ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદર્શવાદ-ભાવનાવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આદર્શવાદ/ભાવનાવાદ(idealism) : તત્ત્વવિચારમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ પદાર્થની ચિત્તમાં બંધાતી વિભાવના જ વાસ્તવિક છે એવું માનતો વાદ. પદાર્થને પોતાનું કોઈ સ્વતંત્ર રૂપ નથી, વ્યક્તિના ચિત્તમાં એનું જે રૂપ બંધાય તે જ એનું વાસ્તવિક રૂપ છે : આધિભૌતિક આદર્શવાદ (Metaphysical idealism) પદાર્થના વિભાવનામૂલક જ્ઞાનને સત્ય માને છે, જ્યારે જ્ઞાનમીમાંસાલક્ષી આદર્શવાદ (epistemological idealism) જ્ઞાન વસ્તુરૂપ નહીં, પણ વ્યક્તિના ચિત્તમાં વસ્તુના થતા આકલનરૂપ છે એમ માને છે. તર્કનો આશ્રય લઈ વસ્તુની વિભાવના સુધી પહોંચી શકાય છે, વસ્તુના પરિપૂર્ણ રૂપની ઝાંખી શક્ય છે, મનુષ્યમાં રહેલી સદ્વૃત્તિઓ મૂળભૂત છે અને સંસારના સંસર્ગને લીધે પછીથી મનુષ્યમાં પ્રવેશેલી અસદ્વૃત્તિઓ પર અંકુશ મેળવી શકાય છે વગેરે વિચારો આદર્શવાદીઓ ધરાવે છે. પ્લેટો-એરિસ્ટોટલની સાહિત્યવિચારણા પાછળ પદાર્થજગત તરફ જોવાની આ આદર્શવાદી ભૂમિકા કેટલેક અંશે પડેલી છે. સાહિત્યક્ષેત્રે કૃતિમાં સદ્તત્ત્વો જ્યારે અસદ્તત્ત્વોને પ્રભાવિત કરતાં હોય ત્યારે એવી કૃતિને ‘આદર્શવાદી’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. જ.ગા.