ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કહેવતકથાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કહેવતકથાઓ : લોકગીત અને લોકવાર્તાની માફક કહેવત પણ કોઈ વ્યક્તિવિશેષનું નહીં પરંતુ લોકસમસ્તનું સહિયારું સર્જન મનાયું છે. તેમ છતાં લોકગીત અને લોકવાર્તા પણ જેમ તેના પ્રાથમિક સ્વરૂપે કોઈ વ્યક્તિ દ્વારા ગવાયાં-કહેવાયાં હશે એ જ રીતે કહેવત પણ, માનવસ્વભાવની કોઈ વિરલ ખાસિયતલાક્ષણિકતાને પ્રગટ કરનારી ઘટના સંદર્ભે કોઠાસૂઝ અથવા નરી મૂર્ખતા-મૂઢતાથી, પ્રસંગના અર્ક રૂપે ઉદ્ગારાયેલી હશે. જેમકે દૂધમાં પાણી ભેળવીને વધારે પૈસા કમાનારી ભરવાડણના પૈસા નદીના પાણીમાં પડી જતા જોઈને નદી-કાંઠે સંધ્યા-પૂજા કરનારા સાધુના મોંએ ઉદ્ગાર સરી પડ્યો હશે : ‘હશે બાઈ, એ તો દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં!’ અલબત્ત, આવી નિચોડરૂપ ઉક્તિના પુનર્ પુનર્ પ્રયોગ દરમ્યાન, લાઘવ, પ્રાસ, લય અને પ્રયોગગત સચોટતા સંદર્ભે તેનું નિરંતર સર્માંજન, સંસ્કરણ થતાં તાતા તીરસમી કહેવત નિરમાઈ હશે. કહેવતની આવી જન્મદાતા ઘટનાનું વિવરણ એટલે કહેવતકથા. કહેવતની સચોટતા અને તેમાંથી પ્રગટતી મનુષ્યસ્વભાવની લાક્ષણિકતાથી પ્રભાવિત થયેલા કહેવતના શ્રોતા, કહેવતના ઉદ્ગમ-ઉદ્ભવના સંશોધન નિમિત્તે કહેવતકથાઓ લગી પહોંચે છે. ર.ર.દ.