ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકારશાસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અલંકારશાસ્ત્ર : સંસ્કૃત કાવ્યશાસ્ત્રને ‘અલંકારશાસ્ત્ર’ના નામથી પણ ઓળખવામાં આવે છે. એ ઉપરાંત સાહિત્યશાસ્ત્ર, સાહિત્યવિદ્યા, ક્રિયાકલ્પ વગેરે નામો પણ આ શાસ્ત્રને માટે પ્રયોજાય છે. પરંતુ ‘અલંકારશાસ્ત્ર’ નામ વિશેષ પ્રચલિત જણાય છે. મોટા ભાગના પૂર્વાચાર્યોએ તો પોતાના ગ્રન્થના નામ સાથે ‘અલંકાર’ શબ્દ જોડ્યો છે જેમકે ભામહનો ‘કાવ્યાલંકાર’, વામનનો ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’, ઉદ્ભટનો ‘કાવ્યાલંકાર સારસંગ્રહ’ અને ફરી રુદ્રટનો અને વાગ્ભટ પ્રથમનો ક્રમશ : ‘કાવ્યાલંકાર’ અને ‘વાગ્ભટાલંકાર’ તથા કુન્તકનો સમગ્ર ગ્રન્થ હાલ ભલે ‘વક્રોક્તિજીવિત’ નામથી લોકપ્રસિદ્ધ હોય પરંતુ કારિકાભાગને તેમણે પણ ‘કાવ્યાલંકાર’ નામ જ આપ્યું છે. (વ.જી. ૧/૨ વૃત્તિ). આનંદવર્ધનોત્તર અન્ય આલંકારિકોમાંથી પણ કેટલાકે ‘અલંકાર’ નામ પોતાના ગ્રન્થ સાથે જોડવાનું ચાલુ રાખ્યું છે પણ તેમાં મોટે ભાગે ક્રમ ઊલટો જોવા મળે છે. એટલેકે ‘અલંકાર’ શબ્દ પહેલાં આવે છે. જેમકે રુય્યકનો ‘અલંકારસર્વસ્વ’, શોભાકરમિત્રનો ‘અલંકારરત્નાકર’, અમૃતાનન્દયોગીનો ‘અલંકારસંગ્રહ’, નરેન્દ્રપ્રભસૂરિનો ‘અલંકારમહોદધિ’ તથા પં. વિશ્વેશ્વરના ‘અલંકારકૌસ્તુભ’ અને ‘અલંકારપ્રદીપ’ ઇત્યાદિમાં આ પરંપરા ચાલુ રહી છે. અલંકારશાસ્ત્રમાં અનુપ્રાસાદિ અથવા ઉપમા-રૂપક વગેરે અલંકારોનું પ્રાધાન્ય હોઈ આવાં નામ અપાયાં છે એવું નથી. ‘અલંકાર’ શબ્દને અહીં તેના વ્યાપક અર્થમાં સમજવાનો છે. અલંકાર એટલે શબ્દ તથા અર્થના અલંકારો એ થયો તેનો સીમિત અર્થ અને વ્યાપક રીતે વિચારતાં, અલંકાર એટલે સૌન્દર્ય-કાવ્યસૌન્દર્ય. કાવ્યશાસ્ત્રના વિવિધ ગ્રન્થોના નામાભિધાનમાં આ સૌન્દર્યનો બોધ નિહિત છે. વામને સૌન્દર્યપરક વિભાવનાને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, काव्यं ग्राह्यमलङ्कारात्। सौन्दर्यमलङ्कारः। (કા. સૂ. વૃ. ૧/૧-૨) આમ, સહૃદય જ્યારે अलम्નો ભાવ અનુભવે, સંતૃપ્તિ પામે ત્યારે જ ‘અલંકાર’ સાકાર થાય છે તથા કાવ્ય અને તેની શોભા, તેનો અલંકાર એમ ઉભય કોટિઓની વિચારણા કરતો ગ્રન્થ કાવ્યાલંકાર કહેવાયો. આ શાસ્ત્રમાં કાવ્ય કહેતાં સાહિત્યની સમગ્ર રૂપે પરીક્ષા અને સમીક્ષા કરવામાં આવી છે. ટૂંકમાં, અલંકારશાસ્ત્ર એટલે કાવ્યસૌન્દર્યનું પરીક્ષણ કરીને આચારભૂત અને આધારભૂત સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરતું