ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંપાદકીય-પ્રથમ આવૃત્તિ
ગુજરાતી સાહિત્યકોશ-એક બૃહત્ કોશ

ગુજરાતી સાહિત્ય પરિષદને ઉપક્રમે જ્યારે ‘ગુજરાતી સાહિત્યકોશ’ તૈયાર કરવાનું નક્કી થયું ત્યારે સાહિત્યકોશ માટે રચાયેલી સલાહકાર સમિતિ અને સાહિત્યકોશના સંપાદકોના મનમાં ગુજરાતી સાહિત્યનો બૃહત્કોશ તૈયાર કરવાની કલ્પના હતી, કારણ કે અત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો કોઈ કોશ તૈયાર થયો નથી. સીમિત હેતુથી મર્યાદિત સાધનોનો સંદર્ભ તરીકે આધાર લઈ તૈયાર થયેલા કોશ જોવા મળે છે, પરંતુ જેમાં ગુજરાતી સાહિત્ય સાથે સંબંધિત દરેક વસ્તુની માહિતી ઉપલબ્ધ થાય એવો કોઈ સર્વગ્રાહી કોશ આપણી પાસે ન હતો. ‘ગુજરાતી સાહિત્યકોશ’ એવા બૃહત્કોશની દિશામાં થયેલો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. આ પ્રકારના કોશમાં વિવિધ સાધનો પરથી એકત્ર કરેલી સામગ્રીને ‘અ’કારાદિ ક્રમમાં ગોઠવીને મૂકી શકાય, પરંતુ એ રીતે કોશ તૈયાર કરવાનું કાર્ય ઘણું જટિલ બનવાની સંભાવના લાગતાં સલાહકાર સમિતિએ ‘મરાઠી વાઙમયકોશ’ને નજર સમક્ષ રાખી તથા ગુજરાતી સાહિત્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બધી સામગ્રીને ત્રણ વિભાગમાં વહેંચી તેમના અલગ અલગ ગ્રંથ પ્રગટ કરવાનું સર્વાનુમતે સ્વીકાર્યું. એ મુજબ પહેલા ખંડમાં મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓ, બીજા ખંડમાં અર્વાચીન કર્તાઓ અને કૃતિઓ તથા ત્રીજા ખંડમાં સાહિત્યપ્રકારો, સાહિત્યપ્રવાહો, પરિબળો, સાહિત્યિક વિભાવનાઓ વગેરે વિશેનાં અધિકરણનો સમાવેશ કરવાનું વિચારાયું.

સાહિત્યકોશનો વ્યાપ

પહેલા ખંડમાં ઈ. ૧૨મી સદીથી ૧૮૫૦ સુધી મુખ્યત્વે જેમનું સર્જનકાર્ય થયું હોય એવા ગુજરાતી સાહિત્યના કર્તાઓને સમાવ્યા છે. ઈ. ૧૮૫૦ પૂર્વે રચાયેલું ગુજરાતી સાહિત્ય, સાહિત્યનાં પ્રેરક બળો, સાહિત્યનું પ્રયોજન, સાહિત્યપ્રકારો કે અભિવ્યક્તિ એમ દરેક રીતે ઈ. ૧૮૫૦ પછી રચાયેલા ગુજરાતી સાહિત્યથી અલગ પડી જાય છે. એટલે એને ‘મધ્યકાલીન સાહિત્ય’ એવી સંજ્ઞાથી ઓળખાવી એ સમય સુધીનાં કર્તા-કૃતિનો અલગ ગ્રંથ કર્યો છે. આને કારણે ઈ. ૧૮૫૦ પૂર્વે રચાયેલી હોય છતાં જે કૃતિઓ પર પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ પડ્યો હોય તો એ કૃતિઓ અને એમના કર્તાઓને અર્વાચીન ગણી પહેલા ખંડમાં સ્થાન નથી આપ્યું. કોશને સર્વગ્રાહી બનાવવા તરફ લક્ષ હોવાને લીધે પહેલા ખંડમાં મધ્યકાળના ગુજરાતી ભાષાના સર્વ જ્ઞાત કર્તાઓ તથા એમની નોંધપાત્ર કૃતિઓ વિષેનાં અધિકરણ છે. સર્વ એટલે જેમણે ૧ પદ કે સ્તવન રચ્યું હોય એ દરેક કર્તાને કોશમાં સ્થાન મળ્યું છે. આ ખંડ પૂરતો ‘સાહિત્ય’ શબ્દને પણ વિશાળ અર્થમાં લીધો છે. એટલે વૈદક કે જ્યોતિષનો ગ્રંથ રચનાર કર્તા પણ અહીં જોવા મળશે. આ ખંડમાં મુદ્રિત સાધનો પરથી ઉપલબ્ધ દરેક કર્તાને સમાવ્યા છે. ગ્રંથો અને સામયિકોમાં મુદ્રિત રૂપે મળતી કૃતિઓ, એમાં થયેલા ઉલ્લેખો તથા ગ્રંથભંડારોમાં હસ્તપ્રત રૂપે પડેલી કૃતિઓની મુદ્રિત હસ્તપ્રતયાદીઓનો એ માટે આધાર લેવામાં આવ્યો છે. જે ગ્રંથભંડારોની યાદીઓ અમુદ્રિત હોય તો તેમને લક્ષમાં નથી લીધી. મુદ્રિત સાધનોનો જ આધાર લેવા છતાં એમાં શ્રી કે. કા. શાસ્ત્રીકૃત ‘કવિચરિત: ૩’ અપવાદરૂપ છે. ‘કવિચરિત: ૧-૨’ની જેમ હસ્તપ્રતો પ્રત્યક્ષ જોઈને જે તે કર્તા વિશે લેખકે અહીં પણ નોંધ આપી હોવાને લીધે તથા આ અપ્રકાશિત ગ્રંથની હસ્તપ્રત ઉદાર હૃદયે તેમણે કોશને વાપરવા આપી, એટલે કોશે એ ગ્રંથનો સંદર્ભ તરીકે આધાર લીધો છે. એ સિવાય યુનિવર્સિટીઓમાં તૈયાર થયેલા, પરંતુ અત્યાર સુધી અમુદ્રિત રહેલા મહાનિબંધો કે બીજા કોઈ અમુદ્રિત ગ્રંથોનો આધાર નથી લીધો. ચોક્કસ મધ્યકાલીન વિષય પર કોઈ વિદ્વાને સંશોધનકાર્ય કર્યું હોય, પરંતુ એમનું કાર્ય ગ્રંથ રૂપે પ્રકાશિત ન થયું હોય તો એ વિષય પર અધિકરણો લખી આપવા માટે તે વિદ્વાનનો સહકાર માગ્યો છે અને અમને જણાવતાં આનંદ થાય છે કે મહદ્અંશે વિદ્વાનોએ એમાં સહાકર આપ્યો છે. કોશના સંપાદનકાર્ય દરમ્યાન કોશને વધારે ચોક્કસ અને સંપૂર્ણ બનાવે એવા ગ્રંથો પ્રકાશિત થયા ત્યારે બને ત્યાં સુધી કોશમાં એવા ગ્રંથોનો આધાર લઈ લેવાનું વલણ રહ્યું છે. ‘અ ડિસ્ક્રિપ્ટિવ કૅટલોગ ઑવ ગુજરાતી, હિન્દી, ઍન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑફ બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, ખંડ: ૧’ હસ્તપ્રતયાદી કોશનાં સંપાદનકાર્ય અને મુદ્રણ ઠીકઠીક પૂરાં થઈ ગયાં ત્યારે પછી પ્રકાશિત થઈ. એટલે ‘૫’ વર્ણથી ઉપલબ્ધ થતા કર્તાઓ અને એમની કૃતિઓને અહીં સમાવ્યાં છે, પરંતુ એ પૂર્વેના કર્તાઓ વિશે એમાં મળતી માહિતીને કોશમાં નથી સમાવી.

