવમલ દ. કોઠારી, ઈ.૧૯૨૨; ૩. વેદરસ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા, ઈ.૧૯૭૮(ત્રીજી આ.); ૪. શિક્ષાપત્રી, પ્ર. એજ્યુકેશન સોસાયટી, ઈ.૧૯૬૨; ૫. એજન, પંચરત્ન નિત્યવિધિ, સં. હરિજીવનદાસ, ઈ.૧૯૩૫; ૬. સુધાસિંધુ અથવા શ્રી સહજાનંદ સ્વામી પુરાણ પુરુષોત્તમનાં ૨૬૬ વચનામૃત, પ્ર. દામોદર ગો. ઠક્કર, ઈ.૧૯૦૧ (ચોથી આ.). સંદર્ભ : ૧. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી, હર્ષદરાય ટી. દવે,-; ૨. ભગવાન સ્વામિનારાયણ, હરીન્દ્ર દવે, ઈ.૧૯૭૮ (બીજી આ.); ૩. સદાચારના સર્જક સ્વામી સહજાનંદ, ગોરધનદાસ જી. સોરઠિયા-; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય; ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે; ૮. ફાહનામાવમિ : ૨. [ચ.મ.; શ્ર.ત્રિ.]