શાસ્ત્ર. કાવ્યશાસ્ત્રની પરંપરા અત્યંત પ્રાચીન છે. કાવ્યશાસ્ત્રનો રીતસરનો આરંભ તો નહીં પરંતુ ઋગ્વેદનાં સૂક્તોમાં રસ, અલંકાર, રીતિ વગેરે શબ્દોના ઉલ્લેખો જોવા મળે છે. ઉપમાદિ અલંકારનાં ઉદાહરણો પણ પ્રાપ્ત થાય છે. આમ છતાં ઉપલબ્ધ સામગ્રી પ્રમાણે કાવ્યશાસ્ત્રીય તત્ત્વોનું શાસ્ત્રીય વિવેચન સર્વ પ્રથમ ભરતના નાટ્યશાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. તેમાં ચાર અલંકારો, ગુણો, લક્ષણો, રસ વગેરેનું નિરૂપણ છે. અલબત્ત, આ સઘળું નાટકના અનુષંગે જ છે. ખાસ કરીને એમનો વિનિયોગ રસલક્ષી વિચારાયો છે. નાટ્યના સંદર્ભમાં વિચારાયેલી રસ, પંચસંધિ વગેરે વિગતો કાવ્યશાસ્ત્રમાં પણ પ્રયોજાતી જોવા મળે છે. હેમચંદ્ર અને વિશ્વનાથના ગ્રન્થોમાં નાટ્યવિદ્યાનું એક અલગ પ્રકરણ ફાળવવામાં આવ્યું છે, જ્યારે તદ્દન સ્વતંત્ર રીતે માત્ર નાટ્યશાસ્ત્રીય વિગતોની ચર્ચા કરતા અનેક ગ્રન્થો છે. ઉપલબ્ધ સામગ્રીના સંદર્ભમાં ભામહનો ‘કાવ્યાલંકાર’ (સાતમી સદી) તે કાવ્યશાસ્ત્રનો સહુપ્રથમ ગ્રન્થ છે. ‘કાવ્યાલંકાર’માં કાવ્યનાં લક્ષણ, વર્ગીકરણ તથા ગુણ, અલંકાર, દોષ વગેરેની સૂક્ષ્મ વિચારણા પ્રાપ્ત થાય છે. ભરત અને ભામહ વચ્ચે સમયનો ગાળો બહુ લાંબો રહ્યો છે. આ સમય દરમ્યાન પણ ગ્રન્થો તો લખાયા હશે કેમકે ભામહ તેમના પૂર્વાચાર્ય મેધાવિન્નો નિર્દેશ કરે છે. ભરતમાં જણાતો લક્ષણવિચાર, ભામહ સુધી આવતાં અલંકારતત્ત્વમાં અંતર્હિત થતો જણાય છે. આ જ સમય દરમ્યાન કાવ્યના અંતરંગ તત્ત્વની ગવેષણાનો પ્રારંભ પણ થઈ ચૂક્યો હતો. ભલે શાસ્ત્રીય સિદ્ધાંત રૂપે નહીં તો પણ કાવ્યની અંદર કોઈ લોકાતિશાયી તત્ત્વ રહેલું છે તેવું આ સર્વ પૂર્વાચાર્યો સ્વીકારતા હતા. આમ આ બે હજાર વર્ષના ઇતિહાસમાં અને વિકાસક્રમમાં ભામહાદિ પૂર્વાચાર્યોનો ફાળો સાદર ઉલ્લેખનીય રહ્યો છે. આનંદવર્ધનથી માંડીને જગન્નાથ સુધીના આચાર્યો ભામહ, દંડી વગેરેનો નિર્દેશ ચિરન્તનો, જરત્તરો તરીકે સન્માનપૂર્વક કરતા રહ્યા છે. કાવ્યશાસ્ત્રના વિકાસક્રમની રૂપરેખા જોતાં પહેલાં આપણે તેને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી દઈએ ૧, પૂર્વધ્વનિયુગ ૨, ધ્વનિયુગ ૩, ઉત્તરધ્વનિયુગ. ભામહથી માંડીને રુદ્રટ સુધી (આશરે સાતમી શતાબ્દીથી નવમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી) અલંકારશાસ્ત્રનાં મૂળતત્ત્વો અંગેનો વિચાર ઉત્તરોત્તર વિકસતો ચાલ્યો. આનંદવર્ધનના આ પૂર્વાચાર્યોએ સર્જનાત્મક સાહિત્યનાં અનેક પાસાં સ્પષ્ટ કર્યાં. કાવ્યના અંતરંગની ગવેષણા