ગુજરાતી કર્તાઓનો કોશ

મધ્યકાળના ઘણા કર્તાઓએ ગુજરાતી ઉપરાંત રાજસ્થાની, હિંદી કે સંસ્કૃતમાં પણ ગ્રંથો રચ્યા છે. એવા કર્તાઓની ગુજરાતી કૃતિઓ વિશે વીગતે નોંધ લીધા પછી એમના અન્ય ભાષાઓમાં થયેલા પ્રદાનનો માત્ર ઉલ્લેખ કર્યો છે. જે કર્તાની એક પણ ગુજરાતી કૃતિ ઉપલબ્ધ ન હોય એને કોશમાં સ્થાન નથી મળ્યું. કેટલાક કર્તાઓની કૃતિઓની ભાષા પર હિંદી-રાજસ્થાનીનો વિશેષ પ્રભાવ વરતાતો હોય કે ક્યારેક એમની એક જ કૃતિમાં ગુજરાતી સાથે રાજસ્થાની-હિંદીનું મિશ્રણ દેખાતું હોય તો એવા કર્તાઓ અને એ કૃતિઓને એવા ચોક્કસ નિર્દેશ સાથે કોશમાં સમાવ્યાં છે. કચ્છી સિંધીની બોલી હોઈને અને ચારણી પણ ગુજરાતીથી ભિન્ન સ્વરૂપવાળી હોઈને એ ભાષાઓમાં સર્જન કરનાર કર્તાઓને નથી સમાવ્યાં. કોશ માટે સૌથી વધારે સમસ્યારૂપ ગુજરાત પ્રદેશમાં રચાયેલી અપભ્રંશ કૃતિઓ હતી. એક મત એવો હતો કે આ અપભ્રંશ કૃતિઓ અને તેમના કર્તાઓને ગુજરાતી ગણી કોશમાં સમાવવા. પરંતુ આ મત સૌને સ્વીકાર્ય ન હતો. આખરે સલાહકાર સમિતિએ એક ઉપસમિતિની રચના કરી અને એના સૂચનને આધારે એવો નિર્ણય કરવામાં આવ્યો કે સ્પષ્ટપણે અપભ્રંશ ભાષાની જ ગણાય એવી કૃતિઓ અને તેમના કર્તાઓને કોશમાં ન સમાવવાં, પરંતુ જે કૃતિઓમાં ગુજરાતી ભાષાનાં લક્ષણો વધારે દેખાતાં હોય તે કૃતિઓને ગુજરાતી ગણી એમના કર્તાઓને કોશમાં સ્થાન આપવું. એ મુજબ કોશકર્યાલયે ડૉ. હરિવલ્લભ ભાયાણી અને અન્ય વિદ્વાનોની સલાહથી અપભ્રંશ અને ગુજરાતી કૃતિઓને જુદી તારવી.

