ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુભવાતીતવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુભવાતીતવાદ(Transcendentalism) : મનુષ્યની સહજ સ્ફુરણા અને પ્રેરણા પર ભાર મૂકતા ૧૮૩૫ અને ૧૮૪૫ વચ્ચે થયેલા આ આંદોલને અમેરિકન કલા-સાહિત્ય પર પ્રભાવ પાડ્યો છે. ઓગણીસમી સદીના તત્ત્વવિચારવિષયક આદર્શવાદનાં અને ખ્રિસ્તી રહસ્યવાદનાં તત્ત્વો એમાં ભળેલાં છે. એનાં મૂળ કૌતુકવાદમાં પડેલાં છે, જેમાં કોલરિજની વિચારણા મુખ્ય છે. આ આંદોલને વૈયક્તિક અન્ત :કરણની ભૂમિકા અને એના મહત્ત્વ પર ભાર મૂક્યો. સહજ પ્રક્રિયા દ્વારા સત્યને પામી શકાય અને પ્રેરણાને કલાત્મક સર્જનનો સ્રોત માની શકાય એવી આ વાદની દૃઢ માન્યતા છે. કૃતિને પ્રતીકાત્મક સંજ્ઞાઓમાં અર્થઘટિત કરવા તરફનું વલણ પણ જોવાય છે. આ વાદને પ્રતિષ્ઠ કરનાર રાલ્ફ વાલ્ડો એમર્સને ૧૮૩૬માં ‘પ્રકૃતિ’ નામના નિબંધમાં એનો ખરીતો બહાર પાડેલો. વોલ્ટ વ્હીટમન, હરમન મેલવિલ જેવા લેખકો પર આનો પ્રભાવ છે. ચં.ટો.