ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કહેવત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કહેવત (Proverb) : કહેવતનાં મૂળ, સંસ્કૃત-ગુજરાતી ધાતુ ‘કથ્’‘કહેવું’માં રહેલાં છે. ‘કથ્’ ધાતુમાંથી બનેલા શબ્દ ‘કથન’ પરથી ‘કથનાવલિ’ શબ્દ કહેવતના પર્યાય તરીકે પ્રયોજાય છે. આખ્યાન દરમ્યાન કહેવાઈ રહેલી વાતના સમર્થનમાં, દૃષ્ટાંતરૂપે કહેવાતી વાતને ‘ઉપાખ્યાન’ કહેતા. ઉપાખ્યાનનાં હિન્દીગુજરાતી અપભ્રંશરૂપો ‘પખાના’ અને ‘ઉખાણા’ કહેવતના જ પર્યાયો છે. કહેવતનો ઉપયોગ પણ, ઉપાખ્યાનની માફક કહેવાઈ રહેલી વાતના સમર્થન માટે ટાંકવામાં આવતી ઉપકથા કે તેનો અર્ક સૂચવતી સૂત્રાત્મક ઉક્તિ રૂપે જ થાય છે. કહેવત એ, વ્યાપક લોકચેતનાસંચિત વિવિધ અને વિપુલ જીવન-અનુભવોની અભિવ્યક્તિ સંદર્ભે પ્રયોગ અને સંમાર્જનની દીર્ઘકાલીન સામૂહિક મથામણોનું પરિણામ હોઈ તેનું કર્તૃત્વ કોઈએક વ્યક્તિને નામે ન નોંધાતા અજ્ઞાત રહે છે. કહેવત માનવજીવનમાં ધર્મ, નીતિ, સમાજ, પ્રકૃતિ, લોકવ્યવહાર, પારસ્પરિક સંબંધ, જ્ઞાતિજન્ય લાક્ષણિકતાઓ અને માનવમૂલ્યો જેવાં પાસાંઓને આવરી લઈને પરંપરાસંચિત જીવન-અનુભવોનું સારગ્રાહી સૂત્રરૂપ કથન કરે છે. એક દૃષ્ટાંતથી આ વાત વધુ સ્પષ્ટ થશે : ‘ઊંટે કાઢ્યા ઢેકા તો, માણસે કર્યાં કાઠાં.’ અહીં, ઊંટે પોતાની પીઠ ઊંચી કરીને માણસ તેની ઉપર બેસીને સવારી ન કરી શકે એ માટે ઢેકો કાઢ્યો, તો માણસે કાઠું ઘડી કાઢીને પૂર્વે એક જ માણસ સવારી કરી શકતો હતો તેને બદલે બે માણસ બેસી શકે એવી સગવડ ઊભી કરીને શેર માથે સવાશેરની સ્થિતિ સરજી છે. કહેવત એની ભાષાકીય સાદગી, લય, પ્રાસ અને ઉક્તિગત લાઘવ, અર્થજન્ય મામિર્કતા, સઘનતા, સરલતા અને પ્રભાવગત સચોટતા તેમજ સર્વસ્વીકૃત નીવડતી સાહજિકતાથી લોકસુલભ બને છે. ર.ર.દ.