પ્રમાણભૂત કોશ

સાહિત્યકોશ એ ઉપલબ્ધ સામગ્રીનું માત્ર સંકલન નથી, એનું સંશોધન પણ છે, કારણ કે કોશને પ્રમાણભૂત બનાવવો એ એનો બીજો ઉદ્દેશ હતો. વિવિધ સાધનોમાંથી ઉપલબ્ધ સામગ્રીનો જ્યારે એકસાથે મૂકવામાં આવી ત્યારે એમાં ઘણી મુશ્કેલીઓ નજરે ચડી. ક્યાંક માહિતીના મૂળ આધાર સુધી ગયા વગર પરંપરાથી ચાલી આવતી માન્યતાને અનુસરવાનું વલણ હતું. સંપ્રદાય કે અનુયાયીઓ પાસેથી મળતી માહિતીમાં અતિશયોક્તિ અને દંતકથાત્મક તત્ત્વોનું પ્રમાણ વિશેષ હતું. ક્યાંક સરતચૂકથી કર્તાઓ અને કૃતિઓની ભેળસેળ થઈ ગઈ હતી. ક્યાંક નામફેર થવાથી કૃતિઓ અને કર્તાઓ બેવડાયા હતા. ક્યાંક અનુમાનથી ખોટી માહિતી જોડી દેવાનું બન્યું હતું. આ સંજોગોમાં સંદર્ભની અધિકૃતતા-અનધિકૃતતા ચકાસવાનું આવશ્યક બન્યું. સામાન્ય રીતે કોશે કર્તા કે કૃતિ વિશેની અધિકૃતતા ચકાસવા માટે મૂળ આધાર સુધી જવાનું વલણ રાખ્યું છે અને બીજા કે ત્રીજા આધારો પરથી આવતી માહિતીને અન્યત્રથી સમર્થન ન મળતું હોય તો મોટે ભાગે સ્વીકારી નથી. તેમ છતાં એમાં ક્યારેક અપવાદ કરવા પડ્યા છે. જેમ કે ‘પુષ્ટિમાર્ગીય જૂના સાહિત્યકારો વિશે કંઈક’માં પુષ્ટિમાર્ગી કવિઓ વિશે અપાયેલી યાદીના કર્તાઓની અધિકૃતતા ચકાસવાનું બીજું કોઈ સાધન ઉપલબ્ધ ન હોવાને લીધે અન્યત્રથી વિરોધ ન આવતો હોય તો એ કર્તાઓને ગુજરાતી કર્તાઓ તરીકે સ્વીકારી લીધા છે, થોડા હિંદી કવિઓ એમાં દાખલ થઈ ગયા હોવાની શક્યતા છતાં. પરંતુ આ પ્રકારની અન્ય સંદર્ભયાદીઓને અન્ય આધારોના પ્રકાશમાં ચકાસીને ચાલવાનું વલણ રહ્યું છે. હસ્તપ્રતયાદીઓમાંથી મળતી માહિતીની અધિકૃતતાને ચકાસવાનું કામ કોશ માટે અશક્ય હતું. જો કે એમાં ભૂલો થઈ હોવાનું ઘણી જગ્યાએ ચોખ્ખું દેખાતું હતું. કોઈક હસ્તપ્રતયાદીમાં કર્તાનું નામ ખોટું મુકાયાની શંકા જતી હતી. કોઈક હસ્તપ્રતયાદીમાંથી મળતી માહિતી અન્ય સાધનોમાંથી મળતી માહિતી સાથે મેળમાં નહોતી. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ કોશકાર્યાલયને મૂળ હસ્તપ્રત સુધી જવાની ફરજ પડી. તેને પરિણામે કોશમાં ઘણી શુદ્ધિવૃદ્ધિ થઈ છે. બધી હસ્તપ્રતયાદીઓમાં મોહનલાલ દલીચંદ દેશાઈ દ્વારા સંપાદિત ‘જૈન ગુર્જર કવિઓ’ વધારે શ્રદ્ધેય જણાઈ છે. તેથી જ્યારે મૂળ હસ્તપ્રત સુધી જવાનું શક્ય ન હોય ત્યાં ‘જૈન ગુર્જર કવિઓ’ની માહિતીને આધારભૂત માનીને ચાલવાનું વલણ રહ્યું છે. કોશમાં તો વિવિધ સંદર્ભસાધનોમાંથી મળતી માહિતી પરથી કર્તાનાં નામ, સમય, જીવન કે એમની કૃતિઓ વિશેની અધિકૃત લાગી હોય તે માહિતી જ અપાઈ છે. પરંતુ કયા સંદર્ભમાંથી કઈ સામગ્રી મળી, એમાંથી કઈ સામગ્રી સ્વીકારી, કઈ સામગ્રી છોડી દીધી એના હાનોપાદાનનો નિર્ણય કઈ પ્રક્રિયાથી કોશે કર્યો એની વીગતો કે ચર્ચા અધિકરણમાં ન હોય એ સ્વાભાવિક છે. ક્યારેક બે જુદીજુદી માહિતી પરથી કઈ માહિતી સાચી તેનો નિર્ણય થઈ ન શકતો હોય તો બંને વીગતો મૂકવાનું કોશનું વલણ રહ્યું છે. આ શુદ્ધિવૃદ્ધિને પરિણામે સાહિત્યના ઇતિહાસમાં કે અન્યત્ર એવા કર્તાઓ કે કર્તાને નામે નોંધાયેલી એવી કૃતિઓ મળશે કે જેમનો ઉલ્લેખ સાહિત્યકોશમાં નહીં હોય. અર્વાચીનકાળમાં કેટલોક વખત કેટલાંક બનાવટી મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓ ઊભાં કરવાનો પ્રયત્ન થયેલો એવી ચોક્કસ સંભાવના છે. જે કર્તાઓ બનાવટી છે એવું હવે વ્યાપક રીતે સ્વીકારાઈ ગયું છે તે કર્તાઓને કોશમાં સ્થાન નથી આપ્યું, જેમ કે પ્રેમાનંદસુત વલ્લભ. પણ જે કર્તાઓ બનાવટી હોવા વિશે શંકા હોય એ કર્તાઓને એ પ્રકારના નિર્દેશ સાથે સ્થાન આપ્યું છે. અધિકરણનું સ્વરૂપ પહેલા ખંડમાં મુકાયેલાં કર્તા અને કૃતિઓ વિશેનાં અધિકરણ ચોક્કસ પદ્ધતિએ લખાયાં છે. કોશ સમજવામાં સરળતા રહે એ માટે અહીં તે વિશે કેટલીક સ્પષ્ટતા કરી છે.