કરતાં, ભામહને સઘળું ‘वाचामलङ्कृति :’માં અંતનિર્હિત જણાયું. કાવ્યના શરીર કે આત્મા અંગે રૂપકાત્મક શૈલીનું નિરૂપણ તેમનામાં સ્પષ્ટ નથી થતું. વળી, ગુણાલંકાર અને તેના સંદર્ભમાં માર્ગભેદ પણ તેઓ ચુસ્તપણે સ્વીકારતા નથી. આ સંદર્ભે વૈદર્ભ અને ગૌડ એ બંને માર્ગો તેમણે પુરસ્કાર્યા છે. બંનેમાં તેમણે વક્રોક્તિની અનુપમ વિભાવના આપી છે. જેનો આનંદવર્ધન, મમ્મટ અને કુન્તક સૌએ આદર કર્યો છે. (જુઓ : એમની પ્રસિદ્ધ કારિકા – ‘सैषासर्वैव वक्रोक्तिः :...’ વગેરે. ૨/૮૫). ટૂંકમાં, ભામહના કાવ્યલક્ષણમાં શબ્દ અને અર્થનો જે સહભાવ વિચારાયો છે તેમાં લોકાતિશયનું સૌન્દર્ય અનિવાર્ય મનાયું છે. દંડીમાં કાવ્યનું લક્ષણ ઇષ્ટાર્થથી યુક્ત પદાવલિ તે કાવ્ય એમ અપાયું છે. ગુણોનું વિવેચન માર્ગવિભાજક તરીકે છે છતાં તેઓ પણ અલંકારને વ્યાપક અર્થમાં સ્વીકારે છે અને અંતે તો સન્ધ્યંગ, વૃત્ત્યંગ વગેરે સઘળું તેમને અલંકાર રૂપે કાવ્યસૌન્દર્ય રૂપે ઇષ્ટ જણાય છે. અગ્રામ્યતાની ચર્ચા હૃદયંગમ અને મહત્ત્વની છે. અલંકારોના આનન્ત્યને સ્વીકારતા હોવા છતાં તેમણે પણ ભામહની જેમ અલંકારોની સંખ્યા આશરે ૩૫ની મર્યાદિત કરી છે. વામનમાં વિશેષ પ્રકારની પદરચનારૂપ રીતિને કાવ્યાત્મા કહેવાઈ છે અને આ વિશેષતા એ જ ગુણ એવું વામન વિચારે છે. તેમણે અલંકારના વ્યાપક અને સીમિત અર્થો નિર્ધારિત કરી આપ્યા. પ્રતિવસ્તૂપમા વગેરે પ્રમુખ અલંકારોનો તેમણે ઉપમાપ્રપંચ રૂપે જ સ્વીકાર કર્યો છે. ઉદ્ભટ ભામહને પગલે ચાલ્યા છે છતાં અલંકારનિરૂપણમાં તેમણે ઝીણું કાંત્યું છે. રુદ્રટમાં કાવ્યના લક્ષણથી માંડીને શબ્દ, અર્થ, ગુણ, ભાષા, વૃત્તિ, શબ્દાર્થાલંકાર વગેરે અનેક તત્ત્વોની સુદીર્ઘ શાસ્ત્રીયચર્ચા પ્રાપ્ત થાય છે. અલંકારોનું વાસ્તવાદિ વર્ગોમાં વર્ગીકરણ કરવાનો પ્રથમ પ્રયાસ આપણી માહિતી પ્રમાણે તો તેમણે જ કર્યો છે. એ પછી ધ્વનિયુગનાં મંડાણ થાય છે. આચાર્ય આનંદવર્ધને (નવમી સદી, ઉત્તરાર્ધ) કાવ્યમાં ધ્વનિસિદ્ધાન્તનો પુરસ્કાર કર્યો, જે તેમને મતે ‘સમામ્નાતપૂર્વ :’ હતો. કાવ્યનો આત્મા ‘ધ્વનિ’ છે અને તે વ્યંજના નામના વ્યાપારથી સિદ્ધ થાય છે એવું તેમણે પુષ્ટ કર્યું (ધ્વન્યા. ૧/૧૩). કોઈ વિશિષ્ટ પુસ્તકમાં નિબદ્ધ થયા વગર ધ્વનિની વિચારણા કાવ્યશાસ્ત્રમાં ચાલી રહી હતી, એવું અભિનવગુપ્ત ‘લોચન’ ટીકામાં નોંધે છે, આ રીતે અભિનવગુપ્તને મતે પણ લિખિત રૂપે કદાચ સહુપ્રથમ આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’નું સર્જન કરીને ધ્વનિની મીમાંસા કરી. તેમણે