ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના
ગુજરાતી સાહિત્યનો સર્વાંગી પરિચય આપતો આ કોશ ગુજરાતી સાહિત્ય પરિષદના એક દાયકાના તપની ફલશ્રુતિ છે. આ પ્રકાશન અપૂર્વ ભલે ન હોય, અનન્ય તો છે જ. આ સંકલ્પ કેમ કરીને સિદ્ધ થયો એની કેટલીક વીગતો અહીં ઐતિહાસિક સંદર્ભમાં નોંધપાત્ર છે. શ્રી રઘુવીર ચૌધરી પરિષદમંત્રી હતા ત્યારે એમણે ગુજરાત રાજ્ય સરકાર સાથે કરેલા પત્રવ્યવહારમાં નોંધાયું છે તેમ સને ૧૯૭૯ના જૂનની ૨૨મી તારીખે સ્વ. ઉમાશંકર જોશી, શ્રી યશવંત શુક્લ, સ્વ. ઈશ્વર પેટલીકર, અને શ્રી પિનાકિન ઠાકોર સાથે એમણે તે વખતના મુખ્ય પ્રધાન શ્રી બાબુભાઈ સમક્ષ આ યોજના રજૂ કરી. શિક્ષણમંત્રી શ્રી નવલભાઈ શાહ અને નાણામંત્રી શ્રી દિનેશભાઈ શાહે શ્રી બાબુભાઈની સંમતિને અમલમાં મૂકી અને છ માસની ટૂંકી મુદતમાં સાહિત્યકોશની યોજના શરૂ થઈ. ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ નિયુક્ત કરેલી વરણી સમિતિએ સાહિત્યકોશના સંપાદનની મુખ્ય જવાબદારી ઉપાડવા માટે નવી પેઢીના સંનિષ્ઠ અભ્યાસીઓને નિમંત્રણ આપવા ઠરાવ્યું. તે પ્રમાણે તા. ૮-૧૨-૧૯૭૯ના પત્રથી શ્રી જયંત કોઠારીને મુખ્ય સંપાદક તરીકે અને શ્રી ચંદ્રકાન્ત શેઠને સહસંપાદક તરીકે સેવાઓ આપવા નિમંત્રણ પાઠવ્યાં. એમની સંસ્થાઓ જી. એલ. એસ. ગર્લ્સ કૉલેજ અને ગૂજરાત વિદ્યાપીઠે એમની સેવાઓ લિયન પર આપીને પરિષદને ઉપકૃત કરી. સાહિત્યકોશનું કામ શરૂ કર્યું ત્યારે અંદાજ એવો હતો કે સંપાદનનું કામ પાંચેક વર્ષની મુદતમાં પૂરું થઈ જશે, પણ શ્રી જયંત કોઠારીનાં ખંત અને ચીવટને કારણે સંપાદનમાં સંશોધનવૃત્તિ ભળી, યોજનામાં એક નવું પરિમાણ ઉમેરાયું, તેથી મુદત બેવડાઈ. એમણે કોશના સહકાર્યકરો સાથે ગ્રંથાલયો અને ગ્રંથભંડારોની મુલાકાત લઈ, જ્યાં શક્ય હતું ત્યાં હસ્તપ્રતો પણ તપાસી અને પૂર્વે થયેલાં આ પ્રકારનાં સંપાદનકાર્યોની દુરસ્તી પણ કરી. શ્રી જયંત કોઠારીએ સાડાચાર વર્ષ માનાર્હ મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપી. શ્રી ચંદ્રકાન્ત શેઠને માથે શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામકની જવાબદારી આવતાં એમણે માનાર્હ સંપાદક તરીકે બેએક વર્ષ કાર્ય સંભાળ્યું અને શ્રી રમણ સોનીએ સહસંપાદક તરીકેની જવાબદારી સ્વીકારી. શ્રી કોઠારી તા. ૩૦-૬-૧૯૮૭થી સાહિત્યકોશના સંપાદનકાર્યમાંથી મુક્ત થયા ત્યારે શ્રી જયંત ગાડીત સાહિત્યકોશના બીજા ખંડ સાથે સંકળાયેલા હતા. એમણે શ્રી કોઠારીના ઉત્તરાધિકારી તરીકે સ્તુત્ય કાર્ય કર્યું છે. શ્રી રમેશ ર. દવે પણ આ યોજના સાથે આરંભકાળથી સંકળાયેલા રહ્યા છે. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામક થવાની સાથે સમગ્ર કોશયોજનાની વહીવટી જવાબદારી ઉપાડી લીધી. એમના સંપાદન હેઠળ કોશનો બીજો-ત્રીજો ભાગ નિયત સમયમાં પૂરો થાય એ માટે એ કૃતસંકલ્પ છે. જણાવતાં આનંદ થાય છે કે ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૨ (અર્વાચીન કાળ)’ ફેબ્રુઆરી, ૧૯૯૦ સુધીમાં સુલભ થશે. પ્રારંભિક વર્ષોમાં કોશની સલાહકાર સમિતિના સભ્યોએ દિવસોના દિવસ આપ્યા છે. સ્વ. ઉમાશંકર જોશી, શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી નગીનદાસ પારેખ અને શ્રી યશવંત શુક્લની સેવાઓ અવિસ્મરણીય રહેશે. જરૂર ઊભી થાય ત્યાં શ્રી ચી. ના. પટેલ પાસેથી પણ માર્ગદર્શન મળતું. સંકલ્પ કર્યો ત્યારે સાહિત્યકોશની ૧૧૦૦ નકલ છાપવાની ગણતરી હતી, પણ પરિષદના એક ટ્રસ્ટી શ્રી એચ. એમ. પટેલની સલાહથી ૨૦૦૦ નકલ છાપવાનું મધ્યસ્થ સમિતિએ સૂચવ્યું. કાગળ પાછળ અગાઉથી રોકાણ કરવું કે કેમ એક પ્રશ્ન હતો. પણ એ જોખમ ફાયદાકારક ઠરે એટલી હદે પછીનાં વર્ષોમાં કાગળના ભાવ વધ્યા છે. કોશ માટેનો આ ખાસ કાગળ તો એની ગુણવત્તા નક્કી કરીને તૈયાર કરાવેલો છે. અન્યથા કોશનું નિર્માણખર્ચ ઘણું વધી જાત. ગુજરાત રાજ્ય સરકાર આ યોજના માટે પંચોતેર ટકા અનુદાનની શરતે વધુમાં વધુ દસ લાખ રૂપિયા આપશે એવો આદેશ હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હસુ યાજ્ઞિકે આ અનુદાન દ્વારા કોશનો પ્રથમ ભાગ સંપાદિત-પ્રકાશિત થાય એનું ઔચિત્ય સ્વીકાર્યું. રાજ્યની આ સાહિત્યસંસ્થાનું વલણ સતત સહકારનું રહ્યું છે એ નોંધતાં આભારની લાગણી જાગે છે. ઉપર્યુક્ત સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય સરકારે આજ સુધી રૂ. ૯,૫૦,૦૦૦/- (નવ લાખ પચાસ હજાર) અનુદાન આપ્યું છે. શ્રી જયવદન તકતાવાળા દ્વારા આ કોશ માટે રૂ. ૫૦,૦૦૦/- (પચાસ હજાર)નું દાન મળેલું. કોશનો આ પ્રથમ ખંડ મધ્યકાલીન સાહિત્ય વિશે હોઈ શ્રી ચીમનલાલ ચકુભાઈ પ્રેરિત ‘આચાર્ય હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ’ અને શ્રી વાડીલાલ પરિવાર પ્રેરિત ‘નરસિંહ મહેતા સ્વાધ્યાયપીઠ’ના ભંડોળમાંથી બે લાખ એંશી હજાર જેટલી રકમ એના પ્રકાશન પાછળ ખપમાં લીધી છે, જે વેચાણ દ્વારા પાછી મળતાં બંને સ્વાધ્યાયપીઠની પ્રવૃત્તિઓમાં ફરી રોકાશે.
આ સાહિત્યકોશને ગુજરાત અને ગુજરાત બહાર વસતા સમગ્ર ગુજરાતી સમાજનો આવકાર મળશે એવી આશા છે.ગોવર્ધન ભવન
ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
૨૮, નવેમ્બર, ૧૯૮૯
નરોત્તમ પલાણ વર્ષા અડાલજા પ્રિયકાન્ત પરીખ ભોળાભાઈ પટેલ મંત્રીઓ