કર્તાનામ પર અધિકરણ

કોશમાં કર્તા અને કૃતિઓ વિશેનાં અધિકરણ કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવ્યાં છે. કર્તાઅધિકરણ કર્તાના નામથી કરવામાં આવ્યું છે. જ્યાં કર્તાની વિશિષ્ટ ઓળખ મળતી હોય ત્યાં એવા ઓળખસૂચક શબ્દોને કર્તાનામની સાથે સાદા કૌંસમાં મૂક્યા છે, જેમ કે ‘કતીબશા (બાદશાહ)’, ‘કાભઈ(મહારાજ).’ કર્તાનું નામ કૃતિઓમાં વિકલ્પે મળતું હોય તો દરેક નામને તિર્યક રેખાથી સૂચવ્યું છે, જેમ કે ‘ઇન્દ્રવતી’/ પ્રાણનાથ(સ્વામી)/મહામતિ/મહેરાજ’ કે ‘કીર્તિવર્ધન/કેશવ(મુનિ)’. વિકલ્પે મળતાં નામોમાં અધિકરણ સામાન્ય રીતે સ્વીકૃત નામ પર કર્યું છે અને વૈકલ્પિક નામો પર પ્રતિનિર્દેશ કર્યા છે. મધ્યકાલીન સાહિત્યમાં એક જ નામવાળા ઘણા કર્તાઓ મળે છે. આ કર્તાઓને કેટલીક પદ્ધતિઓનો આશ્રય લઈ પરસ્પરથી જુદા પાડ્યા છે. જેમ કે સમય, જૈન કર્તા હોય તો ગચ્છ ને ગુરુ પરંપરા કે જૈનેતર કર્તા હોય તો ગુરુનો નિર્દેશ, સંપ્રદાયવિશેષ, પિતાનામ, જ્ઞાતિ, જીવનવિષયક અન્ય વીગતો, લખાવટની સમગ્ર રીતિ વગેરે. એ રીતે જુદા પડેલા કર્તાઓને પછી સમયના ક્રમમાં ગોઠવી ૧, ૨, ૩, એ રીતે ક્રમાંક આપીને મૂક્યા છે.

ઓળખ વગરના કર્તાનું અધિકરણ

મધ્યકાલીન સાહિત્યમાં ઘણી કૃતિઓ એક નામે મળે છે, પરંતુ એ કૃતિઓ ચોક્કસ કયા કર્તાની છે એનો નિર્ણય કરવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. એવી કૃતિઓને ઓળખ વગરના કર્તાનું અધિકરણ કરી એમાં સમાવી છે. આ અધિકરણને એક નામજૂથવાળાં અધિકરણોના પ્રારંભમાં મૂક્યું છે. જેમ કે ‘રત્નવિમલ’, ‘રત્નવિમલ-૧’, ‘રત્નવિમલ-૨’ વગેરે. ઓળખ વગરના કર્તા-અધિકરણમાં મુકાયેલી કૃતિઓ પછી આવતાં એ નામજૂથવાળાં કર્તાઓમાંથી કોઈની હોઈ શકે. જ્યાં એવું કોઈ અનુમાન અન્ય આધારો પરથી થતું હોય તો એનો નિર્દેશ એ કૃતિની વાત કરતી વખતે કર્યો છે. અન્ય નામવાળાં અધિકરણ ક્યારેક કર્તાનું નામ ન મળતું હોય, પરંતુ કર્તાના ગુરુ કે પિતાનું નામ મળતું હોય ત્યારે ‘અનંતહંસશિષ્ય’ કે ‘રામદાસસુત’ જેવાં અધિકરણ કર્યાં છે. શિષ્યવાળાં અધિકરણોમાં એકથી વધારે કૃતિઓ હોય ત્યારે કર્તાઓ એકથી વધારે હોવાની સંભાવના રહે છે, કેમ કે એક ગુરુના એકથી વધારે શિષ્ય હોઈ શકે. શિષ્યવાળા અધિકરણમાં કર્તા સાધુ હોવાની સંભાવના વિશેષ છે, છતાં એ ક્યારેક શ્રાવક પણ હોઈ શકે. ચોક્કસ નિર્દેશ મળ્યો હોય ત્યાં એમને શ્રાવક ગણ્યા છે, અન્યથા સાધુ માન્યા છે.

