ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિકલ્પના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અતિકલ્પના(Fabulation) : આધુનિક વિવેચનમાં રોબર્ટ શોલ્સ દ્વારા પ્રચલિત સંજ્ઞા. શોલ્સના મત મુજબ આધુનિક નવલકથાકારોમાં અતિકલ્પનાનું તત્ત્વ વિશેષ જોવા મળે છે. વિચારો અને ભાવનાઓની સાથે વધુ અને પદાર્થોની સાથે ઓછી નિસ્બત હોય એવી કથા. આ નવલકથાઓ ઓછી વાસ્તવવાદી અને વધુ કસબ અને વૃત્તાંતવાળી હોય છે. ચિત્તના નિમ્ન સ્તરોના જ્ઞાનને કારણે આજના સર્જકનું અનુભવજગત બદલાયું છે. પુરાકથાઓ, પ્રતીકો, સ્વપ્નો વગેરેની અભિવ્યક્તિ માટે આજના સર્જકે અતિકલ્પનારીતિનો આશ્રય લીધો છે. જેઓને વાસ્તવવાદ હવે જુનવાણી કે અસમર્થ લાગ્યો છે તેઓ અન્યોક્તિ કે રોમેન્સનાં તત્ત્વોનો આદર કરી અતિકલ્પના તરફ વળ્યા છે. લોરેન્સ ડૂરલ, મેડોક જોન, બાર્થ વગેરે આ પ્રકારના સર્જકો છે. હ.ત્રિ.