વસ્તુ, અલંકાર અને રસધ્વનિ – એમ ત્રિરૂપ ધ્વનિનું નિરૂપણ કર્યું. એટલું જ નહિ, કાવ્યનાં અન્ય તત્ત્વોનો પણ સમાદર એમણે રસ-ધ્વનિના સંદર્ભમાં એમની રીતે કર્યો જ છે. ધ્વનિ અને વ્યંજનાવૃત્તિના સ્વરૂપ તથા સ્વીકાર અંગે ઊભા થયેલા મતભેદો અને પૂર્વપક્ષોને પરાસ્ત કરીને એમણે એમના રસધ્વનિ-વ્યંજનાસિદ્ધાન્તના મહાપ્રવાહમાં કાવ્યશાસ્ત્રના અન્ય વિચારપ્રવાહો જેવાકે ગુણ, રીતિ, અલંકાર, સંઘટના વગેરેનું અનુસન્ધાન કરી આપ્યું. ઉપમા વગેરે અલંકાર જો અપૃથક્યત્નનિર્વર્ત્ય રૂપે પ્રયુક્ત થયો હોય તો તે ધ્વનિમાર્ગમાં બહિરંગ બની જતો નથી એમ તેમણે પ્રતિપાદિત કર્યું. અભિનવગુપ્તે (દસમી સદીનું છેલ્લું ચરણ અને અગિયારમી સદીનો ઉત્તરાર્ધ) ‘લોચન’ ટીકામાં આ બધું વિશદ કરી આપ્યું. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’માં (અગિયારમી સદી) ધ્વનિવિરોધનું પ્રબળ ખંડન કરીને ધ્વનિપ્રસ્થાપનનું કાર્ય વધુ મજબૂત રીતે કર્યું તથા પરમાચાર્યત્વ પ્રાપ્ત કર્યું. ‘ધ્વન્યાલોક’, ‘લોચન’ અને ‘કાવ્યપ્રકાશ’ એ ધ્વનિવિચારની ‘પ્રસ્થાનત્રયી’ ઠરે છે. આમાં હેમચંદ્ર, વાગ્ભટ તથા નરેન્દ્રપ્રભસૂરિ એ ગુજરાતના જૈન આલંકારિકોનો ફાળો પણ નાનોસૂનો નથી. રુય્યક અને શોભાકરે અલંકારગ્રન્થો રચ્યા છતાં ધ્વનિવાદને પુરસ્કાર્યો છે. વિદ્યાધર, વિદ્યાનાથ, વિશ્વનાથ, જગન્નાથ અને અંતિમ આચાર્ય પં. વિશ્વેશ્વર સુધી ધ્વનિસિદ્ધાન્તની જ બોલબાલા રહી અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં અદ્યાવધિ તેનું જ પ્રાધાન્ય ટકી રહ્યું છે. જોકે નૂતનતમ એવા આધુનિક આચાર્ય પં. રેવાપ્રસાદે પોતાની રીતે ‘અલંકાર’ વિચારને પ્રવર્તાવ્યો છે. કાશ્મીરી પરંપરા સામે ભોજની માલવપરંપરાએ કેટલુંક જુદું ચિંતન આપ્યું છે. ધનંજય વગેરેનો સમાવેશ તેમાં થઈ શકે. ભોજનો ‘શૃંગારપ્રકાશ’ (દસમી સદીનો ઉત્તરાર્ધ) મહત્ત્વનો ગ્રન્થ છે. કુન્તકની વક્રોક્તિવિચારણા ધ્વનિવિચારના સંશોધનરૂપે જ જણાય છે. ભારતીય કાવ્યશાસ્ત્રનું જગતને સૌથી મોટું પ્રદાન જ રસધ્વનિની વિભાવના છે. એમાં કાવ્યનાટ્યમાં થતી રસાનુભૂતિના સંદર્ભમાં લોલ્લટ, શંકુક, ભટ્ટનાયક અને અભિનવગુપ્તના મતો અત્યંત ઉલ્લેખપાત્ર છે. સાધારણીકરણ અને વીતવિઘ્નાપ્રતીતિગ્રાહ્યરસની ચર્ચા સાહિત્યશાસ્ત્રમાં અગ્રેસર છે. આ શાસ્ત્રમાં ખંડનમંડનની પ્રણાલી શાસ્ત્રીય છતાં કટુતા અને દ્વેષથી રહિત છે. અહીં પૂર્વપ્રતિષ્ઠાપિતની યોજનામાં મૂળની પ્રતિષ્ઠાનું ફળ જોવામાં આવે છે. આમ ઊહાપોહ સ્વસ્થ, વિચારગહન અને ખુલ્લા હૃદયનો છે. ત.ના.