સમયનિર્દેશ

કર્તાનામની બાજુમાં આવેલા ખૂણિયા કૌંસમાં કર્તા કયા સમયમાં થઈ ગયા એનો નિર્દેશ છે. કર્તાના સમયનો નિર્ણય કરવા માટે વિવિધ આધારોને લક્ષમાં લીધા છે. કર્તાનાં જન્મ અને અવસાનનો પ્રમાણભૂત સમય મળતો હોય તો એનો નિર્દેશ કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે એવું કોઈ ચોક્કસ પ્રમાણ ઉપલબ્ધ ન થતું હોય ત્યારે કર્તાની કૃતિનો રચનાસમય કે લેખનસમય, કર્તાના ગુરુનો સમય, કર્તાના જીવન વિશે મળતી ચોક્કસ ઐતિહાસિક હકીકતો, કૃતિમાં આવતા ઐતિહાસિક ઉલ્લેખ ઇત્યાદિનો આધાર લઈ કર્તાના જીવનકાળને શક્ય એટલો નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમ કે કર્તાની એક જ કૃતિનું રચનાવર્ષ મળતું હોય તો ‘ઈ. ૧૫૬૫માં હયાત’ એમ નિર્દેશ થયો છે. કર્તાની એકાધિક કૃતિઓમાં રચનાવર્ષ મળતાં હોય તો પહેલા અને અંતિમ વર્ષને લક્ષમાં લઈ ‘ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ’ કે ‘ઈ. ૧૬મી સદી મધ્યભાગ’ એ રીતે નિર્દેશ કર્યો છે. કર્તાનો કવનકાળ બે સદીઓમાં વિસ્તરતો હોય ત્યાં ‘ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ’ એ રીતે નિર્દેશ કર્યો છે. જો કર્તાની કૃતિનું માત્ર લેખનવર્ષ મળતું હોય તો કર્તા ત્યાં સુધીમાં થઈ ગયા એમ નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે ‘ઈ.૧૭૩૫ સુધી.’ પરંતુ જ્યાં લેખનમાં સૈકાનું અનુમાન કરવામાં આવ્યું હોય ત્યાં કર્તાના સમયને ખૂણિયા કૌંસમાં સૂચવવામાં નથી આવ્યો. કોઈ રીતે કર્તાનો સમય નિશ્ચિત થતો ન હોય તો ત્યાં કર્તાનામની બાજુમાં મૂકેલા ખૂણિયા કૌંસને ખાલી રાખ્યો છે. ક્યારેક કર્તાના સમય વિશે અન્ય સંદર્ભ પરથી માહિતી મળતી હોય, પરંતુ જો એ અધિકૃત ન લાગે તો એનો નિર્દેશ ખૂણિયા કૌંસમાં નથી કર્યો. એ માહિતીનો ઉલ્લેખ માત્ર અધિકરણમાં થયો છે. એક નામજૂથવાળા કર્તાઓની આગળ ઓળખ વગરના કર્તાનું અધિકરણ જ્યારે મૂક્યું છે ત્યારે અધિકરણની બાજુમાં ખૂણિયો કૌંસ નથી મૂક્યો. અધિકરણમાં કર્તા કે કૃતિનો સમય ઈસવી સનના વર્ષથી સૂચવાયો છે. ઈસવી સનનું વર્ષ મેળવવા માટે વિક્રમસંવતમાંથી ૫૬ તથા શકસંવતમાંથી ૭૯ બાદ કર્યા છે. જ્યાં માસ, તિથિ, વાર મળતાં હોય ત્યાં ઈસવી સનની સાથે સંવતના વર્ષોનો પણ નિર્દેશ કરી માસ, તિથિ, વાર મૂક્યાં છે. પરંતુ જો કૃતિના લેખનમાં સૈકાનું અનુમાન થતું હોય ત્યાં સંવતથી એનો નિર્દેશ કર્યો છે. જેમ કે ‘સં. ૧૭મી સદી અનુ.’ સમયનિર્ણયના આધારોની ચર્ચા જરૂર જણાઈ ત્યાં કરી છે.

