ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરકૃતિત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આંતરકૃતિત્વ (Intertextuality) : કૃતિને સ્વાયત્તતાના સિદ્ધાન્તની ભૂમિકાએથી ઉપાડી એને આંતરકૃતિત્વના સિદ્ધાન્તની ભૂમિકાએ મૂકનાર અને આંતરકૃતિત્વના સિદ્ધાન્તને પહેલવહેલું નામ આપનાર જુલ્યા ક્રિસ્તેવા છે. દશકાથી ફ્રેન્ચ અને અમેરિકન વિવેચન સાહિત્યમાં પ્રચલિત આ આંતરકૃતિત્વનો જુલ્યા ક્રિસ્તેવાએ આ રીતે નિર્દેશ કર્યો છે : ‘પ્રત્યેક કૃતિ ઉદ્ધરણોના મોઝેકની પેઠે આકાર લે છે. પ્રત્યેક કૃતિ અન્ય કૃતિઓનું રૂપાન્તર અને આત્મસાત્કરણ છે.’ પરંપરાગત રીતે જેને આપણે ‘સાહિત્યિક પ્રભાવ’ કહીએ છીએ એનાથી કશુંક વિશેષ અહીં અપેક્ષિત છે. અહીં કૃતિ અને ભૂતકાળ બંને વચ્ચેના સંબંધનું સ્વરૂપ નિશ્ચિત છે; અને એ સંબંધ કૃતિની અન્ય કૃતિઓ સાથેની આંતરક્રિયાને સૂચવે છે. કોઈપણ કૃતિ અન્ય કૃતિના કે અન્ય કૃતિઓના સંદર્ભમાં જ ટકેલી હોય છે, અને નવી કૃતિઓ ઉમેરાતાં એની કામગીરી સતત બદલાયા કરતી રહે છે. એટલું જ નહીં પણ કૃતિઓ વચ્ચેના સંબંધોના સમસ્તક્ષેત્રનું પણ પુન :સંયોજન થતું રહે છે. એક રીતે જોઈએ તો આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’માં નિર્દેશેલા ‘કાવ્યસંવાદ’ના સંપ્રત્યયમાં કે રાજશેખરે ‘કાવ્યમીમાંસા’માં શબ્દહરણ, અર્થહરણ અને સ્વીકરણની કરેલી ચર્ચામાં આંતરકૃતિત્વનો પ્રશ્ન જ પડેલો છે. ચં.ટો.