અધિકરણસામગ્રી

કર્તાઅધિકરણના પ્રારંભમાં જો નોંધપાત્ર કર્તા હોય તો એમને એમના મુખ્ય સાહિત્યવિશેષથી ઓળખાવ્યા છે. જેમ કે ‘આખ્યાન કવિ’, ‘જ્ઞાની કવિ’. અન્ય કવિઓને સંપ્રદાય, ગુરુપરંપરા, ગચ્છ ઇત્યાદિથી ઓળખાવ્યા છે. જેમ કે ‘પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ’, ‘સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ’, ‘તપગચ્છના જૈન સાધુ’ વગેરે. ત્યાર પછી કર્તાનાં ઉપનામ, જન્મસ્થળ, વતન, જ્ઞાતિ, માતાપિતા વગેરે વિશે જે આધારભૂત હકીકતો હોય તે આપી છે. જનશ્રુતિઓનો ઉલ્લેખ મોટા સર્જકો વિશે અપાયેલી માહિતીમાં ખપપૂરતો કર્યો છે અને ત્યાં એ જનશ્રુતિ છે એવો નિર્દેશ કર્યો છે. કર્તાના સર્જનકાર્યની વાત કરતી વખતે પહેલાં કર્તાની પ્રમાણિત કૃતિઓની વાત થઈ છે. સામાન્ય રીતે કૃતિઓને વિષય અને સ્વરૂપના જૂથમાં વહેંચી આ વાત થઈ છે. કૃતિનાં વૈકલ્પિક નામ તિર્યક રેખાથી સૂચવ્યાં છે મોટા કર્તાઓમાં એમની દરેક નોંધપાત્ર કૃતિનો ઉલ્લેખ કર્યો છે અને ગૌણ કર્તાઓમાં સામાન્ય રીતે એમની બધી કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. કૃતિપરિચયમાં કૃતિનાં કડીસંખ્યા, સ્વરૂપ, વિષય તથા કૃતિની ખાસ કોઈ નોંધપાત્ર લાક્ષણિકતા હોય તો એની માહિતી આપી છે. જે કૃતિનું સ્વતંત્ર અધિકરણ થયું હોય તે કૃતિઓની મુખ્ય વીગતોને કર્તા-અધિકરણમાં સમાવી છે અને એ કૃતિ પર સ્વતંત્ર અધિકરણ થયું છે એવો કૃતિનામની બાજુમાં તીર()થી નિર્દેશ કર્યો છે. કૃતિનામની જોડે મૂકેલા સાદા કૌંસમાં કૃતિનો રચનાસમય કે લેખનસમય જે ઉપલબ્ધ હોય તે આપ્યો છે. અને તેની સાથે કૃતિ મુદ્રિત હોય તો તેનો નિર્દેશ કર્યો છે. ક્યારેક સળંગ લખાણમાં કૃતિ મુદ્રિત હોવાની વાત સૂચવાઈ ગઈ હોય તો કૌંસમાં મુદ્રિતનો નિર્દેશ નથી કર્યો. જ્યાં મુદ્રિતનો નિર્દેશ ન હોય ત્યાં કૃતિ મુદ્રિત હોવાની માહિતી કોશકાર્યાલયને ઉપલબ્ધ નથી થઈ એમ સમજવું. એ કૃતિઓ અમુદ્રિત હોવાની સંભાવના વિશેષ છે, પણ તે મુદ્રિત હોવાની શક્યતા સાવ નકારી શકાય નહીં. કર્તાની અધિકૃત કૃતિઓની વાત કર્યા પછી કર્તાની શંકાસ્પદ કૃતિઓની ચર્ચા કરી છે. છેલ્લે કર્તાએ ગુજરાતી સિવાય અન્ય ભાષાઓમાં જે કૃતિઓ કરી હોય એમનો નિર્દેશ છે. આવી કૃતિઓ કઈ ભાષાની છે એ કહ્યું છે. પરંતુ એ સિવાય એમને વિશે બીજી માહિતી આપી નથી. કર્તાઅધિકરણ ઉપરાંત કેટલીક નોંધપાત્ર મધ્યકાલીન કૃતિઓ વિશેનાં સ્વતંત્ર અધિકરણ પણ કોશમાં છે. આ અધિકરણોમાં કૃતિનો રચનાસમય, કૃતિનું મહત્ત્વ, વસ્તુ, એની સમીક્ષા ઇત્યાદિ બાબતોને સમાવી છે. સામાન્ય રીતે કૃતિમાંથી લાંબાં અવતરણ નથી આપ્યાં, પરંતુ વક્તવ્યને સ્ફુટ કરવા જરૂર જણાઈ ત્યાં કેટલીક ટૂંકી માર્મિક પંક્તિઓને અવતરણ રૂપે આપી છે. ક્યારેક કોઈ કૃતિ વૈકલ્પિક કર્તાનામે મળતી હોય કે એવી સંભાવના કરવામાં આવી હોય ત્યારે એ કૃતિઓનું, સાહિત્યક દૃષ્ટિએ નોંધપાત્ર ન હોય તોપણ, અલગ અધિકરણ કર્યું છે અને વૈકલ્પિક કર્તાનામોમાં પ્રતિનિર્દેશ કર્યો છે, જેમ કે ‘નેમિ-બારમાસા.’ અધિકરણ શક્ય તેટલાં માહિતીપ્રધાન કર્યા છે. મૂલ્યાંકનલક્ષી અભિપ્રાય આવશ્યક હોય એટલા આપ્યા છે, અને ત્યાં કર્તા કે કૃતિ વિશે પ્રચલિત વિચારોને અનુસરવાનું વલણ વિશેષ છે. તેમ છતાં કોશને પોતાના સ્વતંત્ર અભિપ્રાય હોય એમ બનવાનું. ક્યારેક કર્તા કે કૃતિ વિશેના અભિપ્રાયમાં મોટો ભેદ હોય તો બન્ને અભિપ્રાય આપ્યા છે.

સંદર્ભસામગ્રી

અધિકરણને અંતે ઉપયોગમાં લીધેલી સંદર્ભસામગ્રીની નોંધ ‘કૃતિ’, ‘સંદર્ભ’ અને ‘સંદર્ભસૂચિ’ એ રીતે ત્રણ વિભાગમાં મૂકી છે. ‘કૃતિ’ વિભાગમાં કર્તાની કૃતિઓ મુદ્રિત રૂપે જે ગ્રંથ કે સામયિકમાં ઉપલબ્ધ થતી હોય તેની માહિતી છે. આ માહિતીને કર્તાની એકાધિક કૃતિઓના સર્વસંગ્રહો, કર્તાની કૃતિઓનાં સ્વતંત્ર સંપાદનો, કર્તાની કૃતિઓ જેમાં મુદ્રિત થઈ હોય તેવા અન્ય સંચયો કે ગ્રંથો અને કર્તાની કૃતિઓ જેમાં પ્રકાશિત થઈ હોય તે સામયિકો એમ ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે અને દરેક વિભાગને પોલા ચોરસ()થી જુદો પાડ્યો છે. દરેક પેટાવિભાગની સામગ્રીને ગ્રંથનામના ‘અ’કારદિ ક્રમમાં ગોઠવી છે, અને બધા પેટાવિભાગોની સામગ્રીને સળંગ ક્રમાંકથી દર્શાવી છે. કૃતિ પ્રકાશિત થઈ હોય એ ગ્રંથ કે સામયિકમાં કર્તાના જીવન-કવન અંગે ઉપયોગી માહિતી હોય તો ગ્રંથ કે સામયિક અંગેના ઉલ્લેખને અંતે સાદા કૌંસમાં (+) એવી સંજ્ઞા મૂકવામાં આવી છે. કર્તા કે કૃતિ વિશે જ્યાં માહિતી મળતી હોય તેની નોંધ ‘સંદર્ભ’ વિભાગમાં આપી છે. કર્તા વિશેના ચરિત્રાત્મક કે વિવેચનાત્મક સ્વતંત્ર ગ્રંથો, કર્તા કે એમની કૃતિઓ વિશે માહિતી કે વિવેચન મળતું હોય એવા અન્ય ગ્રંથો, કર્તા ને એમની કૃતિઓ વિશે માહિતી કે વિવેચન મળતું હોય તેવાં સામયિકો તથા કર્તાની કૃતિઓ જ્યાં નોંધાઈ હોય તેવી હસ્તપ્રતસૂચિઓ એમ ચાર પેટાવિભાગમાં આ માહિતીને પણ વહેંચી છે, અને દરેક વિભાગને પોલા ચોરસથી જુદો પાડ્યો છે. અહીં પણ બધા પેટાવિભાગોની સામગ્રીને સળંગ ક્રમાંકથી દર્શાવી છે. ‘કૃતિ’ અને ‘સંદર્ભ’ વિભાગોમાં વખતોવખત પુનરાવર્તિત થતા કેટલાક ગ્રંથોનો સંક્ષેપાક્ષરથી નિર્દેશ થયો છે, આ ગ્રંથોની સૂચિ પાછળ આપવામાં આવી છે. અન્ય ગ્રંથોને ગ્રંથનામ, લેખક કે સંપાદક, સંશોધક, સંકલનકારનું અને પ્રાપ્ય ન હોય તો પ્રકાશક કે છેવટે મુદ્રકનું નામ, પ્રકાશનવર્ષ (પહેલા સિવાયની આવૃત્તિ હોય ત્યારે કેટલામી આવૃત્તિ છે તેના નિર્દેશ સાથે) એ રીતે મૂકવામાં આવ્યા છે. આ વિભાગોમાં ગ્રંથનામો કે સામયિકોને અવતરણચિહ્નથી સૂચિત નથી કર્યા, પરંતુ અલ્પવિરામથી જુદાં પાડ્યાં છે. સામયિકોનો સંદર્ભ આપતી વખતે પહેલાં સામયિકનું નામ, તેના માસ અને વર્ષ, લેખનું નામ અને છેલ્લે લેખના કર્તા કે સંપાદકનું નામ એ રીતે માહિતી મૂકવામાં આવી છે. સામયિકોના પ્રકાશનવર્ષના નિર્દેશમાં જ્યાં આગળ ગુજરાતી મહિના હોય ત્યાં પ્રકાશનવર્ષ સંવતમાં અને જ્યાં આગળ અંગ્રેજી મહિના હોય ત્યાં પ્રકાશનવર્ષ ઈસવી સનમાં સમજવું. સામયિકના સંદર્ભમાં લેખના નામને અવતરચિહ્નથી સૂચિત કર્યું છે. ગ્રંથ કે સામયિકનું નામ ફરી સંદર્ભ તરીકે આવતું હોય તો ‘એજન’ સંજ્ઞાથી નિર્દેશ કરવામાં આવ્યો છે. જે ગ્રંથોમાં પ્રકાશવર્ષ ન મળ્યું હોય ત્યાં ડેશ (-) મૂકી છે. જે ગ્રંથ કે ગ્રંથની અમુક આવૃત્તિ તથા સામયિક કોશ-કાર્યાલયને જોવાં ન મળ્યાં હોય તો એમની આગળ ફૂદડી (*) કરવામાં આવી છે. જે કર્તાઓનાં જીવન અને કવન વિશેની ઉપયોગી સંદર્ભસૂચિઓ તૈયાર થઈ છે તે સૂચિ જે ગ્રંથ કે સામયિકમાં ઉપલબ્ધ હોય તેની માહિતી ‘અ’કારાદિ ક્રમમાં આપી છે.

અધિકરણલેખક

દરેક અધિકરણને છેડે જમણી બાજુ મૂકેલા ખૂણિયા કૌંસમાં અધિકરણલેખકનું નામ સંક્ષેપમાં મૂક્યું છે. એમાં અધિકરણલેખકનાં વ્યક્તિનામ અને એમની અટકના આદ્યાક્ષર મૂક્યા છે. અધિકરણલેખકોનાં પૂરાં નામની યાદી પાછળ આપી છે.

પરિશિષ્ટ

કોશની સામગ્રીનું મુદ્રણ થઈ ગયા પછી નવા પ્રગટ થયેલાં પુસ્તકોને લીધે કોઈ નવી માહિતી પ્રાપ્ત થઈ હોય, કોઈ પ્રાપ્ત માહિતીને સુધારવાની જરૂર જણાઈ હોય કે કોશકાર્યાલયને પોતાને જ અગાઉની મુદ્રિત સામગ્રીમાં કંઈ ફેરફાર કરવો જરૂરી લાગ્યો હોય તો એ સૌનો સમાવેશ પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે.

અધિકરણલેખન

અધિકરણોને જેમ નિશ્ચિત સ્વરૂપમાં મૂક્યાં છે તેમ એમના લેખનમાં પણ બને તેટલી એકવાક્યતા જળવાઈ રહે એની પણ કાળજી લેવાઈ છે. એ સંદર્ભમાં જોડણીવિષયક કેટલીક બાબત તરફ ધ્યાન દોરવું જરૂરી છે. આમ તો કોશે ગૂજરાત વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ની જોડણીને સ્વીકારી છે, પરંતુ વ્યકિતનામોમાં ‘હ’ શ્રુતિ આવશ્યક લાગે ત્યાં રાખી છે. જેમ કે ‘ક્હાન.’ પણ જો નામ અમુક રીતે રૂઢ થયું હોય તો ત્યાં પ્રતિનિર્દેશ મૂક્યા છે. જેમ કે ‘કાહ્ન: જુઓ ક્હાન’ કે ‘કાહાન: જુઓ ક્હાન.’ નામોમાં આવતાં જૂનાં ભાષારૂપોને અત્યારના પરિચિત ભાષારૂપમાં મૂક્યાં છે. એટલે ‘થૂલિભદ્ર’ હોય ત્યાં ‘સ્થૂલિભદ્ર’ કે ‘ભરહેસર’ હોય ત્યાં ‘ભરતેશ્વર’ એમ નામ મૂક્યાં છે. કેટલાક શબ્દોની જોડણી વૈકલ્પિક રૂપે મળતી હોય ત્યાં એક જ જોડણી રાખી છે. જેમ કે અસાડ, ચોપાઈ, માગશર વગેરે. દ્વિરુકત ને સામાસિક શબ્દોને ભેગા લખ્યા છે. પણ સંયોજકોમાં બે ઘટકોને અલગ રાખ્યા છે. જેમ કે, જો કે, તો પણ વગેરે. ‘રૂપે’ તથા એવા બીજા નામયોગી તરીકે કામ કરતા ઘટકોને અલગ રાખ્યા છે. જેમ કે ‘કારણ રૂપે.’ રામાયણ, મહાભારત, પુરાણો વગેરે પ્રસિદ્ધ ગ્રંથોનાં નામોમાં અવતરણચિહ્ન નથી મૂક્યાં. સંખ્યાવાચક શબ્દોને આંકડામાં લખ્યા છે. જેમ કે ૯, ૧૦, ૧૫૭ વગેરે. પરંતુ સંખ્યાક્રમવાચક શબ્દો ૯ સુધી ‘સાતમું’ અને ‘નવમું’ એ રીતે લખ્યા છે. પણ ત્યાર પછી ‘૧૦મું’ ‘૧૫૦મું’ એ રીતે લખ્યા છે. સાહિત્યકોશ આખરે એક સંકલન છે. સાહિત્ય અને સંશોધનક્ષેત્રે અનેક વિદ્વાનોએ જે પુરુષાર્થ કર્યો છે તે ન થયો હોત તો સાહિત્યકોશ સ્વપ્નવત્ બની રહેત. કવિ શ્રી દલપતરામથી યાદ કરીએ તો નર્મદ, ઇચ્છારામ સૂ. દેસાઈ, હરગોવિંદદાસ કાંટાવાળા, છગનલાલ રાવળ, મોહનલાલ દેશાઈ, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી વગેરે મધ્યાકાલીન સાહિત્યમાં કામ કરનાર અનેક વિદ્વાનોએ કરેલા શ્રમનો કોશ અહીં ઋણસ્વીકાર કરે છે. કોશકાર્યની સામગ્રી ભેગી કરવા, ચકાસવા નિમિત્તે કોશના કાર્યકર્તાઓને ગુજરાતના વિવિધ ગ્રંથાલયો ને ગ્રંથભંડારોની મુલાકાત લેવી પડી (જેની યાદી પાછળ મૂકી છે.). અમદાવાદના ‘ભો. જે. વિદ્યાભવન’ને ‘લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ જેવી સંસ્થાઓએ તો પોતાના અનેક ગ્રંથો ઘણા સમય સુધી કોશને વાપરવા માટે આપ્યા તેને કારણે અનેક અગવડોથી બચી શકાયું છે. એ સિવાય અન્ય ગ્રંથાલયોએ પણ કેટલાય અપ્રાપ્ય ગ્રંથો કોશને જોવા અને ઉપયોગમાં લેવા આપ્યા તે બદલ સાહિત્યકોશ એ સૌ ગ્રંથાલયોના સંચાલકો અને ગ્રંથપાલો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવે છે. જે વિદ્વાનોએ કોશ માટે અધિકરણો લખી આપ્યાં તે સૌ વિદ્વાનો પ્રત્યે કોશ ઊંડા આભારની લાગણી પ્રગટ કરે છે. અધિકરણોના લેખન સિવાય કોશની સંદર્ભસામગ્રી મેળવવા માટે, તેમને ચકાસવા માટે અનેક વ્યક્તિઓ અને વિદ્વાનોએ ઉમળકાભેર પોતાનો હાથ લંબાવ્યો છે (જેની યાદી પાછળ છે). કોશ એ સૌના સહકારનો ઋણી છે. નવજીવન પ્રેસના શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈ, શ્રી શરદભાઈ જાની તથા અન્ય કાર્યકર્તાઓએ કોશનું સમયસર મુદ્રણ કરી આપ્યું તે બદલ એમના પણ આભારી છીએ. ગમે તેટલી સાવચેતી છતાં કોશમાં ત્રૂટિઓ રહી હશે. ગુજરાતીના વિદ્વાનો એ તરફ ધ્યાન ખેંચશે તો એમનું એ કાર્ય કોશની મહત્ત્વની પૂર્તિ બની રહેશે. અમદાવાદ, ૧૦ નવેમ્બર, ૧૯૮૯ જયંત ગાડીત